ભુજ, તા. 21 : કર્મવાદ એક સિદ્ધાંત છે. દુનિયામાં અનેક દર્શન
છે, અનેક ધર્મ છે. જૈન ધર્મમાં આત્મવાદ એક સિદ્ધાંત છે, જ્યાં આત્માને શાશ્વત માનવામાં
આવ્યો છે. કર્મવાદ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. કર્મવાદને ટૂંકમાં કહેવો હોય તો `જેવું કરે તેવું ભરે' જે જેવું કરે છે,
તેવું જ ફળ પામે છે. સારા કર્મ કરશો તો સારું ફળ મળશે અને અશુભ કર્મ કરશો તો અશુભ ફળ
મળશે. અણુવ્રત જનજન માટે કલ્યાણકારી છે એવું આચાર્ય મહાશ્રમણજીએ વોંધ ગામને ઉપદેશમાં
કહ્યું હતું. જૈન ધર્મમાં આઠ પ્રકારના કર્મ જણાવવામાં આવ્યા છે. આ આઠ કર્મોમાં કર્મવાદની
વાત છે. જ્ઞાનાવરણીય કર્મ એ જ્ઞાનને અવતરિત કરનાર છે. જ્ઞાનનું આવરણ કોઈનું ઓછું દૂર
થાય છે, કોઈનું વધુ. જો કોઈનું સંપૂર્ણ રૂપે આવરણ હટે તો જાણે જ્ઞાનનો મહાસૂર્ય ઉદય
થાય છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે ઘણા
માણસો અથવા બાળકો ખૂબ બુદ્ધિશાળી હોય છે. તેમની સ્મરણશક્તિ અને શીખવાની ક્ષમતા ઉત્તમ
હોય છે, જ્યારે કેટલાક ઓછા બુદ્ધિશાળી હોય છે. જે બુદ્ધિશાળી છે, તેનું જ્ઞાનાવરણીય
કર્મનો ક્ષયોપશમ શ્રેષ્ઠ છે અને જે બુદ્ધિહીન છે, તેનું ક્ષયોપશમ નબળો છે. શ્વેતાંબર તેરાપંથના અધિશાસક, આચાર્ય મહાશ્રમણજી
દ્વારા વોંધ ગામમાં શાસકીય ઔદ્યોગિક તાલીમ સંસ્થાન અને શ્રમિક કુશળતા પ્રમાણપત્ર કેન્દ્રમાં
ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ધર્મબોધ પ્રદાન કરાયો હતો. આચાર્ય મહાશ્રમણજીના મર્યાદા મહોત્સવના
પ્રસંગે ભચાઉ તાલુકાનાં વોંધ ખાતે પ્રવાસ અંતર્ગત પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ કલ્પેશભાઈ
ઠક્કરને અણુવ્રત સમિતિ ભુજના પ્રભુલાલ નાગજીભાઇ મહેતા તથા ગાંધીધામના પ્રવિણભાઈ સિંઘવી
દ્વારા સ્કૂલમાં અણુવ્રતના નિયમોની જાણકારી સાથે અણુવ્રતના નિયમોની ફ્રેમ અર્પણ કરીને
અણુવ્રત ગીત વિશે સમજણ અપાઇ હતી. મંગળવારે પ્રાત:કાળે આચાર્યએ સામખિયાળી ગામથી વિહાર
કરી રાષ્ટ્રીય રાજમાર્ગ-41 ઉપર 13 કિ.મી.નું અંતર કાપીને વોંધ ગામમાં પહોંચ્યા હતા.
શાસકીય સંસ્થાનના લોકો દ્વારા આચાર્યનું સ્વાગત કરવામાં આવ્યું. આચાર્ય અને સાથે લગભગ
એકસોની આસપાસની સંખ્યામાં પદવિહાર કરતાં સાધુ સાધ્વી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા
મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કિર્તીભાઈ સંઘવી ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ,
યુવકપરિષદ્, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સંભાળી રહ્યા છે. તેવું
એક યાદીમાં પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.