• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ગૌચર પરનાં દબાણો હટાવવામાં સરકારી તંત્ર રસહીન

ભુજ, તા. 21  : અંજારની સીમમાં આવેલી ગૌચર જમીનમાં ખોટી રીતે કોઈપણ સક્ષમ અધિકારીના હુકમ વિના નોંધ પાડી પ્રમાણિત કરવામાં આવી છે તો આ ગૌચર જમીન પરનાં દબાણો હટાવવામાં સરકારી તંત્રને કોઈ રસ ન હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી. કે. હુંબલે કર્યો છે. મંગળવારે ભુજના સર્કિટ હાઉસ ખાતે બોલાવાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં શ્રી હુંબલે વધુ વિગતો આપતાં જણાવ્યું કે, અંજાર સીમમાં આવેલી સર્વે નંબર 1004વાળી એકર 22-16 ગુંઠાવાળી જમીન  1973માં  ગૌચર માટે નીમ  થઈ છે, જે આજે પણ ગૌચર તરીકે 7/12, 8-અમાં બોલે છે, આ જમીન કોઈપણ સક્ષમ અધિકારીના હુકમ વિના ખોટી રીતે પ્રમાણિત કરી નોંધ પાડી 1991માં ખાનગી પાર્ટીનાં નામે  કરી દેવામાં આવી છે. શ્રી હુંબલે જણાવ્યું કે, અંજાર તાલુકામાં અંદાજે 2500 એકર જમીન ગૌચર તરીકે નીમ થયેલી છે, પરંતુ તેનો અતોપતો નથી ત્યારે જિલ્લા કલેકટરે સુઓમોટો તળે આ જમીનો ખુલ્લી કરાવે અને સર્વે નંબર 1004ની નોંધો તાત્કાલિક ધોરણે રદ કરાવે તેવી માંગ કરવામાં આવી છે. કચ્છમાં અંદાજે પાંચેક લાખ એકર ગૌચર જમીન પર સત્તાપક્ષના ભૂમાફિયાઓનો કબજો છે, જેને તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ જમીનો ખુલ્લી કરવામાં નહીં આવે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાશે જેમાં અધિકારીઓ, મહેસૂલ વિભાગને પક્ષકાર બનાવવાની ચીમકી શ્રી હુંબલે આપી હતી. આ બેઠકમાં પી. સી. ગઢવી, ગની કુંભાર, વેરશી મહેશ્વરી, પંકજ અભાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd