• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

પડાણા પાસે પોતાની જ ટ્રક નીચે આધેડ ચગદાયો

ગાંધીધામ, તા. 21 : તાલુકાના પડાણા નજીક અચાનક ટ્રક પલ્ટી જતાં પોતાના વાહન નીચે દબાઈ જવાથી ચાલક નીરજકુમાર રામપ્રીત રાય (ઉ.વ. 30)એ જીવ ખોયો હતો. બીજી બાજુ ગાંધીધામમાં કાસેઝ ઓવરબ્રિજ ઉપર બાઈકને અજાણ્યા વાહને હડફેટે લેતાં પિન્ટુ નિતીશદાસ (ઉ.વ. 36)નું મોત થયું હતું. અન્ય બેને ઈજાઓ પહોંચી હતી. પડાણા નજીક અજમેરી હોટલની સામે ભચાઉથી ગાંધીધામ તરફ જતાં માર્ગ ઉપર આજે સવારે અકસ્માત સર્જાયો હતો. શિવમ એન્ટરપ્રાઈઝની ટ્રક નંબર જી.જે. 12-બી.એક્સ-5454 લઈને રાહુલરામ તથા નીરજકુમાર મહેસાણાના કડીથી ગાંધીધામ બાજુ આવી રહ્યા હતા. આ વાહન પડાણા પહોંચતા આગળ જતાં વાહનના અચાનક બ્રેક મારતા પાછળ આવતી ટ્રકના ચાલક નીરજે પણ બ્રેક માર્યો હતો. જેમાં આ વાહન પલ્ટી ગયું હતું. જેમાં તેનો ચાલક નીરજ દબાઈ જતાં તેનું મોત થયું હતું. જ્યારે ફરિયાદી રાહુલરામને ઈજાઓ પહોંચી હતી. વધુ એક જીવલેણ અકસ્માત ગઈકાલે રાત્રે ગાંધીધામમાં ઝોન વળાંક પુરીયા ઉપર બન્યો હતો. કાર્ગોમાં રહેનાર ફરિયાદી શરીફ ઉર્ફે આદત મનીર શેખ તેના મિત્રો પિન્ટુ અને પ્રેમકુમાર બાઈક નંબર જી.જે. 12-ઈ-એન-0016 લઈને નોકરી પર જવા કંડલા જઈ રહ્યા હતા ત્યારે ઝોન વળાંક પાસે તેમને પાછળથી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા નીચે પટકાયા હતા જેમાં ગંભીર ઈજાઓના પગલે પિન્ટુનું મોત થયું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી. હિટ એન્ડ રનના આ બનાવમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd