વિશ્વ માટે ભારે
ચિંતા જગાવતા રહેલા ગાઝાના લોહિયાળ અને વિનાશક સંઘર્ષે આખરે વિરામ લીધો છે. ઇઝરાયલ
અને હમાસે તેમના કબજામાં રહેલા કેદી અને બાનને મુક્ત કરીને સંઘર્ષવિરામનો પ્રથમ કોઠો
પાર કર્યો છે. ભારે નાજુક એવી આ સમજૂતી ટકી રહે એ માટે વિશ્વના દેશો મથી રહ્યા છે,
પરંતુ સંઘર્ષવિરામની શરતોનાં પાલનમાં જરા અમથી ચૂક આ સમજૂતીને વિફળ બનાવી શકે એવો ફડકો
હજી સૌને સતાવી રહ્યો છે. વાટાઘાટોના લાંબા અને જટિલ દોર બાદ સધાયેલી સમજૂતીની ચાવીરૂપ
શરતોમાં બાન અને કેદીઓની તબક્કાવાર મુક્તિ સમય મુજબ થાય તે અનિવાર્ય બની રહેશે. જો
કે, યુદ્ધવિરામના અમલ સાથે તારાજ ગાઝામાં નાગરિકો તેમનાં ઘરોમાં પરત ફરી રહ્યા છે તથા
વૈશ્વિક સેવા સંસ્થાઓએ રાહત સામગ્રીના કાફલા મોકલવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ શાંતિ
ભારે લોહિયાળ સંઘર્ષ બાદ સાંપડી છે. સાતમી ઓક્ટોબર 2023ના હમાસે ઇઝરાયલ પર હુમલો કરીને
250 લોકોને બાનમાં લીધા હતા અને 1200 નાગરિકને ઠાર કર્યા હતા. ઇઝરાયલે ગાઝા પર શરૂ
કરેલા વળતા હુમલાએ ભારે તારાજી સર્જી હતી, તેમાં 46,000થી વધુ લોકોનાં મોત થયાં અને
90 ટકા રહેવાસી બેઘર બન્યા છે. આ સંઘર્ષની આગે લેબેનોન, સીરિયા, યમન અને ઇરાકને પણ
દઝાડયા હતા. વળી, હમાસ સામેનો સંઘર્ષ ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનાં યુદ્ધમાં પરિવર્તિત
થાય તેવું જોખમ પણ ઊભું થયું હતું. આટલા લાંબા સમય બાદ સંઘર્ષવિરામ થતાં ગાઝાની આરોગ્ય
સેવા સહિતની માળખાંકીય વ્યવસ્થાને ફરી બેઠી કરવાનો પડકાર સંયુક્ત રાષ્ટ્ર સંઘ સહિત
વિશ્વની સેવાભાવી સંસ્થાઓએ પાર પાડવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, આ સમજૂતી માટે કતારમાં
વાટાઘાટોના લંબાણભર્યા દોર ચાલ્યા હતા. ખાસ તો અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે તેઓ સત્તા સંભાળે ત્યાં સુધી હમાસ સમજૂતી માટે સંમત ન થાય તો ભીષણ
પરિણામ આવી શકે એવી ધમકી આપી હતી, તો જો બાયડનના કાર્યકાળના અંતિમ દિવસોમાં શાંતિ માટેના
પ્રયાસો વેગવાન બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે સત્તા સંભાળી તેના ગણતરીના કલાકો
પહેલાં સમજૂતી સાધી શકાઇ અને જેની જાહેરાત ખુદ ટ્રમ્પે કરી હતી. આમ, આ શાંતિના પ્રયાસો
પાછળ અમેરિકાના પ્રયાસો અને ટ્રમ્પની ધમકીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ઇઝરાયલે 90 પેલેસ્ટાઇનીને
મુક્ત કર્યા, તો હમાસે ત્રણ ઇઝરાયલી બાનને મુક્ત કર્યા તે સાથે આ સમજૂતીનો નાજુક પ્રથમ
તબક્કો પાર પડયો છે, પણ આ સમજૂતીને ટકાવી રાખવા માટે અને કાયમી શાંતિ માટે આવા ઘણા
મુશ્કેલ તબક્કા પાર કરવાના થશે. આવનારા છ સપ્તાહમાં
હમાસે 33 બાન મુક્ત કરવાના છે, જેના સાટામાં ઇઝરાયલે પેલેસ્ટાઇની કેદીઓને છોડવાના રહેશે.
કાયમી યુદ્ધવિરામ શક્ય બને તે પછી તમામ બાનને મુક્ત કરવાની શરત છે, પણ ખરેખર કેટલા
બાન જીવે છે તે હજી સ્પષ્ટ નથી. બાન અને પેલેસ્ટાઇનીઓને મુક્ત કરવાની શરતમાં જરા અમથી
ભૂલ શાંતિકરારને વિફળ બનાવીને ફરી સંઘર્ષ છેડી શકે છે. આવામાં વિશ્વની માથે ચિંતાનાં
વાદળો સાવ વિખેરાશે એમ કહી શકાય નહીં.