તાઇવાન, તા. 21 : 20 જાન્યુઆરીના મોડીરાત્રે આવેલા 6.4ની તીવ્રતાના
ભૂકંપથી તાઇવાન હચમચી ગયું હતું. 12.17 વાગ્યે આવેલા ભૂકંપના આંચકાથી 27 લોકો ઘાયલ
થયા હતા. તાઇવાનના યુજિંગ શહેરની આસપાસ 12 કિ.મી. ઉત્તરમાં તેનું કેન્દ્ર બતાવાયું
હતું, જેમાં અનેક ઇમારતો ધરાશાયી થઇ હોવાનું જણાવાયું હતું. આ ભૂકંપની અસર હેઠળ લદ્દાખના
લેહ વિસ્તારમાં પણ આંચકા આવ્યા હતા. ભૂકંપ બાદ તાઇવાનમાં સુનામી એલર્ટ જારી કરાયું
છે. સરકારે લોકોને સમુદ્રથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. લગભગ 2.34 કરોડ લોકો પર સંકટનાં
વાદળો છવાયેલાં છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર
કાઢવાની કામગીરી ચાલી રહી છે. તાઇવાનના નાનક્સી
જિલ્લામાં એક મોટી ઇમારત ધરાશાયી થઇ છે. સરકારે રાહત અને બચાવ કામગીરી માટે ટીમો સક્રિય
કરી છે. તાઇવાન સ્ટેટ હાઇવે પર આવેલો ઝુવેઇ બ્રિજ ભૂકંપને કારણે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત
થઇ ગયો હતો. રાજધાની તાઇપેમાં પણ આંચકા અનુભવાયા હતા. ઇમારતો અને દુકાનોને ભારે નુકસાન
થયું હતું. અનેક મકાનોની છત તૂટી પડી હતી અને લોકો કાટમાળ નીચે ફસાયા હતા. ભૂકંપને
કારણે કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. લેહ-લદ્દાખમાં પણ ભૂકપંના આંચકા અનુભવાયા
હતા. ભૂકંપની તીવ્રતા રિખ્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર લેહથી
ઉત્તર-પૂર્વમાં 15 કિ.મી. દૂર હતું, જો કે, કોઇ મોટા નુકસાનના સમાચાર નથી, પરંતુ લોકોમાં
ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રે 12.17 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને લોકો ઘરની
બહાર નીકળી ગયા હતા. 12 વાગ્યા સુધી નાના આંચકા અનુભવાયા હતા. લેહ પ્રશાસને તાત્કાલિક
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને સક્રિય કરી હતી. પ્રાદેશિક વહીવટી તંત્રે કહ્યું કે, હજુ
કોઇ ઇજા કે સંપત્તિને નુકસાન થયું નથી. જો કે, સાવચેતીનાં પગલાં તરીકે ઇમારતોની તપાસ
શરૂ કરાઇ છે. ભૂકંપ બાદ પ્રશાસને લોકોને સલામત સ્થળે રહેવા અને અફવાઓથી દૂર રહેવાની
સલાહ આપી છે. આ વિસ્તારમાં કોઇ જોખમ ન રહે તે માટે નિષ્ણાતોની ટીમ તૈનાત કરાઇ છે, તેવું
યાદીમાં જણાવાયું હતું.