• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

સત્તાગ્રહણ બાદ ટ્રમ્પનો સપાટો : 80થી વધુ આદેશ

વોશિંગ્ટન, તા. 21 : અમેરિકાના રાષ્ટ્રપતિપદે શપથ લેતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક મોટા અને દૂરગામી અસરો પાડે તેવા નિર્ણયો જાહેર કર્યા છે. અને દુનિયાને ચોંકાવી છે. ટ્રમ્પે એક તરફ વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) અને પેરિસ જળવાયુ સમજૂતીથી અમેરિકાને અલગ કરવાનો નિર્ણય લીધો હતો, તો યુ.એસ.માં જન્મજાત નાગરિકતાના અધિકારને ખતમ કરતા આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ નિર્ણયની સૌથી વધુ ભારતીયો અને ચીનીઓ પર અવળી અસર પડે તેવી ભીતિ છે. સોગંદ લીધા બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તે અન્ય દેશો પર દરો વધારશે. ટ્રમ્પે પ્રથમ દિવસે જ 80થી વધુ કાર્યકારી આદેશ જારી કર્યા હતા અને પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનના 78 આદેશ પલટી નાખ્યા હતા. અમેરિકા-મેકિસકો સરહદે નેશનલ ઇમરજન્સી જાહેર કરી ગેરકાયદે ઘૂસણખોરી અટકાવવાના નિર્ણયથી  ભારતીયો પર અસર થશે, ટ્રમ્પે `અમેરિકા ફર્સ્ટ' નીતિ પર ભાર મૂકયો હતો. અમેરિકામાં જન્મજાત નાગરિકતા અધિકાર કરવાના નિર્ણયથી તેની ઈમિગ્રેશન નીતિ પર મોટી અસર પડશે. ખાસ કરીને વર્ક વિઝા પર કોઈ દંપતી અમેરિકા આવ્યું હોય અને બાળકનો જન્મ થયો હોય તેવા લાખો બાળકોની નાગરિકતા સામે સવાલ સર્જાશે. અમેરિકામાં 1પ0 વર્ષથી એવો નિયમ છે જે તમામને જન્મસિદ્ધ નાગરિકતાની ખાતરી આપે છે. માતા-પિતાની નાગરિકતા ન હોય અને તેમનું રોકાણ કાયદેસર ન હોય તો પણ અમેરિકામાં જન્મેલાં બાળકને નાગરિકતાનો અધિકાર મળી જતો, પણ હવે એમ નહીં થાય. નવા નિયમ મુજબ હવે જેમના માતા-પિતા પૈકી કોઈ એક અમેરિકી નાગરિક હોય અથવા બંનેમાંથી કોઈ એક ગ્રીનકાર્ડધારક હોય કે અમેરિકી સેનાનો સભ્ય હોય તો જ બાળકને જન્મજાત નાગરિકતા મળશે. અમેરિકામાં સૈથી વધુ ભારત અને ચીનના લોકો આવે છે અને નવા કાયદાથી તેમના પર અવળી અસર પડશે. અસ્થાયી કાર્ય વિઝા એટલે કે એચવન-બી પર અમેરિકામાં આવેલા ભારતીયોની સંખ્યા બહુ મોટી છે. ટ્રમ્પે ભારતની ચિંતા વધારે તેવા અન્ય એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અન્ય દેશો પર ટેરિફ વધારવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ વૈશ્વિક આયાત પર દસ ટકા અને ચીનથી આવતા સામાન પર 60 ટકા ટેરિફ લગાવશે. ટ્રમ્પે બ્રિકસ દેશોને ચેતવણી આપતાં કહ્યું હતું કે, એ સંગઠનનો હિસ્સો બનનારા દેશો જો ડોલરથી દૂર થવાની અને પોતાનું ચલણ લાવવાની કોશિશ જારી રાખશે તો અમેરિકા સાથે વ્યાપાર પર 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. મારું આ નિવેદન ધમકી નથી પણ અમેરિકાનું સ્પષ્ટ વણલ છે. પેરિસ જળવાયુ સમજૂતીને તેમણે પક્ષપાતી અને એકતરફી ગણાવી છે. ટ્રમ્પે સીધો આરોપ લગાવ્યો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અમેરિકાને છેતર્યું છે અને હવે તે નહીં ચાલે. ટ્રમ્પના પહેલા દિવસના મોટાભાગના આદેશ અગાઉથી ચાલી આવતી વ્યવસ્થા બદલવા અને અમેરિકાને વૈશ્વિક સંગઠનોથી બહાર નીકળવા પર કેન્દ્રિત છે. ટ્રમ્પના આદેશની સીધી અસર અનેક દેશોને અને આડકતરી મોટે ભાગે આખી દુનિયાને થશે. તેમણે ઇમિગ્રેશન અને શરણાર્થીઓને નાગરિકતાની નીતિ બદલી છે. અમેરિકાની નાગરિકતા મેળવવી હવે પહેલાં જેવી સરળ નહીં હોય.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd