• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

કોલકાતાની નિર્ભયાના દોષી સંજયને જનમટીપ

કોલકાતા, તા. 20 : દેશભરમાં આક્રોશ જગાવનાર કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં તાલીમી તબીબ પર દુષ્કર્મ બાદ હત્યાના દોષી સંજય રોયને સોમવારે 160 પાનાંના ફેંસલામાં  જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલવાસ એટલે કે, જનમટીપની સજા ફટકારાઇ હતી. કોલકાતાની સિયાલદહ સેસંસ કોર્ટના ન્યાયમૂર્તિ અનિર્બાન દાસે આજે બપોરે પોણા ત્રણ વાગ્યે નરાધમ દોષીને સજા આપતાં જણાવ્યું હતું કે, આ મામલો દુર્લભતમ્ શ્રેણીમાં આવતો નથી એટલે મૃત્યુદંડના સ્થાને આજીવન કારાવાસની સજા અપાઇ છે. અદાલતે આ સજાની સાથોસાથ રોયને 50 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો અને બંગાળની સરકારને પીડિતા તાલીમી તબીબના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, અચરજ પમાડે તેવું વલણ અપનાવતાં પીડિતાના માતા-પિતાએ કહ્યું હતું કે, કોઇ જાતનું વળતર જોઇતું નથી. ખાસ ઉલ્લેખ જરૂરી છે કે, તાલીમી મહિલા તબીબના માતા-પિતાએ તેમના વકીલના માધ્યમથી દોષીને મૃત્યુદંડ આપવાની માંગ કરી હતી. અદાલતે 164 દિવસે `િનર્ભયાને ન્યાય' રૂપે દુષ્કર્મ હત્યાના દોષીને જનમટીપની સજા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અમે ફાંસીની માંગ કરીએ છીએ. અમે આ ફેંસલાથી સંતુષ્ટ નથી, તેવું તૃણમૂલ સુપ્રીમોએ જણાવ્યું હતું. કોર્ટના ફેંસલાથી પહેલાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે તપાસમાં પૂરતો સહયોગ આપ્યો હતો, પરંતુ ન્યાયપાલિકાએ પોતાનું કામ કરવાનું હતું. તેમાં જ આ સમય લાગ્યો છે. અદાલતના ફેંસલા વચ્ચે પીડિતા તબીબના દોષી સંજય રોયના માતા-પિતાએ કહ્યું હતું કે, ભલેને ફાંસી થાય. અમે ફેંસલા વિરુદ્ધ અપીલ નહીં કરીએ. સંજયની માતાએ જણાવ્યું હતું કે, મારી પણ પુત્રી છે. હું તબીબના માતા-પિતાનું દુ:ખ સમજી શકું છું. પીડિતાના પરિવારે જનમટીપની સજા દોષી રોયને આપતા અદાલતના ફેંસલાનું સ્વાગત કર્યું હતું, પરંતુ ફાંસીની સજા ન અપાઇ, એ બદલ નિરાશા વ્યક્ત કરી હતી. કોલકાતા આર.જી. કર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં હેવાનિયત આચરાઇ હતી. આઠ ઓઁગસ્ટની રાત્રે આજઘન્ય અપરાધ?કરાયો હતો. સંજય રોયને ભારતીય ન્યાયસંહિતનાની કલમ 64, 66 અને 103(1) હેઠળ દોષી ઠરાવવામાં આવ્યો હતો. આ કલમો હેઠળ ગુનેગારને ફાંસી કે આજીવન કેદની મહતમ સજાની જોગવાઈ છે. જો કે કોર્ટે આ કેસમાં આજીવન કેદની સજા જ જાહેર કરી હતી. સજાની ઘોષણા પહેલા એડિશનલ સેશન્સ જજ અનિર્બન દાસે આરોપીને કહ્યું હતું કે, તારા ઉપર મૂકવામાં આવેલા દુષ્કર્મ અને હત્યા સહિતનાં આરોપો સાબિત થઈ ગયા છે. જેનાં ઉપર આરોપી સંજય રોયે કહ્યું હતું કે, તેને કોઈ કારણ વિના ફસાવી દેવાયો છે. હું કાયમ રૂદ્રાક્ષની માળા પહેરું છું અને જો મેં કોઈ અપરાધ કર્યો હોત તો અપરાધાનાં સ્થાને મારી માળા તૂટી ગઈ હોત. મને કંઈ બોલવા દેવાયો નહોતો. અનેક કાગળ ઉપર મારા હસ્તાક્ષર બળજબરીથી કરાવી લેવામાં આવ્યા હતાં. સીબીઆઈએ જ્યારે આ કેસની તપાસ સંભાળી ત્યારે રેલવે હોસ્પિટલમાં મારી તબીબી તપાસ કરાઈ હતી અને તેમાં પણ કંઈ મળી આવ્યું નહોતું. જજે જ્યારે રોયને તેનાં પરિવાર વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, તેને માતા છે પણ ધરપકડ બાદ કોઈ તેને મળવા આવ્યું નથી. તેણે આગળ કહ્યું હતું કે, તેણે કોઈ જ ગુનો ન કર્યો હોવા છતાં તેને અપરાધી ઠરાવી દેવાયો છે. સીબીઆઈનાં વકીલે અદાલતને આ દુર્લભતમ શ્રેણીનો કેસ હોવાનું કહીને સમાજ અને લોકોનાં વિશ્વાસને ટકાવી રાખવા માટે મહતમ સજા આપવાની માગણી કરી હતી. જેને પગલે રોયનાં વકીલે કહ્યું હતું કે, દોષિતમાં કોઈ સુધારો થવાની શક્યતા ન હોવાનાં પુરાવા અભિયોજન પક્ષે રજૂ કરવાં જોઈએ. માટે ફાંસીનાં બદલે હળવી સજા કરવાં માટે અદાલતને અનુરોધ કરવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd