• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

સૂર, સંગીત અને નૃત્યની જમાવટ સાથે વિન્ટર ફેસ્ટિવલમાં કલા-કલાકારો છવાયા

ભુજ, તા. 21 : સૂર, સંગીત અને નૃત્યનો સમન્વય એવો વિન્ટર ફેસ્ટિવલ સૃજન એલ.એલ.ડી.સી. ખાતે આગળ વધી રહ્યો છે. સાંજે ચારથી રાત્રિના 10 વાગ્યા સુધી ચાલતા આ ફેસ્ટિવલના બીજા દિવસે ઓડિશા અને કચ્છની 35 જાતની કલા-કારીગરીના સ્ટોલ્સની કલાપ્રેમી લોકોએ ઉમંગભેર મુલાકાત લીધી હતી. કચ્છની આહીર અને બાટિક તથા ઓડિશાની પટ્ટચિત્ર અને સાઓરા પેઇન્ટિંગ કલાઓની પ્રક્રિયા સમજવા અને શીખવા માટે સ્થળ ઉપર જ વર્કશોપ ચાલી રહ્યા છે. સાંજે ખુલ્લા આસમાન નીચે ગાર્ડન સ્ટેજ ઉપર પારંપરિક રેયાણના પરિવેશમાં અર્જુનદાન ગઢવીએ લોકસાહિત્યની રસાવલી રેલાવીને દર્શકોને રસતરબોળ કરી દીધા હતા. સાથે સુમિત સોલંકીએ બેન્જો પર સંગત કરીને સૂર પૂરાવ્યા હતા. મુખ્ય સ્ટેજ ઉપરથી સૂરમયી સાંજને શરૂ કરતાં `ઈમર્જિંગ સ્ટાર' શીર્ષક હેઠળ થતી રજૂઆતમાં દક્ષ છાયા અને તેમના ગ્રુપ દ્વારા શાસ્ત્રીય અને ખૂબ જ લોકપ્રિય ફિલ્મી સંગીત પીરસવામાં આવ્યું હતું.  દર્શકોએ પાંચ નૃત્ય કાર્યક્રમો માણ્યા હતા, જેમાં બાબા ગોરખનાથ ગોટીપુઆ એસોસીએશન રઘુરાજપુર, પ્રતિવા ફોક એન્ડ ટ્રાઈબલ ડાન્સ ગ્રુપ અને નૃત્ય મલ્હાર ઓડીશી ડાન્સ આ ત્રણ ઓડિશાના પારંપરિક નૃત્યોની પ્રસ્તુતિએ લોકોને ડોલાવી દીધા હતા. સાથોસાથ ગાંધીધામના નાટ્યાલય સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સીસ ગ્રુપના કલાકારોએ `ભારતમ-ભાવ રાગ અને તાલ', `ભરતનાટયમ' અને `મોહિનીઅટ્ટમ'ની અદ્ભુત મિશ્ર રજૂઆત કરી હતી. અંજાર એજ્યુકેશન સોસાયટી સ્કૂલ, અંજારના નૃત્ય કલાકારોએ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત એવા `પ્રાચીન ગરબો'રજૂ કર્યો હતો.  રાત્રે પ્રખ્યાત મ્યુઝિક બેન્ડ  `કબિર કાફે' ગ્રુપના નીરજ આર્ય અને ટીમ દ્વારા સંત કવિ કબીરવાણીની સંગીતમય રજૂઆત કરીને લોકોને મોહિત કરી દીધા હતા. `ચદરિયા જીની રે જીની', `ક્યા બોલે રે', `મત કર માયા કો અહંકાર' જેવી સંત કબીરની જાણીતી રચનાઓની પ્રસ્તુતિ દ્વારા લોકો સંગીતના તાલે નાચ્યા હતા. સુમિટોમોના સુનીલ જગતાપ હાજર રહ્યા હતા. આ ફેસ્ટિવલ વિદેશી પ્રવાસીઓએ પણ માણ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd