ભુજ, તા. 21 : નખત્રાણા તાલુકાના કોટડા (જ.) ગામે સોની વેપારી
ઉપર છરીથી હિચકારો હુમલો કરી સોનાંના ઘરેણા ભરેલા થેલાની સનસનીખેજ લૂંટનો ભેદ હાથવેંતમાં
હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. શનિવારે રાતે સોની વેપારી નીલેશભાઇ સોનીને હાથમાં છરી
મારી 30.48 લાખના 48 તોલા સોનાંના ઘરેણાની લૂંટ ચલાવી નંબરપ્લેટ વિનાની સફેદ સ્વિફટ
કારમાં ત્રણ લૂંટારા નાસી છૂટયા હતા. શનિવાર રાતથી જ નખત્રાણા પોલીસ ઉપરાંત એલસીબી
અને એસઓજીની ટીમે ચોફેર ઘોડા દોડાવવાના શરૂ કરી દીધા હતા. સીસીટીવી ફૂટેજના આધારે કારનું
પગેરું દબાવી લઇ આરોપીને ઝડપી લીધાનીય વિગતો માહિતગારો પાસેથી મળી?છે, પરંતુ હજુ આ
સનસનીખેજ લૂંટને સાંકળતી કડીઓ અને મહત્ત્વના પુરાવાઓ એકત્ર કરવાના હોવાથી આ અંગે વિધિવત
જાહેરાત આગામી સમયમાં થાય તેવી શક્યતા સામે આવી છે.