• મંગળવાર, 30 એપ્રિલ, 2024

મંગળ વર્તારો... ચોમાસું સામાન્યથી સારું રહેશે

નવી દિલ્હી, તા. 15 : ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે સોમવારે શુભ વર્તારો આપતાં જણાવ્યું હતું કે, વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. મોસમ વિજ્ઞાન તંત્ર 104થી 110 ટકા વચ્ચે વરસાદને સામાન્ય કરતાં સારું માને છે. ખેતી માટે સારા સંકેત છે. હવામાન વિભાગે મંગળ આગાહી કરતાં કહ્યું હતું કે, 2024માં 106 ટકા એટલે કે 87 સેન્ટિમીટર વરસાદ થઇ શકે છે. ચાર મહિનાની ચોમાસુ મોસમ માટે લાંબાગાળાની સરેરાશ 868.6 મિલીમીટર એટલે કે 86.86 સેન્ટિમીટર હોય છે. મતલબ કે મોસમમાં કુલ્લ આટલો વરસાદ થવો જોઇએ. અગાઉ નવમી માર્ચના દિવસે ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટ તરફથી ચોમાસું સામાન્ય રહેશે એટલે કે ચાર મહિનામાં 96થી 104 ટકા વચ્ચે વરસાદ થઇ શકે છે તેવી આગાહી કરાઇ હતી. કેરળ ઉપરાંત ગુજરાત, તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, મેઘાલય, પોંડીચેરી, અરૂણાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, દીવ-દમણ સહિત 25 રાજ્યમાં સામાન્યથી સારા વરસાદનો વર્તારો અપાયો છે. શરૂઆતમાં જૂન-જુલાઇ દરમ્યાન મોસમની ગતિ ધીમી રહેશે, પરંતુ ઓગસ્ટ-સપ્ટેમ્બરના બીજા દોરમાં ગતિ પકડશે. ચોમાસા માટેનો બીજો વર્તારો મે માસના અંતિમ સપ્તાહમાં જારી કરાશે તેવું મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર ભારે વરસાદવાળા દિવસોની સંખ્યા ઘટી રહી છે, પરંતુ ખૂબ તેજ વરસાદવાળા એટલે કે ઓછા સમયમાં બહુ વધારે વરસાદવાળા દિવસોની સંખ્યા વધી રહી છે. વારંવાર આવતા દુકાળ અને પૂર જેવા પ્રકૃતિના ચિંતા વધારી નાખતા ઘટનાક્રમોના કારણે આવા બદલાવ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વીતેલા વર્ષે ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા 96 ટકા વરસાદની આગાહી કરાઇ હતી. જો કે તેમાં બે ટકા ઓછો એટલે કે 94 ટકા વરસાદ થયો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang