• શનિવાર, 27 જુલાઈ, 2024

કોટડામાં દુકાનનું પતરું તોડી રોકડ રકમ લઇ જતાં તસ્કરો

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના કોટડા ગામમાં એક દુકાનનું પતરું તોડી નિશાચરો તેમાંથી રૂા. 14,700ની ચોરી કરી ગયા હતા. બીજીબાજુ અંજારના મેઘપર કુંભારડીની મેઘમાયા સોસાયટીમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો. કોટડા ગામમાં આંગણવાડીની બાજુમાં રહેતા રમેશ જીવા શામળિયાની ચામુંડા ટી હાઉસ નામની દુકાનમાં નિશાચરોએ ખાતર પાડયું હતું. ગત તા. 19/11ના રાત્રે તેમનો દીકરો દુકાન બંધ કરીને ઘરે ગયો હતો. બાદમાં તા. 20/11ના વહેલી પરોઢે ફરિયાદી પોતાની દુકાને જતાં દુકાનનું ઉપરનું પતરું તૂટેલી હાલતમાં જણાયું હતું. સિમેન્ટનું આ પતરું તોડી નિશાચરો અંદર ખાબક્યા હતા અને અંદર ઘૂસી કાઉન્ટરના ખાનામાંથી રોકડ રૂા. 14,700ની ચોરી કરી નાસી ગયા હતા. થોડા સમય પહેલાં હસ્તકલાનગરમાં પણ દાગીનાની ચોરી થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીજીબાજુ અંજાર તાલુકાના મેઘપર કુંભારડીની મેઘમાયા સોસાયટીમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો. સોસાયટીના એક ઘરમાં ઘૂસી નિશાચરોએ રાંધણ ગેસના બાટલા સહિત મતાની ચોરી કરી હતી તેમજ અન્ય મકાનોનાં તાળાં પણ તોડયાં હતાં. નિશાચરો કાર લઇને આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ચોરીનો આ બનાવ પોલીસ ચોપડે ચડયો ન હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang