ગાંધીધામ, તા. 26 : ભચાઉ તાલુકાના શિવલખામાં 15 વર્ષ પહેલાં યુવાન ઉપર બંદૂક
વડે ફાયરિંગ કરી ધારિયા, લાકડી વડે
જીવલેણ હુમલાના બનાવમાં પાંચ શખ્સને પાંચ વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં
આવ્યો હતો. શિવલખા ગામના પાદરમાં ગત તા. 19/7/2010ના રાત્રિના અરસામાં બનાવ બન્યો હતો. ફરિયાદી નાગજી સિધા રાતડિયા
(ભરવાડ) નામનો યુવાન (રહે. ગોવિંદપર સીમવાળો) જઇ રહ્યો હતો, ત્યારે હબીબ મામદ ખોખર, લતીફ ઇબ્રાહીમ ખોખર, અનવર ઇબ્રાહીમ ખોખર, રમજુ મામદ ખોખર, અભરામ ભચુ ખોખર તથા રમેશ વિરમ ભરવાડ
નામના શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે બંદૂકમાંથી અવાજ થતાં ફરિયાદી બાજુમાં ખાડામાં
પડી ગયો હતો, તેવામાં ત્યાં આવેલા આરોપીઓએ ફરિયાદી યુવાન ઉપર
ધારિયા, લાકડી વડે માર માર્યો હતો. રાડારાડ બાદ ફરિયાદી ત્યાંથી
ઢસડીને ગામમાં પહોંચ્યો હતો. તેને સારવાર અર્થે ખસેડાયા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડયા હતા. બાદમાં ચાર્જશીટ રજૂ
કરવામાં આવી હતી. આ કેસ ભચાઉની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષની દલીલો,
જુબાની, સાહેદોને તપાસ્યા બાદ ન્યાયાધીશ અંદલિપ
તિવારીએ રમજુ, હબીબ, લતીફ, અનવર, અભરામને તક્સીરવાન ઠેરવી તમામને પાંચ વર્ષની સખત
કેદ અને દંડ ફટકાર્યો હતો. સરકાર તરફે સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ હાજર રહી દલીલ કરી
હતી.