શિકાર કરવા આવેલા
શખ્સો સાથે ઝપાઝપી બાદ આરોપીઓ નાસી છૂટયા
ગાંધીધામ, તા. 12 : ભચાઉ તાલુકાના લલિયાણા
ગામની સીમમાં ગેરકાયદે વન્યજીવોનો શિકાર કરવા નીકળેલા શિકારીઓ અને ગ્રામજનો સામસામે
આવી જતાં ભારે અફરાતફરી થઇ પડી હતી. ગ્રામજનોએ હિંમત દાખવી શિકારીઓને પકડવાનો પ્રયાસ
કરતાં બંને પક્ષે ઝપાઝપી થઇ હતી. અંધારાનો લાભ લઇ શિકારીઓ નાસી છૂટયા હતા. બનાવ સ્થળેથી
બંદૂક, બે બાઇક તથા સસલાં જેવું મૃત પ્રાણી
મળી આવ્યું હતું. લલિયાણા ગામના ફતુભા કાથુભા જાડેજાએ ગત તા. 4/7ના રાત્રે સીમમાં અમુક શખ્સો હથિયાર સાથે આવી શિકાર
કરવા આવ્યા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. જે તેમને જોઇને નાસી ગયા હતા. બાદમાં
તા. 11/7ના રાત્રે ફતુભા તથા દેવુભા અને ગિરિરાજસિંહ દિલુભા
જાડેજા આ શિકારીઓની વોચમાં હતા તેવામાં રાત્રે મોરબી-સામખિયાળી ધોરીમાર્ગથી લલિયાણા
તરફ આવતા માર્ગ પરથી બે બાઇક આવતાં ધોકા લઇને ઉભેલા ગ્રામજનોએ પૂછપરછ અર્થે તેમને રોકાવવાની
કોશિષ કરતાં બંને બાઇકચાલકે ગાડી હંકારી દીધી હતી અને આગળ જઇને રેતીમાં સ્લીપ થઇ ગઇ
હતી. આ ત્રણેય લોકો પહેલાં બંને બાઇક પાસે જતાં આરોપીઓ પાસે બંદૂક અને ધોકા જણાયા હતા.
આ બંદૂક ઝૂંટવા જતાં બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થતાં બંદૂક નીચે પડી ગઇ હતી. બાદમાં આરોપીઓ
અંધારાનો લાભ લઇ સીમમાં નાસી ગયા હતા. અહીં તપાસ કરાતાં બે બાઇક, એક બંદૂક તથા લુંગી ખોલતાં તેમાં સસલા
જેવું મૃત પ્રાણી મળી આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સામખિયાળી પોલીસ
અહીં દોડી આવી હતી અને અહીંથી રૂા. 5000ની
બંદૂક, કે.ટી.એમ. બાઇક જી.જે. 12 ઇ.ક્યુ. 5066 તથા
બીજી બાઇક નંબર જી.જે. 12 ઇ.ક્યુ. 6096 અને મૃત પશુ મળી આવ્યું હતું. આ મૃત પશુને વન વિભાગને
સોંપી દેવાયું હતું. જે અંગે વન વિભાગે અલાયદી કાર્યવાહી કરી હતી. નાસી ગયેલા શખ્સો
સામે પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધી તેમને પકડી પાડવા આગળની કાર્યવાહી
હાથ ધરી છે.