ભુજ, તા. 21 : છેલ્લા કેટલાક સમયથી વીજતંત્રે
કચ્છમાં વીજચોરો પર લાલઆંખ કરતાં આવા તત્ત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે. 16થી 21 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારમાં હાથ ધરાયેલી
ચેકિંગ ઝુંબેશમાં 1.71 કરોડની વીજચોરી
ઝડપાઈ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની 29 જેટલી ટીમોએ ભુજ શહેર અને ગ્રામ્ય, કુકમા, ભુજોડી,
ખાવડા, દેશલપર, મુંદરા,
માંડવી, નખત્રાણા, દયાપર,
કોઠારા વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. ચેકિંગ ઝુંબેશ દરમિયાન
રહેણાક, વાણિજ્યિક, ઔદ્યોગિક અને ખેતીવાડી
મળી 3477 જોડાણો તપાસવામાં આવ્યા હતા.
કુલ તપાસણી કરાયેલ જોડાણમાંથી 288 કનેકશનમાં
ગેરરીતિ જોવા મળતાં 1.71 કરોડનાં બિલો
આપવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પીજીવીસીએલે કચ્છમાં વીજચોરી કરતા તત્ત્વો પર ખાસ ધ્યાન
કેન્દ્રિત કર્યું છે.