• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

કચ્છમાં ખનિજચોરો બેફામ : ચાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોડસર-કોટાયમાં 10 ડમ્પર ઝડપાયા : ખાવડામાં ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ : ભુજ, તા. 20 : વિવિધ ખનિજ પેદાશોનું ઓવરલોડ પરિવહન કરતા દસ ડમ્પરને ખાણ-ખનિજ વિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભુજ તાલુકાના મોડસર, કોટાય અને ખાવડામાં હાથ ધરાયેલી કાર્યવાહીનાં પગલે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.જિલ્લા કલેકટર આનંદ પટેલની સૂચનાનાં પગલે પશ્ચિમ કચ્છ ખાણ-ખનિજ વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ બારિયા અને તેમની ટીમે ગેરકાયદેસર ખનિજચોરી રોકવા મોડસર, કોટાય અને ખાવડામાં કડક કાર્યવાહી હાથ ધરી હતી. ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી દરમ્યાન ગેરકાયદે રીતે  સિલિકા, માટી અને રેતીનાં પરિવહન બદલ દસ ડમ્પરને ઝડપી કાર્યાવાહી હાથ ધરાઈ હતી. ઝડપાયેલા દસ પૈકી આઠ ગાડી રોયલ્ટી, પાસ-પરમીટ વગર, તો બે ટ્રક ઓવરલોડ ખનિજ પરિવહન કરતી હોવાનું ધ્યાને આવ્યું હતું. ખાણ-ખનિજ વિભાગે તમામ ટ્રકોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. - ભચાઉના નારણસરીની નદીમાં રેતીખનનનો પર્દાફાશ : ભચાઉ નાયબ કલેક્ટરની ટીમ દ્વારા કાર્યવાહી : વાહનો કબજે કરાયાં : ખનિજચોરી કરતાં તત્ત્વોમાં ફફડાટ : ભચાઉ, તા. 20 :  વાગડમાં ખનિજચોરીનું દૂષણ વ્યાપક છે. અગાઉ અનેક કાર્યવાહી છતાંય બેરોકટોક ખનિજચોરી ચાલી રહી છે, ત્યારે આજે વહીવટી તંત્ર દ્વારા તાલુકાના નારણસરી ખાતે  કાર્યવાહી કરીને કરોડોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ કલેક્ટરની સૂચનાના પગલે ભચાઉના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ટીમે ખનિજચોરી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ભચાઉ તાલુકાના નારણસરી ગામની નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરાતું હતું, ત્યાં કાર્યવાહી કરી હતી. ત્રણ હિટાચી મશીન અને ત્રણ ટ્રક  સહિત આ કાર્યવાહીમાં કુલ ચાર કરોડ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.  વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન નદીમાંથી હિટાચી મશીનો દ્વારા મોટાપાયે રેતીનું ખનન થઈ રહ્યું હોવાનું જણાયું હતું. રેતીનું વહન કરતા ત્રણ વાહનચાલકો પાસેથી રોયલ્ટી પાસ માગવામાં આવતાં તે મળી આવ્યા ન હતા. આથી, ડમ્પરમાલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઇન લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે નોંધીએ તો અનેક વિકાસકામોમાં ખનિજ વપરાશ થાય છે, ચારેતરફ ટ્રેક્ટર વાટે રેતી-મોરમની હેરફેર થતી હોય છે, ત્યારે જિલ્લા કક્ષાએથી મળેલી  સૂચના અનુસાર આ કાર્યવાહી  કરાઈ હતી, જેના કારણે ખનિજચોરી કરતાં તત્ત્વોમાં ભય ફેલાતાં વાહનોને આરામ કરવા મૂકી દીધા હતા. આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોયલ, મામલતદાર શ્રી રાજપૂત સહિતના અધિકારીઓ- કર્મચારીઓ જોડાયા હતા.  

Panchang

dd