ભુજ, તા. 20 : કચ્છમાં ચરમસીમા વટાવીને તદ્દન
બેકાબૂ હાલતમાં પહોંચી ચૂકેલી દારૂની બદી વચ્ચે આજે શુક્રવારે પોલીસ દળે રાજ્ય સ્તરેથી
સમગ્ર રાજ્યનો કહી શકાય તેવો મોટો દરોડો જિલ્લા મથક ભુજની ભાગોળે પદ્ધર પોલીસ મથકની
હદમાં આવેલા વડવાળા ગામે પાડયો હતો. રાજ્ય સ્તરની કાર્યવાહીના પગલે રેન્જ આઈજી સ્તરેથી
કડક પગલાં લેવાતાં પદ્ધરના પીઆઈ, પીએસઆઈ
અને ડી સ્ટાફના ત્રણ કર્મચારી સસ્પેન્ડ, જ્યારે પદ્ધર પોલીસના
ડી સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં બદલી, તો એલસીબી
પીઆઈ, પીએસઆઈને લીવ રીઝર્વમાં મુકવાના આદેશ કરાયા હતા. એસએમસીની
આ રેડમાં રૂા. 4,00,85,270નો
દારૂ મળી કુલ રૂા. 5, 09,06,270નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, આ કાર્યવાહીમાં બે આરોપી ઝડપાયા હતા,
તો પશ્ચિમ-પૂર્વ કચ્છના મુખ્ય ત્રણ બુટલેગર સહિત 23 જણા સામે કાયદેસરની કાર્યવાહી
હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસવડા કચ્છની ખાસ મુલાકાતે આવી રહ્યા છે, તે પહેલાં તેમની જ સ્કોડે આ સપાટો બોલાવીને
સ્થાનિક પોલીસની રીતસરની ઊંઘ હરામ કરી નાખી છે. રાજ્યના આ સૌથી મોટા દરોડાના પ્રત્યાઘાત
પડવાની ધારણા વચ્ચે રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ કડક પગલાં લેતાં પદ્ધરના પીઆઈ,
એક પીએસઆઈ તથા ડી સ્ટાફના ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરવા સાથે પદ્ધર
પોલીસ મથક અને જિલ્લા સ્થાનિક ગુનાશોધક શાખાના અમુક કર્મચારીની બદલીના આદેશ કર્યા હતા. એસએમસીને મળેલી
ચોક્કસ બાતમીના આધારે પદ્ધર પોલીસ મથક હેઠળના વડવાળા ગામના સર્વે નંબર
39માં દારૂના કટિંગ વેળાએ જ દરોડો પાડવામાં
આવ્યો હતો. સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 56,088 બોટલો મળી આવી હતી. આ દારૂની
બજાર કિંમત આશરે રૂા. 4,00,85,270 આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રાપરના જસરામ જગા ભરવાડ અને
મેઘપર બોરીચીના વિશાલ બિરેન કરમકામની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો મગાવનારા અને સપ્લાય
કરનારા 23 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં
આવ્યા છે. આ પ્રકરણમાં આરોપી તરીકે ભુજના કુખ્યાત બુટલેગર નવજોત ઉર્ફે નવઘણ રાજગોર
મારાજ, કેરાના નામીચા અનોપસિંહ અભેસિંહ રાઠોડ અને ગાંધીધામના
દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી અને હરિયાણાના સપ્લાયર મુસ્તફા ઉર્ફે રાહુલ ઉર્ફે
મહાકાલ પઠાણનો સમાવેશ થાય છે. અન્ય વોન્ટેડ શખ્સોમાં શિવરાજ વિક્રમ ગઢવી, રાહુલ મારાજ, ગોપાલ કેશાજી રાજગોર, જેસી બાવાજી, કરણ ભૈયો, ગોપાલસિંહ
બનેસિંહ વાઘેલા, હાર્દિક મારાજ, કલ્પેશ
મારાજનો પણ સમાવેશ થાય છે, જ્યારે કબજે કરાયેલા વાહનોના માલિકો
તથા નવઘણના પાંચ માણસો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તે ઉપરાંત દારૂની
હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા એમપી 44 એચએ 0543, એમપી 09 એચએચ 4208, જીજે 12 ઝેડ 1617, જીજે 12 ટીટી 9759, જીજે 15 એવી 8218 અને જીજે 12 બીઝેડ 4469 એમ કુલ 6 વાહન જેની કુલ કિં. રૂા. 1,08,21,000, 2 મોબાઈલ કિં. રૂા. 20,000 અને તાલપત્રી કિં. રૂા. 1,000 પણ કબજે લેવામાં આવી હતી. સમગ્ર
કાર્યવાહીમાં કુલ રૂા. 5,09,06,270નો
મુદ્દામાલ પદ્ધર પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો. એસએમસીના પીએસઆઈ એસ.વી. ગલચરની ફરિયાદના
આધારે પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં
આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, હજુ પાંચ
દિવસ પહેલાં જ એસએમસીની ટીમે દરોડો પાડી અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક આવેલી એક હોટેલના
પાર્કિંગમાં રેઢી પડેલી ટ્રકમાંથી ચોખાની આડમાં લવાયેલા રૂા. 2.06 કરોડોનો દારૂનો જથ્થો ઝડપી
પાડયો હતો, ત્યારે પણ સ્થાનિક પોલીસમાં
દોડધામ થઈ પડી હતી. તો તે અગાઉ માળિયા-મિયાણાના ભીમાસર ચાર રસ્તા પાસેથી ભૂંસાની બોરીઓ
તળે ભટીંડાથી કચ્છ લવાતો 1.38 કરોડનો શરાબનો
જથ્થો પણ એસએમસીએ પકડી પાડયો હતો, ત્યાં
પશ્ચિમ કચ્છમાં ત્રાટકેલી એસએમસીએ ધોંસ બોલાવતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ
સામે આકરાં પગલાં લેવાયાં હતાં.