• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

ચંદિયામાં પ્રેમીએ સગર્ભા પ્રેમિકાની હત્યા કરી

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના ચંદિયા ગામમાં કિશોરી સાથે પ્રેમસંબંધ રાખી વારંવાર શરીર સંબંધ બાંધી તેને ગર્ભ રહી જતાં બાદમાં  પુખ્ત વયની થયેલી આ યુવતીએ  લગ્ન કરવા અથવા પોલીસ ફરિયાદનું કહેતાં તેના પ્રેમી અને એક શખ્સે યુવતીને મારી નાખી લાશને કૂવામાં ફેંકી દેતાં આ બનાવનો કરુણ અંજામ આવ્યો હતો.  યુવતીની હત્યાનાં પગલે ભારે ચકચાર પ્રસરી હતી. ચંદિયામાં રહેનાર એક કિશોરી અને આરોપી એવા રાજેશ ભીખા રબારીને પ્રેમસંબંધ બંધાયો હતો. છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબંધ દરમ્યાન આરોપી વારંવાર સીમમાં  મળતા ત્યારે  શરીર સંબંધ બાંધતો હતો, જેમાં કિશોરીને ગર્ભ રહી જતાં પુખ્ત વયની થયેલી આ કિશોરી જે બાદમાં યુવા અવસ્થામાં આવી હતી, તેણે આ આરોપીને  પોતાની સાથે લગ્ન કરવા અથવા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહ્યું હતું. આ આરોપીને યુવતી સાથે લગ્ન કરવાં નહોતાં, જેના કારણે પાંચેક દિવસ પહેલાં  મખિયાણાના પોતાના મિત્ર રાહુલ રતા રબારીને તે અંગે વાત કરી હતી, ત્યારે બંનેએ યુવતીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને યુવતીને ભાગી જઇ લગ્ન કરવાનું કહી તેને બોલાવી મારી નાખી લાશને ગામના સીમાડામાં આવેલા કૂવામાં નાખી દેવા આ શખ્સોએ નક્કી કર્યું હતું. રાજેશ રબારીએ  સોશિયલ મીડિયા થકી યુવતી સાથે વાત કરી ભાગીને  લગ્ન કરવાનું કહી રાત્રે તેને બોલાવી હતી. તા. 17/2ના યુવતીને  એક મંદિર પાસે બોલાવી આ શખ્સે ફરીથી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને બંને જણ પગપાળા ભલોટવાળા માર્ગે જતાં રસ્તામાં રાહુલ રબારી ઊભો હતો. આ રાહુલ  ભાગવામાં આપણી મદદ કરશે તેમ કહી યુવતીને  વિશ્વાસ અપાવ્યો હતો. બાદમાં  આ બંને શખ્સોએ નિર્ધારિત કરેલી જગ્યા જુવાનસિંહ રતનજી ગોહિલના ખેતરના શેઢે કૂવા પાસે લઇ ગયા હતા, જ્યાં રાજેશે યુવતીને  ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને બાદમાં તેના ઉપર બેસી બંને હાથ વડે તેને ગળે ટૂંપો દઇ તેની હત્યા નીપજાવી હતી. યુવતીએ છેલ્લા શ્વાસ લેતાં આ બંને શખ્સોએ તેની કમરમાં દુપટ્ટો બાંધી અને દુપટ્ટાના બીજા છેડે મોટો પથ્થર બાંધી તેને પાણી ભરેલા કૂવામાં ધકેલી દીધી હતી. યુવતી ગુમ થતાં શોધખોળ બાદ પણ તેનો પત્તો ન મળતાં અંજાર પોલીસ મથકે તેની ગુમનોંધ દાખલ થઇ હતી. જેની પોલીસ તપાસમાં યુવતીને આરોપી રાજેશ સાથે સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન રાજેશને બોલાવી તેની પૂછપરછ કરાતાં તેણે આ ગુનો કબૂલ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેણે બતાવેલા કૂવા પાસે પોલીસ દોડી જઇ બાદમાં ફાયર વિભાગને જાણ કરી બે-ત્રણ કલાકની દોડધામ પછી યુવતીની લાશને બહાર કાઢવામાં આવી હતી. પ્રેમસંબંધમાં કરુણ અંજામના આ કિસ્સામાં બંને આરોપી ઝડપાયેલા હોવાનું પી.આઇ. એ. આર. ગોહીલે જણાવ્યું હતું. 

Panchang

dd