• મંગળવાર, 15 જુલાઈ, 2025

આડેસરમાં ખુલ્લેઆમ વેચાતા દારૂના પોઇન્ટ બંધ કરાવવાની માંગ

ગાંધીધામ, તા. 14 : રાપર તાલુકાના આડેસર ગામમાં બેફામ વેચાતા દારૂની બદી સામે ગ્રામજનોએ સરહદી રેન્જના આઇ.જી.પી. સમક્ષ લેખિત રજૂઆત કરી છે. આડેસરમાં ભીમાસર (ભુ.) રોડ પર આદેશ્વર મહાદેવ મંદિર સામે મહાદેવ નગરના લોકોએ આ બદી અંગે પોલીસને રજૂઆત કરી છે. આ પત્રમાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. આવા અડ્ડાઓ ઉપર દારૂ ઢીંચીને આવતા ત્યાં પિયક્કડોનાં કારણે મહિલાઓની દુષ્કર હાલત થાય છે. આવાં તત્ત્વો ક્યારે શું કરે તે નક્કી ન કહેવાય તેવા આશ્ચર્ય સાથે પ્રશ્નો કર્યા છે. આવાં તત્ત્વોને અહીં આવવાની ના પાડવામાં આવે તો ઉશ્કેરાઇ જતા હોય છે તેમજ દારૂ વેચનારાં તત્ત્વો પણ દારૂ બંધ નહીં થાય, જે થાય તે કરી લેવાની છૂટ તેવી ધમકીઓ આપતા હોવાના આક્ષેપ આ પત્રમાં કરાયા છે. આવાં તત્ત્વોને કાયદાની કોઇ બીક રહી નથી. આવાં તત્ત્વોને કાયદામાં રાખવાનું તથા લોકોને રક્ષણ આપવાનું કામ પોલીસનું છે પરંતુ આવાં તત્ત્વોમાં પોલીસનો ડર કેમ નથી તેવા પ્રશ્નો કરાયા હતા. આઇ.જી.ને પાઠવાયેલા પત્રમાં આ અંગે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.

Panchang

dd