ભુજ, તા. 12 : મૂળ પંજાબના તરનતારન અને છેલ્લાં ચારેક વર્ષથી
મુંદરામાં ક્રેઇન ઓપરેટર તરીકે કામ કરી ભાડે રહેતા કુલદીપસિંઘ સવીન્દ્રસિંઘ મજબી (શીખ)ને
ગઇકાલે મુંદરા પોલીસે બાતમીના આધારે માદક પદાર્થ કોકેઇન (32.47 ગ્રામ કિં.રૂા.
32.47 લાખ) સાથે ઝડપી એનડીપીએસ તળે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી અને કોર્ટમાં રિમાન્ડની
માંગ સાથે આરોપીને રજૂ કરાતાં 10 દિવસના રિમાન્ડ મળ્યા છે. આ બનાવની વિગતો મુજબ ગઇકાલે
મુંદરા પોલીસ મથકના હે.કો. રોહિતગિરિ મગનગિરિ
ગુંસાઇને મળેલી બાતમીના આધારે મુંદરા પોલીસે દેવાંગ ટાઉનશિપ શ્રીજીનગરમાં ભાડે રહેતા
કુલદીપસિંઘના રૂમ પર દરોડો પાડી તેના પેન્ટના ખિસ્સામાંથી 14.42 ગ્રામ કોકેઇનની પડીકી
અને 5600 રોકડા રૂપિયા કબજે લીધા બાદ તેના રૂમની ઝડતી લેતાં કસરત માટેના રોલર પાઇપના
પોલાણમાં સંતાડેલી 18.05 ગ્રામની કોકેઇન બીજી પડીકી મળી હતી. દરોડાની તલાશી દરમ્યાન
એક ટેબલેટ, એક મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 32,82,600નો મુદ્દામાલ કબજે લઇ આરોપી વિરુદ્ધ
એનડીપીએસ એક્ટ તળે મુંદરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ કોડાયના પીઆઇ શ્રી
વાઘેલાને સોંપાઇ છે. આ કામગીરીમાં મુંદરાના પીઆઇ આર.જે. ઠુમ્મર, એ.એસ.આઇ. દિનેશભાઇ
ભટ્ટી, હે.કો. રોહિતગિરિ ગુસાઇ, વિજયભાઇ બરબસિયા, દર્શનભાઇ રાવલ, ભરતભાઇ ચૌધરી, સંજયભાઇ
ચૌધરી, મથુરજી કુડેચા, દિનેશભાઇ ગોહેલ અને કોન્સ. મુકેશભાઇ ચૌધરી, ડ્રાઇવર હે.કો. રમેશભાઇ
ચૌધરી જોડાયા હતા. બીજી તરફ આ ગુનાના આરોપી કુલદીપસિંઘને પોલીસે કોર્ટમાં રજૂ કરી
10 દિવસના રિમાન્ડ માગતાં કોર્ટે તે ગ્રાહ્ય રાખ્યા છે. આ દિવસના રિમાન્ડ દરમ્યાન આરોપીએ
આ કોકેઇન ક્યારે અને કોની પાસેથી લીધું હતું અને કોને આપવાનું હતું તેમજ કેટલા સમયથી
આ રીતે ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે, તેવી માહિતી કઢાવવાના પ્રયાસો પોલીસ કરશે.