ભુજ/ગાંધીધામ, તા.
12 : સુથારીકામ કરતા શહેરના 36 વર્ષીય યુવાન
ચેતનભાઇ જેન્તીભાઇ જોટાણિયાએ આજે તેમની ફર્નિચરની દુકાનમાં લાકડાં કાપવાની ઇલેક્ટ્રિક
કટરથી પોતાના ગળે કાપો મારી જીવ દઇ દેતાં ચકચાર પ્રસરી છે. જ્યારે ગાંધીધામમાં અગમ્ય
કારણે એસિડ પીનાર 35 વર્ષીય મહિલા મીનાબેન રમેશભાઇ મહેશ્વરીએ અંતિમ શ્વાસ લીધા હતા.
આ ઉપરાંત ગાંધીધામમાં લાઇટિંગ કામ કરતા 54 વર્ષીય પ્રૌઢ તોમસ સી જોનનું પડી જવાથી મોત
નીપજ્યું હતું. જ્યારે માંડવીમાં લગ્નપ્રસંગ વચ્ચે ભુજના 46 વર્ષીય યુવાન ચિંતનકુમાર
હસમુખલાલ સલાટ અચાનક સોફા પરથી પડી જતાં મૃત્યુ પામતાં આનંદના પ્રસંગ વચ્ચે કરુણાંતિકા
સર્જાઇ હતી. બીજી તરફ ભુજ તાલુકાના નાગરિયારી પાસે રિક્ષા-ટ્રકના અકસ્માતમાં રિક્ષામાં
સવાર મૂળ મોટા અંગિયા હાલે ભુજ રહેતી 20 વર્ષીય યુવતી શબનાબેન અલ્તાફ લુહારનું ગંભીર
ઇજાના લીધે મૃત્યુ થયું હતું. ભુજના સહયોગનગરમાં રહેતા અને મહાવીરનગરમાં ચામુંડા વૂડન
ફર્નિચર નામની દુકાન ધરાવી સુથારીકામ કરતા ચેતનભાઇ જોટાણિયા આજે સવારે 10 વાગ્યે પોતાની
દુકાને હતા ત્યારે ત્યાં તેની પાસે કામ કરતા યુવક ભાવેશને ચા લેવા માટે મોકલ્યો હતો
અને બાદ શટર બંધ કરી લાકડાં કાપવાની ઇલેકિટ્રક કટરથી પોતાના ગળે કાપો મારી આપઘાત કરી
લીધો હતો. ભાવેશે એ-ડિવિઝન પોલીસ મથકે વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો
દાખલ કરી તપાસ પીએસઆઇ ડી.બી. લાખણોત્રાએ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ સૂત્રોએ વિગતો
આપતાં જણાવ્યું હતું કે નવી સુદરપુરી ગણેશમંદિર
પાસે રહેતા મીનાબેન ગત તા.11/1ના પાંચ વાગ્યાના અરસામાં કોઈ કારણસર એસિડ પીધુ હતું.
તેમને રામબાગ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા. તેમની નાજુક હાલતને જોઈને તેમને વધુ
સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે
લઈ જવા માટે રિફર કરાયા હતા. સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે રસ્તામાં છેલ્લા
શ્વાસ લીધા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે. અકસ્માત મૃત્યુનો
વધુ એક બનાવ ગાંધીધામના સેકટર-3 પ્લોટ નં. 5/6 ચર્ચ સેજ પાસે ગત તા.11/1ના રાત્રિના 8 વાગ્યાના અરસામાં
બન્યો હતો. ચર્ચ સેજ ઉપર લાઈટિંગનુ કામ કરતા તોમસ જોન અચાનક નીચે પટકાયા હતા. જેને કારણે તેમને માથાના ભાગે ગંભીર પ્રકારની
ઈજા પહોંચી હતી. રામબાગ હોસ્પિટલના ડો. રામ પરમારે અંતરજાળમાં રહેતા આ આધેડને
મૃત જાહેર કર્યા હતા. આ ઉપરાંત માંડવીના વિજય વિલાસ પેલેસમાં લગ્નપ્રસંગના આનંદ
વચ્ચે થયેલી ઘટનામાં ભુજની લોટસ કોલોનીમાં રહેતા 46 વર્ષીય ચિતંનકુમાર હસમુખલાલ સલાટ
ગઇકાલે રાત્રે આ લગ્નપ્રસંગમાં સોફા પર બેઠા હતા ત્યારે અચાનક સોફા પરથી નીચે પડી ગયા
હતા. તેમને પ્રથમ સારવાર અર્થે માંડવીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. લગ્નની
ખુશાલીના પ્રસંગ વચ્ચે આ કરુણાંતિકા સર્જાતાં સંબંધિતોમાં આનંદ વચ્ચે શોક પ્રસર્યો
હતો. ભુજ તાલુકાના નાગયારી ગામ પાસે તા.
12-1ના રાત્રે 1.45 વાગ્યાના અરસામાં નખત્રાણાથી ભુજ આવતી રિક્ષાને અજાણી ટ્રકે ટક્કર
મારતાં આ રિક્ષામાં સવાર મૂળ મોટા અંગિયા (તા. નખત્રાણા) હાલે ભુજના સુરલભિટ્ટ રોડ
પર રહેતી 20 વર્ષીય યુવતી શબાનાબેન અલ્તાફ લુહારને માથાંમાં ગંભીર ઇજા થતાં તેના બનેવી
સબીર કાસમ લુહાર તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં મધ્ય રાત્રે
3 વાગ્યે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી
માનકૂવા પોલીસને જાણ કરાઇ છે.