• બુધવાર, 31 મે, 2023

મુંદરા વિસ્તારમાં રેતી તો રહી જ નથી, હવે માટીયે ઉપડે છે : લોકદરબારમાં રજૂઆત

મુંદરા, તા. 26 : પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ સિંઘના અધ્યક્ષ સ્થાને અત્રેના પોલીસ મથકે લોકદરબાર યોજાયો હતો. લોકોની ફરિયાદો સાંભળીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નોની ખાતરી અપાઇ હતી. પ્રારંભમાં પી.આઇ. હાર્દિક ત્રિવેદીએ આવકાર આપતા ગત લોકદરબારમાં થયેલી ફરિયાદોના નિરાકરણ અંગે વિગત આપી હતી. ખાસ કરીને ખાણ-ખનિજ ચોરી વિશે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે, રેતી તો હવે છે જ નહીં, હવે માટી ઉપાડાય છે. પોલીસ સ્ટેશનમાં મહેકમનો પ્રશ્ન તથા દારૂ પર નિયંત્રણ, ટુંડામાં ચોરીના બનાવો, ટ્રાફિકના પ્રશ્નો, આંબેડકર સર્કલ પાસે ગેટ બનાવવાના કારણે ટ્રાફિક થાય છે, જેવા અનેક પ્રશ્નોની રજૂઆત સલીમભાઇ જત, દિલીપભાઇ ગોર, કપિલભાઇ કેસરિયા, જાવેદ પઠાણ, મગનભાઇ ધુઆ, મયૂર બળિયા, કાનજી સોધરા, જિતેન્દ્ર સોધરા સહિતનાઓએ કરી હતી. પ્રત્યુત્તરમાં શ્રી સિંઘે જણાવ્યું હતું કે, લોકદરબાર સિવાય પણ કોઇ પણ પ્રશ્ન હોય તો જણાવજો. શક્ય એટલા કાયદામાં આવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરાશે તેવો વિશ્વાસ તેમણે અપાવ્યો હતો. પ્રણવ જોષી, ભરત પાતારિયા,  કરણ મહેતા, લાલુભા પરમાર, કુલદીપસિંહ જાડેજા, દિલીપ આહીર, મોટા કપાયાના સરપંચ નવલસિંહ પઢિયાર, હાજી મામદ કુંભાર, લક્ષ્મણ ગઢવી, કનૈયા ગઢવી, સંજય સોની, રહીમ ખત્રી, તિલક દેસાઇ, અતુલ પંડયા, કનુભા વાઘેલા, કેતન સોની સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીઠુભાઇ મહેશ્વરી તથા મયૂર બળિયાએ સૌરભ સિંઘનું સન્માન કર્યું હતું.