• રવિવાર, 05 મે, 2024

તોફાની સામાન્ય સભામાં ટ્રક માલિકોના બે-બે પ્રમુખ વરાયા

ભુજ, તા. 25 : હોદ્દેદારોને બદલવા કે યથાવત્ રાખવા તેવા મુખ્ય એજન્ડા સાથે આજે મળેલી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસીએશનની સામાન્ય સભા મામલે તોફાની બની રહી હતી. વર્તમાન જિલ્લા પ્રમુખ અને પશ્ચિમ કચ્છના જૂથ વચ્ચે સૂત્રોચ્ચાર અને ગોકીરા વચ્ચે ઘર્ષણ સહિતનો ઘટનાક્રમ બન્યો હતો. આજના સમગ્ર તોફાની ઘટનાક્રમ બાદ લગભગ દશ હજારથી વધુ સભ્ય ધરાવતા કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાયના મોટા અને મહત્ત્વના સંગઠનમાં બે ફાડિયા સાથે ઊભા તડાની સ્થિતિ નિર્માણ પામી છે. વર્તમાન શાશક પક્ષ દ્વારા હાલના પ્રમુખ ડો. નવઘણ આહીરને પ્રમુખ જાહેર કર્યા હતા, તો પશ્ચિમ કચ્છના જૂથે બ્રિજરાજાસિંહ પ્રહલાદાસિંહ જાડેજાની અધ્યક્ષ પદે નિયુક્તિ કરી હતી. તાલુકામાં કુકમા નજીક સંસ્થાએ ખરીદેલી જમીનનાં સ્થળે આજે બપોરે અગાઉથી જાહેર કર્યા મુજબ સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં સંગઠનના વર્તમાન જિલ્લા પ્રમુખ ડો. નવઘણ આહીર અને અબડાસા વિભાગના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા વચ્ચે ઘર્ષણ તથા વર્તમાન હોદ્દેદારોના જૂથ અને પશ્ચિમ કચ્છ ટ્રક માલિક મંડળના સભ્યો વચ્ચેના ઘર્ષણ અને હાથાપાઇ સહિતના ભારે ધમાલિયાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. સભામાં નવાજૂની થવાનાં અગાઉથી એંધાણ વચ્ચે જરૂરી બંદોબસ્ત તૈનાત હોવાથી પોલીસે બન્ને જૂથને ખાળીને મામલો બગડતો અટકાવ્યો હતો. પછી સભા મુલતવી રખાઇ હતી. સામાન્ય સભામાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના પુત્ર એવા વર્તમાન પ્રમુખ ડો. નવઘણ આહીરને પ્રમુખ તરીકે યથાવત્ રાખવાનું તેમના સમર્થકો દ્વારા નક્કી કરાયું હતું, જ્યારે પશ્ચિમ કચ્છ સંગઠનના સભ્યો  દ્વારા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના ભત્રીજા બ્રિજરાજસિંહ જાડેજાને પ્રમુખ તરીકે જાહેર કરી તેમનું સન્માન કરવા સહિતની પ્રતિક્રિયા આપી હતી. સભામાં પ્રવચન કરી રહેલા ડો. નવઘણના હાથમાંથી સ્ટેજ ઉપર જઇને ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ દ્વારા માઇક હસ્તગત કરવાની કોશિશ થવા સાથે સમગ્ર મામલો બિચક્યો હતો. બન્ને વચ્ચે ઘર્ષણ થયા પછી ભારે હોબાળા અને ગોકીરા વચ્ચે અનેક સભ્યો સ્ટેજ ઉપર ચડી ગયા હતા અને બન્ને પક્ષે ઘર્ષણ સાથે હાથાપાઇ સહિતના વરવાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. સદ્ભાગ્યે પૂરતી માત્રામાં પોલીસ ઉપસ્થિત હોવાથી પોલીસે ધસી જઇને મામલો વધુ બગડતો અટકાવ્યો હતો. માટે પોલીસને બળપ્રયોગ પણ કરવો પડયો હોવાની વિગતો જાણવા મળી હતી. ખુદ જિલ્લા પોલીસ અધીક્ષક પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. હાલમાં ટ્રક માલિકોના પશ્ચિમ કચ્છ સંગઠનની સામાન્ય સભામાં થયેલી ચર્ચા અને નવા પ્રમુખ પશ્ચિમ કચ્છના નવા તેવા નિર્ણયથી જિલ્લા એકમની સામાન્ય સભામાં નવાજૂનીની પાકી ધારણા રખાઇ રહી હતી, જે આજના ઉગ્ર અને ધમાલિયા ઘટનાક્રમને લઇને સાચી ઠરી હતી. આજે સામાન્ય સભામાં બનેલી ઘટનાઓ જેવું અગાઉ ક્યારેય પણ થયું હોવાનું ઉપસ્થિત જૂના સભ્યોએ જણાવ્યું હતું, તો એક સંગઠનના બે-બે પ્રમુખ વરાય તેવું પણ પ્રથમવાર બન્યું હતું. - ભુજની સામાન્ય સભા બાદ બે-બે પ્રમુખ વરાયા  : ડો. નવઘણના જૂથે રતનાલ સ્થિત ફાર્મહાઉસ ખાતે તેમનો અભિવાદન સમારંભ યોજ્યો હતો, તો પશ્ચિમ કચ્છના જૂથના અગ્રણીઓ અને સભ્યો વાંઢાય ખાતે એકત્ર થયા હતા. દરમ્યાન આજની સામાન્ય સભા જેમના અધ્યક્ષ સ્થાને મળી હતી તેવા એસો. પ્રમુખ ડો. નવઘણ આહીર જૂથ વતી એક યાદીમાં જણાવાયા મુજબ સ્વાગત પ્રવચન ઉપપ્રમુખ રાજેશ મમુભાઇ આહીરે કર્યું હતું. પ્રમુખ ડો. નવઘણ દ્વારા હિસાબો રજૂ કરવા સાથે સંસ્થા દ્વારા કરાયેલી કાર્યવાહી, જમીનની ખરીદી, ટ્રકના ચાલકો માટે લેવાયેલા વીમા પોલિસી સહિતનાં પગલાંની માહિતી આપી હતી. પછી નવા પ્રમુખ તરીકે તેમનાં નામની દરખાસ્ત ઉપપ્રમુખ મહેન્દ્રાસિંહ જાડેજા દ્વારા મુકાઇ હતી, જેને મંત્રી કાનજી પાંચા ગાગલે ટેકો આપ્યો હતો. ઉપસ્થિતો દ્વારા વરણીને સર્વાનુમતે આવકારતા બિનહરીફ પ્રમુખ વરાયા હતા, તેવું યાદીમાં જણાવાયું છે.  દરમ્યાન, કુકમા પાસેની સભામાં વ્યવસાય સાથે સંકળાયેલા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ, પશ્ચિમ કચ્છ સંગઠનના પ્રમુખ અર્જુનાસિંહ જાડેજા, રાજુભાઇ એમ. આહીર, મહેન્દ્રાસિંહ પી. જાડેજા, ખેંગારભાઇ રબારી, માવજીભાઇ ગુંસાઇ, કાનજીભાઇ (કે.પી.), અરજણ ડાંગર, ભાવેશભાઇ ગુંસાઇ, નવલસિંહ જાડેજા, દામજીભાઇ આહીર, શામજીભાઇ ડાંગર, માદેવાભાઇ બરાડિયા, ભાવેશભાઇ આહીર, રામજીભાઇ આહીર, ગગુભાઇ આહીર, બળવંતસિંહ જાડેજા, વાઘજીભાઇ માતા, વેલજીભાઇ આહીર, હરિભાઇ કેરાશિયા, ભૂરાભાઇ બતા, ધનજીભાઇ મુરાભાઇ, વાલાભાઇ ભચુભાઇ, વાલાભાઇ રૂપાભાઇ, બાબુભાઇ (કુકમા), મુકેશ ચાડ, રણછોડ માતા, જેન્તીભાઇ ચાડ, રણછોડ માતા (લાખાપર), જગદીશભાઇ ગાગલ, ધનજી રૂપા, રમેશ ડેકા, ભીમજી કેરાશિયા, સલીમભાઇ, ફકીરમામદભાઇ સહિતના ટ્રક માલિકો હાજર રહ્યા હોવાની યાદીમાં વિગતો અપાઇ હતી.તો જિલ્લાના સાંસદ અને ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, ભાજપના જિલ્લા અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, અનિરુદ્ધભાઇ દવે અને માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર, વિધાનસભાના માજી અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, રાજ્ય ટ્રક ટ્રાન્સપોર્ટ સંગઠનના કાર્યકારી પ્રમુખ મુકેશભાઇ દવે અને કારોબારીએ નિમણૂકને આવકારી હોવાનું મહેન્દ્રસિંહ જાડેજાએ જારી કરેલી યાદીમાં ઉમેરાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang