• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

એક દાયકામાં કચ્છમાં ઘરેલુ હિંસાના અઢી હજારથી વધુ કેસ

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 11 : કચ્છમાં ઘરેલુ હિંસા અટકાવવા માટે સરકાર સ્તરેથી અને વિવિધ સ્વૈચ્છીક સંસ્થાના માધ્યમથી અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં ઘરેલુ હિંસા અટકાવવામાં ધારી સફળતા મળી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જિલ્લામાં વિતેલા એક દાયકાના ગાળામાં ઘરેલુ હિંસાના અઢી હજાર કેસ સત્તાવાર રીતે પોલીસ ચોપડે ચડેલા છે. પોલીસ ચોપડે ચડેલા કેસોનું પ્રમાણ તો એથીય વધુ હોવાની વાત ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો કહી રહ્યા છે. પૂર્વની તુલનાએ પશ્ચિમ કચ્છમાં ઘરેલુ હિંસાનું પ્રમાણ આંકડાકીય રીતે વધુ જોવા મળ્યું છે.  ઘરેલુ હિંસા સામે મહિલાઓને કાયદાનું રક્ષણ પૂરું પાડવા માટે 181 અભયમ્ હેલ્પલાઈન સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, તો કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા ઘરેલુ હિંસા સામે મહિલાઓને જાગૃત કરવા માટે ખાસ અભિયાન પણ છેડાયું છે. અભિયાન તળે ત્રણ વર્ષમાં કચ્છના 900 ગામડાંને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. જોકે, વ્યાપક સ્તરના પ્રયાસો છતાં ઘરેલુ હિંસાના કેસોમાં વૃદ્ધિ થવાનો સિલસિલો જળવાયેલો રહ્યો છે. કચ્છ જિલ્લા પંચાયતની આંકડા શાખા દ્વારા પ્રકાશીત બુકમાં સત્તાવાર રીતે અપાયેલા આંકડા અનુસાર વિતેલા એક દાયકામાં પશ્ચિમ કચ્છમાં 1300 અને પૂર્વ કચ્છમાં 1200 મળી 200 એટલે કે અઢી હજાર ઘરેલુ હિંસાના કેસ પોલીસ ચોપડે ચડયા છે. મહિલાઓને પુરુષ સમોવડી બનાવવાના કરાતા અથાગ પ્રયાસો વચ્ચે ક્યાંક ને ક્યાંક હજુ પણ કેટલીક મહિલાઓ ઘરેલુ હિસાનો ભોગ તો બને છે, પણ તેઓ માટે પોલીસની મદદ પણ લઈ શકતી નથી. કચ્છ મહિલા વિકાસ સંગઠને આવા કિસ્સાઓને શોધવા મહિલા-કિશોરી સલામતી અભિયાન છેડયું છે. આશ્વાસનરૂપ બાબત એક છે કે, દાયકાના પ્રથમ પાંચ વર્ષમાં જેટલા કેસ નોંધાયા તેના કરતાં બીજા પાંચ વર્ષમાં પ્રમાણ થોડું ઘટયું છે. 

Youtube Live

Budget 2024 LIVE

Panchang