અઢળક કલાત્મક અને કારીગરી વારસો ધરાવતાં ભારતમાં કારીગરો અને શિલ્પકારોને પ્રોત્સાહન આપવાની કોઇપણ યોજના હંમેશાં આવકારવા યોગ્ય રહી છે. હસ્તકલાના કારીગરો ઉપરાંત પરંપરાગત રીતે વસ્તુઓનું ઉત્પાદન કરતા કારીગરો, લુહારો, ગ્રામીણ કારીગરો સહિતના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ એમ બેવડા પ્રસંગે કારીગરો માટે જાહેર કરેલી ખાસ વિશ્વકર્મા યોજનાનો દેશના લગભગ 30 લાખ પરિવારને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, હસ્તકળાના સિદ્ધહસ્ત કલાકારો ધરાવતાં કચ્છમાં આ યોજના ખરા અર્થમાં દીપી ઊઠશે એવી આશા જાગી છે. આ મહત્ત્વાકાંક્ષી આયોજનમાં પાંચ વર્ષની અંદર 13 હજાર કરોડના ખર્ચની જોગવાઇ કરાશે. કારીગરો અને શિલ્પકારોને તાલીમ આપવાની સાથોસાથ આધુનિક સાધનો પૂરાં પાડવામાં આવશે. સાથોસાથ કેન્દ્ર સરકાર આ યોજના તળે કારીગરોને બજાર પૂરું પાડશે અને સ્પર્ધાને લાયક બનાવશે. આ કારીગરોની કળાને વધુ આકર્ષક અને લોકભોગ્ય બનાવવાના ઉદ્દેશ સાથે આ વિશ્વકર્મા યોજના શરૂ કરાઇ છે. આજના સમયમાં કારીગરોને સ્પર્ધામાં ટકી રહેવાનું ભારે મુશ્કેલ બની રહ્યંy છે, જેને લીધે તેમની આજીવિકા સ્થિર રહી શકતી નથી. આ યોજનાની જાહેરાત કરતાં વડાપ્રધાન મોદીએ આવા પાયાના કારીગરોને સમાજજીવન માટે પાયાના પથ્થર ગણાવ્યા હતા. હાલના આધુનિક સમયમાં મશીનોથી થતાં ઉત્પાદન સામે ટકી રહેવાની સમસ્યાનો સામનો કરતા આ કારીગરોમાં કુશળતાની ઓછપ, કાચામાલની અછત, યોગ્ય બજારનો અભાવ ભારે પડકારરૂપ બની રહ્યાં છે. હવે આ નવી યોજનાના પ્રથમ તબક્કામાં આ કારીગરોને તાલીમ આપવાની સાથોસાથ કામ કરવા માટે સાધનો ખરીદવા રૂપિયા 15 હજારનું અનુદાન અપાશે. તાલીમ અપાયા બાદ પ્રમાણપત્ર મેળવનારા કારીગરને માન્યતાપ્રાપ્ત શિલ્પકાર કે કારીગરનો દરજ્જો અપાશે. યોજનાના બીજા તબક્કામાં તેમને તેમની આવડત મુજબ વ્યવસાય શરૂ કરવા પ્રથમ એક લાખ રૂપિયાની અને તે પછી બે લાખ રૂપિયાની એમ કુલ ત્રણ લાખ રૂપિયાની લોન અપાશે. આ યોજનાનાં અમલીકરણ સાથે દેશના સંખ્યાબંધ અકુશળ કારીગરોને સ્વાવલંબનની નવી તક મળશે એવી અપેક્ષા વ્યક્ત થઇ રહી છે. આમ તો ભૂતકાળમાં પણ આવી યોજનાઓ અમલમાં મુકાઇ છે, પણ આખરે જેમણે ધિરાણ આપવાનું છે તે બેંકિંગ ક્ષેત્રમાં અટપટી પ્રક્રિયા અને અમલદારશાહીને લીધે તેનો લાભ પૂરતા પ્રમાણમાં પહોંચી શકતો નથી હોતો. હવે આ નવી યોજનાની જાહેરાત કરાઇ છે તેનો ઇમાનદારી સાથે અમલ કરાશે તો કારીગરોને મોટો ફાયદો મળી શકે તેમ છે. પરંપરાગત વ્યવસાય કરીને જીવનનિર્વાહ કરવાનાં તેમનાં કામમાં ઉત્સાહ અને સફળતા મળી શકશે.