• ગુરુવાર, 26 માર્ચ, 2026

યુદ્ધવિરામ માટે ટ્રમ્પ ખરેખર ગંભીર છે?

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ દિવસ માટે યુદ્ધવિરામ જાહેર કર્યા પછી ઈરાન સાથે સમજૂતીની વાટાઘાટ શરૂ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે અને તેના ભાગરૂપે ભારતને વાકેફ રાખવા માટે વડાપ્રધાન મોદીને સામે ચાલીને ફોન કર્યો અને હોર્મુઝ ખાડી કેવી રીતે તમામ દેશોનાં જહાજો માટે ખોલી શકાય અને સલામતીની ખાતરી આપી શકાય તેની ચર્ચા કરી છે. અલબત્ત, પાંચ દિવસનો યુદ્ધવિરામ યુદ્ધના અંત માટે માર્ગ મોકળો કરશે કે નહીં તે જોવાનું છે. પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીરે તો ટ્રમ્પ સાથે વાત કરીને મધ્યસ્થી કરવાની ઓફર કરી છે અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ટ્રમ્પને ફોન કરીને પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવામાં મદદ કરવા વચન આપ્યું છે. આ માટે રચનાત્મક ભાગ ભજવવા પાકિસ્તાન તૈયાર હોવાનું જણાયું છે. હકીકતમાં હોર્મુઝ ખાડી ખૂલે નહીં તો તેલ-ગેસની કટોકટી સર્જાવાનો ડર શરીફને પણ છે. જો કે, સાઉદી અરબ સાથે સંરક્ષણ કરાર કર્યા હોવાથી પાકિસ્તાનના ઈરાન સાથેના સંબંધ મુશ્કેલીમાં છે - સાઉદીને ઈરાનના હુમલા સામે રક્ષણ આપવા બંધાયેલું હોવા છતાં પાકિસ્તાન નિક્રિય છે, તેથી હવે તટસ્થ રહીને મધ્યસ્થી કેવી રીતે કરી શકે તે જોવાનું છે. ઈરાન સાથે વાટાઘાટ કરવા માટે અમેરિકાના ઉપપ્રમુખ વાન્સની નિમણૂક થાય એવી ચર્ચા શરૂ થઈ છે. આવી બેઠક પાકિસ્તાનમાં યોજાય એવા પ્રયાસ મુનીર કરી રહ્યા છે. મધ્યસ્થી ઈરાનને સ્વીકાર્ય હોય તો પાકિસ્તાનની વગ અને પ્રતિષ્ઠા મુસ્લિમ જગતમાં સુધરી શકશે એમ મનાય છે. આવી બેઠકની પૂર્વભૂમિકા તરીકે અમેરિકાએ પંદર મુદ્દા મોકલ્યા છે, જેમાં ઈરાનના અણુકાર્યક્રમ અને મિસાઈલ્સ બેલાસ્ટિક પ્રોગ્રામ ઉપર અંકુશ મૂકવાના મુદ્દાનો સમાવેશ થાય છે. હોર્મુઝની ખાડી ફરીથી ખોલવાનો મુદ્દો પણ મુખ્ય છે. દરમિયાન ઈરાની લશ્કરના પ્રવક્તાએ અમેરિકાના મુદ્દા હાસ્યસ્પદ ગણાવ્યા છે અને કહ્યું છે કે, અમેરિકા યુદ્ધ બંધ કરવા અંગે ગંભીર નથી. `અમારો પહેલો અને છેલ્લો શબ્દ આજે પણ છે કે, અમે તમારા જેવા સાથે કદી સમાધાન કરી શકીએ નહીં - કદી પણ નહીં' ઈરાનની શરતો સ્પષ્ટ છે  : અખાતમાં અમેરિકી લશ્કરી થાણાં બંધ કરો. હોર્મુઝની ખાડી માટે અલગ વ્યવસ્થા થાય અને - ઈરાનને ટ્રાન્ઝિટ ફી વસૂલ કરવાની છૂટ મળે. યુદ્ધ ફરીથી શરૂ નહીં થાય તેની ગેરેન્ટી અને અમારો મિસાઈલ્સ પ્રોગ્રામ ચાલુ રહે. ટ્રમ્પ આવી શરતો સ્વીકારે ખરા? હકીકત એ છે કે ટ્રમ્પના દેકારા-પડકારા અને દાવા છતાં ઈરાન ઝૂક્યું નથી, જવાબી હુમલા જારી રાખ્યા છે. અખાતના પાડોશી દેશો ઉપરાંત ઇઝરાયલ ઉપર પણ હુમલા કર્યા છે અને ઇઝરાયલના આકાશમાં પોલાદી સુરક્ષાચક્ર પણ ભેદી શકાયું છે ! અમેરિકાના જેટ ફાઇટરને તોડી પાડવામાં આવ્યું તેવા અહેવાલને અમેરિકાએ રદિયો આપ્યો નથી. આમ ઈરાને મહાસત્તા અમેરિકાને પડકારી બતાવ્યું છે. હોર્મુઝ ખાડી બંધ કરવાના ઈરાનના વ્યૂહ અને પડકાર પછી વિશ્વભરમાં તેલ-ગેસની તંગી અને ભાવવધારાની બૂમ ઊઠી છે: ઈરાનના મહત્ત્વના વ્યાપાર કેન્દ્ર ઉપર મિસાઇલ ત્રાટકી ને અમેરિકા અટકી ગયું છે. કારણ કે ઈરાને વળતા હુમલા કરવાની ગંભીર ધમકી આપી છે. ટ્રમ્પે તો તેનાં સાથી રાષ્ટ્રોને - ઇંગ્લેન્ડ અને જાપાનને પણ કહ્યું કે, હોર્મુઝને બચાવવા માટે તમારાં યુદ્ધ જહાજોને મોકલો, પણ એમને યોગ્ય પ્રતિસાદ અને સમર્થન મળ્યાં નથી. હકીકતમાં પશ્ચિમ એશિયાની લડાઈ વ્યાપક બનીને મહાયુદ્ધ બની જાય તેમ કોઈ ઇચ્છતું નથી. રશિયા અને ચીન પણ ઈરાનની વહારે આવી શકે છે. આવી સ્થિતિ ટાળવા માટે અન્ય દેશોના નેતાઓએ સંયમ જાળવ્યો છે. લડાઈની શરૂઆતમાં ટ્રમ્પે ઈરાનનું શાસન બદલવાનું લક્ષ્ય રાખ્યું હતું અને શાસકોની હત્યા પણ થઈ તે છતાં ઈરાન ડગ્યું - ડર્યું નથી. બીજી બાજુ ક્રૂડતેલ અને ગેસની અછત અને ભાવવધારાની અસર વિશ્વના અર્થતંત્ર ઉપર પડી છે ત્યારે લડાઈ અને ભાવવધારો ચાલુ રહે તો ટ્રમ્પને જવાબદાર લેખાવીને વિરોધ થાય એવા સંજોગો છે. આ સમગ્ર સંજોગોનો વિચાર કરીને જ ટ્રમ્પે ઈરાન શરણાગતિ નહીં કરે એવી વાસ્તવિકતા સ્વીકારીને પીછેહઠ કરી છે. હવે તેઓ ફરી પાછા ફેરવી તોળે નહીં એવી આશા રાખીએ

Panchang

dd