• ગુરુવાર, 26 માર્ચ, 2026

નેશનલ ટીટીમાં અંડર-15માં ગુજરાત ચેમ્પિયન

ગાંધીધામ, તા. 25 : ગુજરાત સ્ટે. ટેબલ ટેનિસ એસોસીએશન અને  કચ્છ ડિસ્ટ્રક્ટ ટેબલ ટેનિસ એસોસીએશનના ઉપક્રમે રમાતી નેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં અંડર-15ના ફાઈનલ મુકાબલમાં ગુજરાતની ટીમ ચેમ્પિયન બની હતી. હરીશ સંગતાણી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આયાજિત આ સ્પર્ધામાં અંડર-15 વિભાગની ફાઈનલ મેચ રસાકસીભરી રહી હતી, જેમાં મહારાષ્ટ્રના નિલય પટ્ટેકરે દેવ ભટ્ટને સીધી ગેમમાં હરાવી શરૂઆતમાં લીડ મેળવી હતી. ગુજરાતે તરત જ જવાબ આપતાં વિવાન દવે ધીમી શરૂઆત બાદ પ્રતીક તુલસાણી સામે ચાર ગેમમાં જીત મેળવી સરસાઈ મેળવી લીધી હતી. મેચનો ડબલ્સ મુકાબલો નિર્ણાયક સાબિત થયો હતો. દેવ અને વિવાનની જોડીએ ઉત્તમ સંકલન સાથે નિલય અને પ્રતીક સામે કઠિન ચાર ગેમમાં જીત મેળવી ગુજરાતની ટીમને મજબૂત બનાવી હતી. મહારાષ્ટ્રના ખેલાડીએ  છેલ્લે સુધી  હાર માની નહીં અને ડાબોડી ખેલાડી નિલયે ફરી શાનદાર રમત  દર્શાવી વિવાન સામે પાંચ ગેમના રોમાંચક મુકાબલામાં જીત મેળવી  હતી, જેથી ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્કોર સમાન થઈ ગયો હતો. અંતિમ મુકાબલામાં દેવ ભટ્ટે દબાણ વચ્ચે ધીરજ દાખવી હતી. પ્રથમ ગેમ નિકટના સંઘર્ષમાં ગુમાવ્યા બાદ તેણે મજબૂત વાપસી કરી હતી અને પ્રતીકને હરાવી ગુજરાતને યાદગાર જીત અપાવી હતી. આ જીતએ  યજમાન ટીમ માટે ઉજવણીનો માહોલ સર્જ્યો હતો. ગઈકાલે રમાયેલી સેમિફાઇનલમાં પણ બે રસપ્રદ મુકાબલા જોવા મળ્યા હતા, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રે સમાન 3-1ની જીત સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઇનલમાં ગુજરાત સામે તમિલનાડુએ પ્રથમ ગેમમાં લીડ મેળવી હતી, જ્યાં કે. અક્ષય ભૂષણે દેવને સીધી ગેમમાં હરાવ્યો હતો, પરંતુ ગુજરાતે ઝડપથી જવાબ આપ્યો, વિવાને આકાશ રાજાવેલુને 11-9, 11-5, 6-11, 11-9થી હરાવી સ્કોર સમાન કરી લીધો હતો. ત્યારબાદ ડબલ્સ મુકાબલામાં દેવ અને વિવાને અક્ષય અને જે.એન. સંજય અરાવિંધ સામે 12-10, 6-11, 11-4, 11-2થી જીત મેળવી ગુજરાતને લીડ અપાવી હતી. અંતે વિવાને અક્ષય સામે કઠિન પાંચ ગેમના મુકાબલામાં 12-14, 13-11, 11-8, 6-11, 11-5થી જીત મેળવી ગુજરાતને ફાઇનલમાં પહોચાડી દીધું હતું.

Panchang

dd