• ગુરુવાર, 26 માર્ચ, 2026

આઈપીએલમાંથી પૈસાનો વરસાદ

નવી દિલ્હી, તા. 25 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 2008માં જ્યારે શરૂઆત થઈ હતી તે સમયે રાજસ્થાન રોયલ્સ (આરઆર) આ લીગની સૌથી સસ્તી ટીમ હતી. ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ આ ટીમને માત્ર 6.70 કરોડ ડોલર  (તે સમયના આશરે 260 કરોડ રૂપિયા)માં વેચી હતી. તે સમયે આ ટીમના માલિકોએ વિચાર્યું પણ નહીં હોય કે આવનારા સમયમાં આઈપીએલ `પૈસા બનાવવાનું મશીન' બની જશે અને તેમના 260 કરોડ 15 હજાર કરોડ થઈ જશે. આજના સમયમાં આઈપીએલ એ વિશ્વની સૌથી અમીર ક્રિકેટ લીગ છે. એટલું જ નહીં, દુનિયાની સૌથી વધારે બ્રાન્ડ વેલ્યૂ ધરાવતી સ્પોર્ટસ લીગની સૂચિમાં ટોચની પાંચમાં સામેલ છે. લીગની તમામ ફ્રેન્ચાઈઝી કમાય છે અને તેની કમાણી કરોડોમાં હોય છે. બીસીસીઆઈની દક્ષતા અને તેના ફુલપ્રૂફ આર્થિક મોડેલને કારણે આ બધું શક્ય બન્યું છે. ક્રિકેટ બોર્ડે એવું મોડેલ બનાવ્યું છે જેમાં સૌથી નીચા ક્રમની ટીમને પણ કોઈ આર્થિક નુક્સાન થાય નહીં.

આ રીતે થાય છે ટીમોની કમાણી

બ્રોડકાસ્ટિંગ હક

બીસીસીઆઈ ઉપરાંત આઈપીએલની તમામ 10 ફ્રેન્ચાઈઝીની કમાણીનું સૌથી મોટું સાધન મીડિયા પ્રસારણ અધિકાર એટલે કે બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ છે. બીસીસીઆઈએ 2023થી 2027 સુધીના પ્રસારણ હક વિક્રમી 48,390 કરોડ રૂપિયામાં વેચ્યા છે. આ રકમના આશરે 50 ટકા બીસીસીઆઈ પોતાની પાસે રાખે છે. બાકીના 50 ટકા રકમ દસેય ટીમમાં વહેંચવામાં આવે છે. આ રીતે દરેક ટીમના હિસ્સામાં પાંચ ટકાનો નફો આવે છે.

બોર્ડની સેન્ટ્રલ સેન્સરશિપ

ક્રિકેટ બોર્ડને આઈપીએલ ટાઈટલના સ્પોન્સર અને અન્ય સ્પોન્સરશિપના માધ્યમથી પણ કમાણી થાય છે. આમાંથી અમુક રકમ ફ્રેન્ચાઈઝીઓ સુધી પણ પહોંચતી હોય છે. આ ઉપરાંત આઈપીએલની તમામ 10 ટીમના પોતાના અલગ-અલગ સ્પોન્સર પણ હોય છે જેમ કે જર્સી, ટીમ ટાઈટલ અને કિટ પાર્ટનર. આમાંથી પણ ટીમો કરોડો કમાય છે.

મર્ચેન્ડાઈઝ અને ટિકિટ વેચાણ

આઈપીએલની તમામ ટીમો આશરે સાત મેચ ઘરેલુ મેદાન પર રમતી હોય છે. એટલે તેમને ટિકિટોનાં વેચાણમાંથી પણ આવક થાય છે. એ જ રીતે દરેક ટીમની પ્રશંસકો વચ્ચે અલગ ઓળખ હોય છે. તેથી ફ્રેન્ચાઈઝી ટીમની જર્સી, ટોપી તથા અન્ય સામાનોનાં વેચાણમાંથીય રૂપિયા મળે છે. ચેન્નાઈ, મુંબઈ અને આરસીબીની જર્સી સૌથી વધુ વેચાય છે.

પ્રાઈઝ મની અને સોશિયલ મીડિયા

જે ટીમ આઈપીએલની પ્લેઓફમાં પહોંચે  તેમને વધારાની ઈનામી રકમ મળતી હોય છે. ફ્રેન્ચાઈઝી સોશિયલ મીડિયાના યુ-ટયુબ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની સાથે  આર્થિક ભાગીદારી કરીને ભારે રકમ મેળવતી હોય છે.

2025માં આ ફ્રેન્ચાઈઝીને નફો જ નફો

રાજસ્થાન રોયલ્સ નફો : રૂા.55 કરોડ

2025માં રાજસ્થાન રોયલ્સે રમતની દૃષ્ટિએ સૌથી વધુ નિરાશ કર્યા હતા પરંતુ કમાણીના મામલે ટીમ ફાયદામાં રહી હતી. તેનો શુદ્ધ નફો આશરે 55 કરોડ રૂપિયા રહ્યો હતો. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની કુલ આવક આશરે રૂા. 260થી 270 કરોડ રૂપિયા રહી હતી. તેનું પ્રોફિટ માર્જિન 20 ટકા હતું.

મુંબઈ ઈન્ડિયન્સ સૌથી વધુ કમાણી

2025માં મુંબઈ ઈન્ડિયન્સ ચોથા ક્રમે રહી હતી તેમ છતાં તેણે સૌથી વધુ 697 કરોડની કમાણી પોતાનાં નામે કરી હતી. ખેલાડીઓની ફી, બ્રાન્ડ પ્રમોશન, ઝુંબેશ અને સોશિયલ મીડિયા પર તેણે આશરે 600 કરોડનો ખર્ચ કર્યો હતો તેથી તેને 97 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સ છ ટકા ફાયદો

જો કે, 2025માં સૌથી વધુ નફાની રીતે કોલકાતા નાઈટ રાઈડર્સે બાજી મારી લીધી હતી. રસપ્રદ બાબત તો એ છે કે, ટીમનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો તેમ છતાં તેનો નફો એક વર્ષમાં છ ટકા જેવો ગંજાવર વધ્યો હતો. તેણે આશરે 175 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

Panchang

dd