• સોમવાર, 23 માર્ચ, 2026

કમોસમી વરસાદનો માર; ખેડૂતો હિંમત હારી જશે

આભ વરસે, સમયસર વરસે તો ખેડૂતોને ગમે, પરંતુ ગુજરાતના ખેડૂતો ઉપર વારંવાર આભ તૂટી પડતું હોય તેવું લાગે છે અને તેમની સ્થિતિ એવી થાય છે કે, આભ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવું ? ગુરુવારે હજી તો ચૈત્ર માસનો આરંભ થયો, કાળઝાળ ગરમીના દિવસો શરૂ થયા, દનૈયા તપવાનો સમય આવ્યો ત્યાં તો વરસાદે દે ધનાધન કર્યું. ચૈત્રમાં તડકાની તીવ્રતા જેટલી હોય તેના ઉપરથી ચોમાસું કેવું રહેશે તે નક્કી થાય તેના બદલે ચૈત્રના પ્રથમ દિવસે ગુજરાતના અનેક વિસ્તારો ઉપર તોફાની વરસાદ તૂટી પડયો. નુકસાન તો ઘણું થયું તેમાં કૃષિ ક્ષેત્ર મુખ્ય છે. આગામી દિવસોમાં પણ આવી સિસ્ટમ બંધાઈ રહી હોવાના વર્તારા ખેડૂતોને ડરાવી રહ્યા છે. માવઠાંની શક્યતા હતી, પરંતુ તેનું સ્વરૂપ આટલું ભયાનક હશે તેનો કોઈને ખ્યાલ નહોતો. રાજકોટમાં બપોરે જે વરસાદ થયો તે શહેરીજનોએ નજીકના ભૂતકાળમાં જોયો નથી. આકાશમાંથી 20 મિનિટ પાણીને બદલે કરા જ પડયા અને વાવાઝોડાં સાથે તે પ્રક્રિયા થઈ. જામનગર, દ્વારકામાં પણ સ્થિતિ એ હતી. કચ્છમાંય ખડીર-વાગડથી ગઢશીશા પંથક સુધી તોફાની પવન સાથે વરસાદની ઝડી વરસી. પરિણામે ગ્રામ્ય અર્થતંત્રની સામે ફરી એકવાર અનિશ્ચિતતાના પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ચૈત્ર કે માર્ચ માસ રવીપાકના પાકવાની ઋતુ ગણાય છે. ખેતરમાં આ પાક ઊભો હતો અને તે લણવાની પ્રક્રિયા તદ્દન નજીકના દિવસોમાં શરૂ થવાની હતી, ત્યાં જ અંતિમ તબક્કે કુદરતે થપાટ મારી. હજી નુકસાનનો અંદાજ તો આવવો મુશ્કેલ છે. કચ્છમાં ઘઉં કાપીને ખડા ખેતરમાં પડયા હતા. એવી જ રીતે બધી જાતના મસાલા, ઇસબગુલ, જીરુંનો તૈયાર પાક મહદઅંશે નષ્ટ થઇ ગયો. અનુભવી ખેડૂતો કહે છે, પાપ કરે કોક ને ભોગવે ખેડૂતનો દીકરો. પ્રદૂષણ, ઔદ્યોગિકીકરણ, જંગલની કટાઇને લીધે ઋતુચક્ર ખોરવાયું છે. ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન ગંભીર છે. એટલે સમયાંતરે કવેળા મોસમનો માર વેઠવો પડે છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ઘઉં, ચણા, જીરું અને ધાણાના પાકમાં નુકસાન થયું છે. કપાસનું વાવેતર પણ ક્ષતિ પામ્યું છે. ઘઉંનું નુકસાન વધારે છે. જીરું અને ચણાના પાકને તો 50 ટકા જેટલું નુકસાન થયાની વાત છે. રાજકોટના બેડી પાસેના માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો જથ્થો તણાતો હોવાનાં દૃશ્યો સામાન્ય માણસને પણ રડાવી દે તેવાં છે. ખેડૂતો માટે આ ફક્ત આંકડા નથી, પરંતુ આખાં વર્ષનો પરસેવો માવઠું તાણી ગયું છે. કેરીના પાકને પારાવાર નુકસાન થયું છે. બે અઠવાડિયા પછી કેસર કેરી યાર્ડ અને બજારમાં આવવાની શરૂ થાય. એ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પડેલા વરસાદે વીજથાંભલા અને વૃક્ષોને નુકસાન કર્યું છે. ચોમાસું નબળું જાય કે અતિવૃષ્ટિ થાય અને જે નુકસાન જાય તેનાથી ખેડૂત ટેવાયેલા હતા, પરંતુ આ માવઠાં, વર્ષમાં બેથી ત્રણવાર વરસતો વરસાદ એ કુદરત સાથે મનુષ્યો દ્વારા થયેલાં ચેડાંનું, ગ્લોબલ વોર્મિંગ - જળવાયુ પરિવર્તનનું પરિણામ છે. ગયા ઓક્ટોબર-નવેમ્બરમાં વરસાદ પડયો હતો તેને લીધે નુકસાન થયું હતું. સરકારે સહાય તો કરી હતી, પરંતુ પૈસાથી નષ્ટ થયેલું ધાન થોડું ઊગે ? આ વર્ષે હજી આખો ઉનાળો બાકી છે ત્યાં આ માવઠું થયું છે. નુકસાન છે. ખેડૂતોની માઠી દશા છે. હવે પાક પદ્ધતિ, ઋતુચક્ર જેવી બાબતે વિજ્ઞાની દૃષ્ટિકોણથી વિચારવું પડશે. સરકાર નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપશે તો ખેતી ટકી શકશે. આમે પણ ઔદ્યોગિકીકરણ અને લેન્ડ ડેવલપિંગના લીધે ખેતરો વેચાઇ રહ્યા છે. આવી કુદરતી થપાટ ખેતીમાં પડકાર હોવા છતાં ટકી રહેવાના ખેડૂતોનો નિર્ધાર ડગાવી મૂકે છે. 

Panchang

dd