ભુજ, તા. 25 : કચ્છ
માટે ગર્વની ક્ષણ એ છે કે, આંગન ઓફ કચ્છના સ્થાપક નિકિતા નાવલેકરને નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય
પુરસ્કાર સમારોહમાં ધ ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા માઇક્રો સેગમેન્ટમાં પ્રતિષ્ઠિત ઈટી
એમએસએમઈ મહિલા ઉદ્યોગસાહસિક પુરસ્કાર-2026થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કચ્છના સમૃદ્ધ હસ્તકલા વારસા અને મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગસાહસિકતા માટે પણ એક
મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. આ સન્માન સાથે તેમને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર માન્યતા
પ્રાપ્ત થઈ છે અને આ વર્ષના ઈટી એમએસએમઈ એવોર્ડસમાં કચ્છના એકમાત્ર વિજેતા
તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ એવોર્ડસને ભારતભરમાંથી 10,000થી
વધુ એન્ટ્રીઓ મળી હોવાના અહેવાલ છે,
જેમાં ફક્ત 22 ફાઇનલિસ્ટને વિવિધ શ્રેણીમાં શોર્ટલિસ્ટ
કરવામાં આવ્યા હતા, જેના કારણે આ માન્યતા ખૂબ જ સ્પર્ધાત્મક અને પ્રતિષ્ઠિત સિદ્ધિ બની છે.
વર્ષોથી, આંગન ઓફ કચ્છ એક જાણીતી હસ્તકલા ફેશન અને જીવનશૈલી
બ્રાન્ડ બની છે જે સમકાલીન ઓળખ સાથે અધિકૃત કચ્છી કારીગરીને વિશ્વ ફલક સુધી
પહોંચાડે છે. આ ઉપરાંત નિકિતા નાવલેકરને આઈએમસી જાનકી દેવી બજાજ પુરસ્કાર, નારી શક્તિ માન્યતા અને ફોકિયા દ્વારા મેન્યુફેક્ચારિંગ એક્સેલન્સ એવોર્ડ
પણ પ્રાપ્ત થયા છે.