• ગુરુવાર, 26 માર્ચ, 2026

માંડવી-નલિયા માર્ગે જમીનથી ઊંચી ચેમ્બરોથી અકસ્માતની ભીતિ

માંડવી, તા. 25 : આ બંદરીય શહેર તાલુકાના પૂર્વીય-ઉત્તર વિસ્તારના ગામડાઓને અબડાસા વિસ્તાર, નખત્રાણા પંથક અને તાલુકાના પશ્ચિમી ભાગને જોડતા ધોરીમાર્ગ ઉપર અકસ્માતોને આવકાર આપતી જમીનથી ઊંચી ચેમ્બરોને ફેસ-ટુ-ફેસ કરવાની માગણી નિરુત્તર રહેતાં નાગરિકોમાં રોષ પ્રગટયો હતો. કોલેજ, પોલીસ સ્ટેશન, પોલીસ ક્વાર્ટર્સ, શાળા-મહાશાળાઓ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અહીં હોવાથી દિનભર એ રસ્તો બહોળી યાતાયાતને વહન કરી રહ્યો છે. તાજેતરમાં અણઘડ-મનઘડંત-સ્પીડ બ્રેકર ઉપરથી ઉછળીને એક પાટીદાર વેપારી ઈજાગ્રસ્ત થતાં સારવાર લેવા મજબૂર થયા એ તાજેતરની દુર્ઘટના સામેનો બળાપો હજી ઠર્યો નથી ત્યારે નલિયા રોડ ઉપર જમીનથી ચાર-પાંચ ઈંચ ઊંચી ચેમ્બર રોડ સમતળ નહીં હોવાથી તંત્ર જાણે અકસ્માતો કે અપ્રિય ઘટનાને આમંત્રિત કરી રહ્યું હોય તેવો આક્રોશ છે. નલિયા - નખત્રાણા તાલુકાઓની યાતાયાત માટેનો આ પ્રવેશમાર્ગ છે. ઉદ્યોગોના ઉત્પાદન, મહાકાય પવનચક્કીઓના પૂરજાઓ થકી નિરંતર ભરચક રહેતો સદરહુ રોડ અવાંતરે ટ્રાફિકજામનું નિમિત્ત બનતો રહ્યો છે. માલવાહકો, પેસેન્જર વાહનોને કારણે કરોડરજ્જુસમો રોડ સલામતી માટે પણ પડકારરૂપ-ચિંતાજનક છે. શાળા-મહાશાળાઓ, મહિલા કોલેજના છાત્રોને ભારે હાલાકી ભોગવવી પડી છે. પોલીસતંત્રની આંખે આ કેમ નથી ચડતું તેવો પ્રશ્ન કરાયો હતો. શહેરમાં કેટલાક આંતરિક માર્ગો ઉપર ગટર-પાણી પુરવઠા માટેના વાલ્વ ખોલ-બંધ કરવા અર્થે જમીનથી ઊંચી ચેમ્બરોને સમતલ કરવા સંબંધિત તંત્ર કાર્યવાહી કરે તેવી માગણી જાગૃત નાગરિકોએ કરી છે. રસ્તાનાં કામોના નવીનીકરણ, મરંમત વેળાએ રોડ ઉપર માનવસર્જિત આવા ટેકારાઓ ન થાય તેવો આર્તનાદ છે.

Panchang

dd