• ગુરુવાર, 26 માર્ચ, 2026

ગાંધીધામમાં સ્ટ્રોમ વોટર ડ્રેઇનનાં કામોમાં લીંપાપોતીના આક્ષેપો

ગાંધીધામ, તા. 25 : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે રોડ -રસ્તાની સાથે સ્ટ્રોમ વોટર ડ્રેઇનનાં કામો કરવામાં આવી રહ્યાં છે પરંતુ દેખરેખના અભાવે કામગીરીમાં લીંપાપોતી થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને ગુણવત્તા સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. શહેરના જૂની કોર્ટ રોડ જે ટાગોર રોડથી જૂના પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગ ઉપર નાળું આરસીસીથી બનાવવામાં આવે છે એટલે જેટલું કામ થાય તેને પાણી છાટ્યાં વગર માટીથી બૂરી દેવામાં આવે છે. જો આરસીસીનાં કામમાં પાણી છાંટવામાં ન આવે તો થોડાક સમયમાં સિમેન્ટ-રેતી અને કાંકરી અલગ પડી જાય છે અને ત્યાંથી નાળું તૂટવાની શરૂઆત થાય છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અહીં દેખરેખ રાખવામાં આવતી નથી. આ ઉપરાંત લેવલ બાબતે પણ જાગૃત નાગરિકો સવાલો ઉઠાવીને મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની દ્વારા કામની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે તેવામાં જો ગુણવત્તાયુક્ત કામ ન થાય તો અગાઉ જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિ ફરીથી સર્જાય તેવી ભીતિ લોકોને સતાવી રહી છે. મહાનગરપાલિકાના એન્જિનીયારિંગ વિભાગમાં લગભગ 12થી વધુ એન્જિનીયરો છે તેમાં મહિલા એન્જિનીયરોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. તમામનું વિકાસના કામો ઉપર દેખરેખ રાખવાનું કામ છે, પરંતુ જમીન ઉપર કોન્ટ્રાક્ટરો દ્વારા થતાં કામોમાં દેખરેખનો સદંતર અભાવ છે. ઓફિસમાં બેઠા-બેઠાં આયોજનો ઘડવા અને સલાહ-સૂચનો આપવા પૂરતી કામગીરી સીમિત હોવાના આક્ષેપો શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર કામની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે તેવું કહે છે, પરંતુ જમીન ઉપર વરસાદી પાણીના નિકાલ માટેનાં નાળાંઓ સહિતની જે કામગીરી થઈ રહી છે તેમાં દેખરેખનો અભાવ છે. અગાઉ કોંગ્રેસ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સ્થિતિમાં સુધારો થતો હોય તેવું દેખાતું નથી. ખાસ કરીને આરસીસીનાં કામોમાં પાણી છાંટવામાં આવતું નથી અને કામો ધીમી ગતિએ થતાં હોવાથી લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે. આ બાબતે  સમીક્ષા કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

Panchang

dd