નવી દિલ્હી, તા. 25 : મહાયુદ્ધથી
સંકટ વચ્ચે ભારતમાં હવે રસોઇ ગેસ પર નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવાની
તૈયારી ચાલી રહી છે. સરકાર ઇથેનોલ આધારિત કૂકિંગ સ્ટવ બનાવવા પર કામ કરી રહી છે.
અન્ન અને જાહેર વિતરણ સચિવ સંજીવ ચોપડાએ આવી જાણકારી દિલ્હીના એક કાર્યક્રમમાં આપી
હતી. તેમણે કહ્યું હતું કે,
ઇથેનોલ માત્ર વાહનો જ નહીં, પરંતુ હવે ઘરોમાં
રસોઇ માટે પણ એક સુરક્ષિત અને સસ્તો વિકલ્પ બની શકે છે. મહત્ત્વની માહિતી આપતાં
ચોપડાએ જણાવ્યું હતું કે, ઇથેનોલ આધારિત ચૂલાનાં કેટલાક
પ્રારંભિક મોડેલ પણ તૈયાર કરી લેવાયાં છે. તરલ ઇથેનોલનો ઉપયોગ કરાશે. ઇથેનોલ
એલપીજીની તુલનાએ ઓછું પ્રદૂષણ ફેલાવે છે અને તેનો સંગ્રહ કરવો પણ સરળ રહે છે.
સરકાર ઇથેનોલની પુરવઠા સાંકળને પરખવા માટે એક પ્રયોગ કરવા જઇ રહી છે. દેશના ઇથેનોલ
પ્લાન્ટમાં જ ઇથેલોલથી રસોઇ બનાવાશે. આ કવાયતથી એ સમજવામાં મદદ મળશે કે, કોઇ જાતના અવરોધ વિના ઇથેનોલ સરળતાપૂર્વક લોકોનાં ઘરો સુધી કેવી રીતે
પહોંચાડી શકાય છે.