• ગુરુવાર, 26 માર્ચ, 2026

ટ્રમ્પની શરતો પર યુદ્ધનો અંત નહીં : ઈરાન

નવી દિલ્હી, તા. 2પ : યુદ્ધથી અખાતી ક્ષેત્રમાં અજંપાની સ્થિતિ વચ્ચે શાંતિની આશા પર પાણી ફરેવી દેતાં ઈરાને બુધવારે સ્પષ્ટ કહી દીધું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શરતો પર યુદ્ધ ખતમ નહીં થાય. ઈરાને યુદ્ધથી થયેલા નુકસાનના વળતર અને ફરી યુદ્ધ નહીં છેડવા સહિત પાંચ શરતો મૂકી હતી અને એ તમામ શરતો પળાશે તો જ યુદ્ધનો અંત થશે તેવું કહ્યું હતું. યુદ્ધવિરામના અમેરિકી પ્રસ્તાવને ફગાવી દેતાં ઈરાને ટ્રમ્પના વિજયના દાવાની ઠેકડી ઉડાવી હતી.  ટ્રમ્પે તો એટલે સુધી દાવા કરી નાખ્યા હતા કે ઈરાનની વાયુસેના ખતમ થઈ ગઈ છે અને ઈરાનનાં આકાશમાં અમેરિકાનાં યુદ્ધવિમાનો બેરોકટોક ઊડી શકે છે. હારેલાં ઈરાને યુદ્ધવિરામ માટે તેમને એક ભેટ પણ મોકલી હોવાનું ટ્રમ્પે કહ્યું હતું. જો કે, ટ્રમ્પનાં તમામ દાવાઓ ઈરાન નકારી રહ્યું છે. ઈરાનની સેનાનાં કેન્દ્રીય વડામથકના પ્રવક્તા ઈબ્રાહીમ ઝુલ્ફાધારીએ અમેરિકાની 1પ સૂત્રીય દરખાસ્ત ઈરાનને પાકિસ્તાન દ્વારા સોંપાયાના અહેવાલો પછી યુદ્ધવિરામ અને વાટાઘાટોની સંભાવના સામે સવાલ ઊભા કરતી ટિપ્પણી કરી છે. ઝુલ્ફાધારીએ ટીવી ઉપર પ્રસારિત નિવેદનમાં કહ્યું હતું કે, કોઈપણ પ્રકારની વાતચીત ચાલી રહી નથી. તેમણે આગળ ટ્રમ્પ ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, શું તમારા આંતરિક મતભેદ એટલી હદે વધી ગયા છે કે, હવે તમે તમારી જાત સાથે જ વાત કરો  છો ? પહેલા દિવસથી અંત સુધી અમારી વાત એક જ છે અને એક જ રહેશે. અમારા જેવા લોકો તમારા જેવા સાથે કોઈ સમજૂતી કરશે નહીં. આજે નહીં, ક્યારેય નહીં.  જો કે, પાકિસ્તાન તરફથી સોંપવામાં આવેલી 1પ શરતો ઉપર ઈરાન તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તેનાથી વિપરિત ઈરાની સેના લડવા માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી રહી છે. પાક.માં ઈરાનના રાજદૂત રઝા અમીરી મોગદમે પણ કહ્યું હતું કે, અમેરિકા સાથે કોઈ પ્રકારની શાંતિવાર્તા ચાલી રહી નથી. આ યુદ્ધ અમેરિકાની દગાખોરીનું પરિણામ છે. અમેરિકાએ વાતચીતના પ્રયાસોમાં ભંગાણ પાડીને જ યુદ્ધ સુધી નોબત પહોંચાડી દીધી છે. તો ઈઝરાયલે પણ કોઈ શાંતિવાર્તાની જાણકારી હોવાનું નકાર્યું હતું અને સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા અડગતા દેખાડી હતી. તો અમેરિકા પણ આ ક્ષેત્રમાં પોતાનાં દળોમાં મોટાપાયે વધારો કરવા માટે વિચારી રહ્યું છે. એકબાજુ અમેરિકા આ યુદ્ધમાં હવે સમજૂતીમાં આગળ વધવાનો ઈશારો આપી રહ્યું છે, તો બીજીબાજુ અમેરિકા અને ઈઝરાયલ તરફથી ઈરાન ઉપર હુમલા પણ અટક્યા નથી. આવી જ રીતે ઈરાને પણ જવાબી કાર્યવાહી બંધ કરી નથી. તેની મિસાઈલોનાં આક્રમણમાં ઈઝરાયલમાં સાયરન ગુંજતા રહ્યા છે. બહેરીન અને સાઉદી અરેબિયાએ ઈરાની મિસાઈલ અને ડ્રોનને આંતરી લીધાનું જણાવ્યું હતું. બીજીબાજુ કુવૈતના મુખ્ય એરપોર્ટમાં ઈરાની હુમલાનાં પગલે આગ લાગી હતી, તો ઈઝરાયલે લેબેનોનમાં બૈરુતમાં બોમ્બમારો ચલાવવામાં આવ્યો હતો.

Panchang

dd