• બુધવાર, 25 માર્ચ, 2026

સંકટની ઘડીમાં ગભરાટ નહીં, સ્વસ્થતાની જરૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં અને મંગળવારે રાજ્યસભામાં નિવેદન કરીને ઇરાન વિ. અમેરિકા-ઇઝરાયલ યુદ્ધના સિનારિયોમાં દેશવાસીઓને ગભરાટમાં ઉતાવળિયું વર્તન ન કરવા સલાહ આપતાં કહ્યું છે કે, ઇંધણ-ગેસની અછત નહીં થવા દેવાય, ચિંતા ન કરો. આમ છતાં ગુજરાતની સાથે કચ્છમાં પણ બે દિવસથી પેટ્રોલપંપો પર ભારે ધસારો થતાં પુરવઠા અને ખપતની સમતુલા ખોરવાઇ ગઇ છે. નાનાં ગામથી મહાનગર સુધી ઇંધણ ભરાવવા પ્રલંબ લાઇનો લાગી. લોકો ટુ-વ્હીલરથી ફોર વ્હીલરની ટાંકી ફુલ કરાવવા મંડતાં કેટલાક સ્થળે માલ ખૂટી ગયો, પેટ્રોલપંપ પર `નો સ્ટોક'નાં ઝૂલતાં પાટિયાંએ વધુ ગંભરાટ ફેલાવ્યો હતો. ઇંધણ આજની સૌથી તીવ્ર જરૂરિયાતની વસ્તુ છે. રાંધણગેસથી લઇને પેટ્રોલ-ડીઝલ પર ઘર-કારોબાર-જનજીવન નભી રહ્યું છે. યુદ્ધની સ્થિતિના બિહામણાં ચિત્રો લોકોને ગભરાવે એ સ્વાભાવિક છે.  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું જણાવીને લોકોને ગભરાટમાં ન રહેવા અને અફવાઓથી દોરવાઇ ન જવા સલાહ આપી છે. ખરેખર ઇંધણની તંગી છે એ પ્રશ્ન ચર્ચાની એરણે છે. તંત્ર કે સરકાર ઇંધણ-ગેસનો પુરવઠો સામાન્યત: જળાવાય એ માટે કટિબદ્ધ છે એ ખરું, પણ હોર્મુઝ ખાડી પર ઇરાનનો કબજો, ઓઇલ ટેન્કર પર  હુમલા, ગલ્ફના જુદા જુદા દેશના તેલ-ગેસ  પ્રતિષ્ઠાનો પર મિસાઇલમારો, આ પરિસ્થિતિ જોતાં જ સમજી શકાય કે, સપ્લાય અટકયો ભલે નહીં, દબાણમાં તો છે જ. વડાપ્રધાને તેમનાં નિવેદનમાં પરિસ્થિતિ સામાન્ય બની રહે એ માટેના સરકારના પ્રયાસોની વિગતો આપી છે. સાથે કોરોના સમયને યાદ કરીને કહ્યું છે કે, સંકટ છે તો ખરું જ, પણ રાષ્ટ્રે મુશ્કેલીના સમયમાં એક રહીને  સ્થિતિનો સામનો કરવો પડશે. નાગરિકોને આમ કરતાં આવડે છે. વડાપ્રધાનના શબ્દો પાછળની ગંભીરતા સમજવા જેવી છે. ઇરાન યુદ્ધે દુનિયામાં જે પરિસ્થિતિ સર્જી છે એની અસર લાંબો સમય સુધી રહી શકે છે. લડાઈ જ્યાં ચાલી રહી છે તે ક્ષેત્ર સાથે ભારતનું વેપારી જોડાણ છે. ઓઈલ-ગેસની પુરવઠા સાંકળ પણ તે દેશો સાથે છે. આ યુદ્ધને લીધે વિશ્વમાં જે મુશ્કેલી ઊભી થઈ છે તેની અસર લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે, તેથી આપણે કપરા સંજોગ માટે તૈયાર રહેવું પડશે.  એક તરફ અફવાનો દોર ચાલી રહ્યો છે, પ્રજાનાં મનમાં પણ સંશયો છે તે વેળાએ વડાપ્રધાને કહ્યું કે, આપણે ધીરજ, સંયમ અને શાંત મનથી કામ લેવું પડશે. આ જ આપણી ઓળખ છે અને તાકાત છે.  કેટલાક તત્ત્વો આ સ્થિતિનો ગેરલાભ ઊઠાવવાનો પણ પ્રયાસ કરશે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે આપણે બધી એજન્સીઓને પણ સતર્ક રાખી છે. સીમા હોય કે સાયબર પ્લેટફોર્મ તમામ રીતે આપણે સજ્જ  છીએ. દેશની દરેક સરકાર અને પ્રત્યેક નાગરિક સાથે મળીને આગળ વધશે તો આપણે કોઈ પણ કસોટીનો સામનો કરી શકશું. વડાપ્રધાનની ચિંતા દેશના આર્થિક વિકાસમાં રૂકાવટ અંગે છે. તેમણે કહ્યું કે, વિકાસની ગતિ જળવાઇ રહે એ માટે રાષ્ટ્રએ એક ટીમ બનીને સંયુક્ત રીતે કામ કરવું પડશે. શ્રી મોદીએ રાજ્યોને કોરોના સમયે સાથે રહીને કામ કર્યું હતું એવો  સહયોગ દેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ સમય અમુક ઝડપી નિર્ણયો લેવાનો છે.  યુદ્ધને લીધે ઊભી થયેલી સ્થિતિ ત્રણ સપ્તાહથી ચાલી રહી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા અને લોકોનાં જીવન ઉપર તેની અસર પડી રહી છે તેવો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, આ તનાવ શક્ય તેટલો જલ્દી પૂર્ણ થાય  તેવો સ્પષ્ટ સંદેશ ભારતની સંસદ આપવા માગે છે. વડાપ્રધાનનું આ વિધાન આંતરરાષ્ટ્રીય સ્તરે અગત્યનું અને યુદ્ધરત દેશોને શાંતિનો અનુરોધ કરનારું છે. ક્રૂડ ઓઈલની આયાતનીતિ, અત્યારે કેટલો જથ્થો અનામત છે તે વિગતો પણ આપી. ઊર્જા વર્તમાન અર્થતંત્રની કરોડરજ્જુ છે, અર્થતંત્ર ઉપર થનારી અસરોને નિવારવા માટે પણ સરકાર રણનીતિની સાથે કામ કરી રહી છે.  આ સિનારિયોમાં જનસહયોગ જરૂરી છે. ડરના માર્યા બધા સંઘરાખોરી કરવા લાગશે તો સ્થિતિ હાથમાં નહીં રહે. સરકાર કે તંત્રની હૈયાધારણમાં ભરોસો રાખવાની જરૂર છે, સંકટની ઘડીમાં સૌએ નાગરિક ધર્મ બજાવવો રહ્યો. ઇરાન યુદ્ધનો સિનારિયો અભૂતપૂર્વ છે. ભારત સામે પણ અનેક મોરચે પડકાર છે ત્યારે થોડીઘણી તકલીફ પડે તો એ સહન કરવાની સૌની ફરજ છે.  

Panchang

dd