• ગુરુવાર, 26 માર્ચ, 2026

વૈશ્વિક જ્ઞાનનો સમન્વય

જ્ઞાનનો વિકાસ નિરંતર શિક્ષણ અને તેમાં નવા-નવા પ્રવાહોને અનુસરવામાં કેન્દ્રીત રહ્યો છે. ભારતે પણ ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ માટે પગલાં લેવા શરૂ કર્યાં છે. ભારતે ઉચ્ચ શિક્ષણ વૈશ્વિક લક્ષને હાંસલ કરવા વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનના સમન્વયની ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ટેક્નોલોજી ને સામાજિક વિષયોને એકીકૃત કરવાના પ્રયાસથી ભારત ખરા અર્થમાં વિશ્વગુરુનો દરજ્જો હાંસલ કરી શકશે. આ સંદર્ભમાં કેન્દ્રીય શિષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ દેશના સર્વાંગી વિકાસ માટે ભારે મહત્ત્વ ધરાવે છે. દેશના વિશાળ ઉચ્ચ શિક્ષણ ફલકને દુનિયાની સંસ્થાઓ માટે ખોલવાનાં પગલાં હંમેશાં આવકાર અને વિરોધ બંનેની ચર્ચા છેડતા રહ્યા છે. જો કે, શિક્ષણના હાલના બદલાતાં જતાં વૈશ્વિક ચિત્ર અને ઘરઆંગણાની જરૂરતોને જોતાં સરકારનું આ પગલું યોગ્ય જણાય છે. એક તરફ દુનિયાની અગ્રણી શિક્ષણ સંસ્થાઓ ભારતીય યુવાનોની આઈટીની પારંગતતાથી પ્રભાવિત છે, તેની સાથોસાથ આ સંસ્થાઓને ભારતના સમાજ વિજ્ઞાનમાં પણ ભારે રસ છે. તેઓ ભારતના સામાજિક માળખાં તથા તેને સંલગ્ન આર્થિક પાસાને સમજીને પોતાની બૌદ્ધિક સંપદાનો વિસ્તાર કરવા માગે છે. તે ઉપરાંત ભારતમાં આવી વિદેશી યુનિવર્સિટીઓના અગામનથી ભારતીય વિદ્યાર્થીઓને સમાજ વિજ્ઞાન અને કૌશલ વિકાસની નવી તક મળતી થશે. ભારતીય વિદ્યાર્થીઓ વૈશ્વિક ધોરણો મુજબ સામાજિક વિષયો પર અધ્યયન અને સંશોધન કરી શકશે. તેમને શિક્ષણના વિવિધ વિકલ્પો મળતા થશે. હવે ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની જવાબદારી છે કે, તેઓ દુનિયાના અન્ય ભાગોમાં પોતાનો વિસ્તાર કરે. ખાસ તો આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયાના દેશોમાં ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે અપાર તકો છે. વળી આજે દુનિયામાં ભારતીય સમુદાયની સંખ્યા દિવસાદિવસ વધી રહી છે અને સમુદાયને પણ ભારતીય શિક્ષણ પ્રવાહથી જોડેલો રાખવાની જવાબદારી પણ આપણી યુનિવર્સિટીઓની બને છે. આની સાથોસાથ ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશોમાં ભારતીય પરંપરા અને ફાવટને અનુરૂપ ખાસ વિષયો પર કેન્દ્રીત હોય એવાં કેન્દ્રો પણ ખોલવા પર હવે ધ્યાન અપાવાની જરૂરત છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સે એક મહત્ત્વની એકેડેમિક પહેલ કરીને દુનિયાભરમાં ભારત પર સંશોધન કરતા વિદ્વાનોને આમંત્રિત કર્યા છે. આ વિદ્વાનોની સાથે ઘરઆંગણાના ટોચના સમાજ વૈજ્ઞાનિકો અને વિકાસ નિષ્ણાતોને એક મંચ પર લાવીને ભારતીય સમાજ અને વિકાસના હકારાત્મક પરિમાણો પર સંશોધન અને વિમર્શની માટે નવી પહેલ કરાશે.  ઉચ્ચ શિક્ષણના સતત વિકસતાં જતાં વૈશ્વિક માળખાંનો દેશના વિદ્યાર્થીઓ અને સંશોધકોને મળતો થાય તો ભારતના વિકાસમાં શિક્ષણના સમન્વયની અનિવાર્યતા પરીપૂર્ણ થઈ શકશે.

Panchang

dd