મહેશ સોની દ્વારા : માધાપર
(તા. ભુજ), તા.
25 : `રામ હી કેવલ પ્રેમુ પિઆરા' પ્રેમનો મહિમા જણાવી
માનસ મુકુરાષ્ટક કથાના પંચમ દિવસે ચૈત્રી નવરાત્રિના સાતમા નોરતે કથા માધુર્ય
પીરસતાં મોરારિબાએ જણાવ્યું હતું કે, મોટામાં મોટી
પૂજા-અનુષ્ઠાન, મોટામાં મોટી બંદગી-સાધના, મોટામાં મોટો ધર્મ એ પ્રેમ કરવો છે. રામને પ્રેમ પ્રિય છે. વિશ્વનો
એકમાત્ર પરમ ધર્મ પ્રેમ છે. પ્રીતિ વૈરાગની જનેતા છે. ચૈત્રી નવરાત્રિના સાતમા
નોરતે પૂ. મોરારિબાપુએ તુલસીદાસ રચિત સંગીતમય ચોપાઈઓનું ગાન કરી શ્રોતાઓને લીન
કર્યા હતા. તેમણે કચ્છની ભૂમિ કેટલાય ભક્તો, શૂરવીરો અને
દાતારોની હોવાનું જણાવી જય સિયારામ, જીનામના નારા સાથે
શ્રોતાઓને નાદ કરાવી કથાનો પ્રારંભ કર્યો હતો. આજની કથામાં તેમણણે શ્રીરામના વનવાસ
દરમ્યાન ભરતમિલાપનું વર્ણન કરી રામ પ્રત્યેનો ભરતનો પ્રેમ અનન્ય હોવાનું જણાવ્યું
હતું. પૂ. બાપુએ પ્રેમનો મહિમા વર્ણવતાં જણાવ્યું હતું કે, પ્રભુ
રામને પ્રેમ અતિપ્રિય છે. તમે જ્યારે પ્રેમ કરશો ત્યારે વૈરાગ્ય આવશે એ પ્રેમની
તાકાત છે. કથાનો દોર આગળ વધારતાં તેમણે જણાવ્યું હતું કે, ધર્મ
સાચવે એટલે જ ધર્મપત્ની, ઘરની ત્રી ઘરમાં પ્રકાશ ફેલાવે છે
અને ઘરને મંદિર બનાવે છે. ચૈત્રી નવરાત્રિએ તેમણે ત્રીની મહત્તા વિશે આલેખન કરતાં
કહ્યું હતું કે, ત્રી દુર્ગા છે, ચંડી
છે, ત્રી ઘરના દર્પણ પર ક્યારે મેલ ચડવા દેતી નથી. રામનામની
તસવીરને હૃદયમાં અંકિત કરવાની શીખ આપતાં પૂ. બાપુએ જણાવ્યું કે તમને બધામાં રામનાં
દર્શન થશે. આ તકે તેમણે યુવાનોને પણ કથા સાંભળવા ટકોર કરી હતી. બાપુએ રામનાં નામનો
અર્થ સમજાવતાં જણાવ્યું હતું કે, `રા' એટલે રામાયણ અને `મ' એટલે મહાભારત. તમે કોઈ
સાધના ન કરો માત્ર રામ, રામનું જાપ કરો બધી સાધના રામમાં
સમાયેલી છે. તેના રટણથી ચોક્કસ દુ:ખો દૂર થાય છે.પૂ. બાપુએ તાડકાસુરનો પ્રસંગ
વર્ણવતાં જણાવ્યું હતું કે, તાડકાસુરે પૃથ્વી પર હાહાકાર
મચાવ્યો ત્યારે દેવો બ્રહ્મા પાસે જાય છે
અને શિવ-પાર્વતી વિવાહ બાદ તેના પુત્ર કાર્તિકેય જ તેનો વધ કરી શકે તેમ હોવાનું
જણાવી શિવ-પાર્વતી વિવાહ પ્રસંગ વર્ણવ્યો હતો.
આજની કથા દરમ્યાન કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ, ભાજપ મહામંત્રી હિતેશ
ખંડોર, વેલજીભાઈ ભુડિયા, માવજીભાઈ
ગુંસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કથાને સફળ બનાવવા પ્રવીણભાઈ તન્ના,
યોગેશભાઈ ગજ્જર, ભાવેશભાઈ ઠક્કર, લક્ષ્મણસિંહ વાઘેલા, હેમંત વાયડા, હિતેશભાઈ સોની, વીનેશ સાધુ, હીરાલાલ
ઠક્કર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કથાના મુખ્ય યજમાન ધીરેશભાઈ મનજી ડબાસિયા
પરિવાર તત્પર સેવામાં હાજરી આપી રહ્યા છે, તો રસોડામાં
માધાપર સહિતની જુદી-જુદી સંસ્થા પાટહનુમાનજી, વિશ્વ હિન્દુ
પરિષદ, ગઢવી સમાજ માધાપર, આહીર સમાજ,
મોગલધામ, વર્ધમાનનગર, ગ્રીનસિટી,
પાર્શ્વનાથ, શ્રી હરિપાર્ક, પિંકસિટી, મહાજન ગ્રુપ, જલારામ
મહિલા મંડળ વગેરે ભોજન અને શેરડીના રસની વ્યવસ્થામાં સેવા આપી રહ્યા છે.