ભુજ, તા. 25 : થોડા
માસ પૂર્વે વિવિધ રાજ્યોમાંથી થયેલી ઓનલાઇન છેતરપિંડીનો રેલો કચ્છ સુધી આવતાં અનેક
ફરિયાદો દાખલ થઇ હતી. ગઇકાલે આવી જ વધુ એક ફરિયાદ દાખલ થઇ છે, જેમાં ફરિયાદીને તેના કાકાઇ ભાઇએ બેંકમાં ખાતું ખોલાવી તે અન્યને ભાડે આપ્યું
હતું, જેમાં વિવિધ ઓનલાઇન છેતરપિંડીના રૂા. 25.50 લાખ જમા થયા હતા. આ અંગે મૂળ જવાહરનગર હાલે માધાપર
રહેતા પ્રવીણભાઇ ગોપાલભાઇ મેરિયાએ ગઇકાલે માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ
2024ની ઓક્ટોબરમાં તેમના કાકાઇ ભાઇ રામજી માવજી મેરિયા
(રહે. ભુજ, મૂળ જવહારનગર)એ જણાવ્યું કે, તેનો ટૂર્સ
એન્ડ ટ્રાવેલ્સનો ધંધો ચાલુમાં છે અને તેમાં ગ્રાહકો પાસેથી રૂપિયા મેળવવા માટે બેંકખાતાની
જરૂરિયાત છે. મારું ખાતું હાલ બંધ છે, આથી તમે મારા નામનું બેંક
ઓફ મહારાષ્ટ્રમાં ખાતું ખોલાવી આપો. આથી ખાતું ખોલાવી આપી તેના એટીએમ કાર્ડ તથા ચોપડી
રામજીને આપી દીધા હતા. ચેકબુક મારી પાસે રાખી દીધી હતી. બે મહિના પહેલાં ફરિયાદીએ ભૂલથી
આ બેંક ઓફ મહારાષ્ટ્રની ચેકબુકમાંથી ચેક ભરીને ગામના કાનજીભાઇ ગાગલને આપ્યો હતો. આ
બાદ કાનજીભાઇએ જણાવ્યું કે, તમે જે ચેક ભરીને મને આપ્યો છે તે
બેંક ખાતું બ્લોક થઇ ગયું છે અને બેંકવાળાએ તમને સાયબર સેલ પોલીસનો સંપર્ક કરવા કહ્યું
છે. આથી ફરિયાદીએ સાયબર સેલ પોલીસ પાસે જતાં તેમને જાણવા મળ્યું કે, આ ખાતા નંબર ઉપર છ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો દાખલ થઇ છે. આથી ફરિયાદી પ્રવીણભાઇએ
તેના કાકાઇ ભાઇ રામજીને આ બાબતે વાત કરતાં રામજીએ જણાવ્યું કે, મેં તમારું આ બેંક ખાતું મારા મિત્ર મોહિત નાગરલાલ પુરોહિત (રહે. ગંભીરપુરા,
તા. વાવ, જિ. થરાદવાળા)ને આપ્યું હતું. જેના કમિશન
પેટે તેણે મને રૂા. 20,000 આપ્યા
હતા. આમ આ બંને જણાએ મારા ખાતામાં સાયબર ફ્રોડની ફરિયાદોના કુલ્લે રૂા. 25,50,000 ટ્રાન્સફર કરાવી મારી સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરી
છે. માધાપર પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તજવીજ આદરી છે.