કચ્છના આર્થિક પાટનગરનો વણજાહેર દરજ્જો ધરાવતા ગાંધીધામ સંકુલના
વેપારી અર્થતંત્ર પર ચિંતાનાં વાદળ ઘેરાયેલાં છે. શુક્રવારે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશને
(એસઆરસી) સંકુલમાં રહેણાકના હેતુસર ફાળવાયેલી જમીનો પર વ્યાવસાયિક બાંધકામ અને પ્રવૃત્તિના
આરોપસર 61 પ્લોટની લીઝ રદ કરવાનો નિર્ણય
લઈને ભારે ફફડાટ જગાવ્યો છે. કરોડોના ખર્ચે ઊભા કરાયેલ હોટેલ, રેસ્ટોરેન્ટ કે અન્ય વ્યાવસાયિક સંકુલોની લીઝ
રદ કરવા ઉપરાંત અન્ય 200 મિલકતમાં
નેટિસ ફાળવતા ગાંધીધામ અને તેના જોડિયા શહેર આદિપુરના વૈભવી વિસ્તારોના અસ્તિત્વ સામે
ગંભીર સવાલ ખડા થઈ ગયા છે. એસઆરસીએ તમામ કાયદાકીય પ્રક્રિયા અને બે વખતની નોટિસ બજાવ્યા
બાદ લીધેલાં આ પગલાંમાં રદ કરાયેલી લીઝ પરની મિલકત ખાલી કરવા છ મહિનાનો સમય અપાયો છે.
કરોડો રૂપિયાની કિંમતની જમીનો અને તેનાથી વધુ કિંમતના વૈભવી વ્યાવસાયિક બાંધકામોનાં
રોકાણની સામે જોખમની સાથોસાથ સંખ્યાબંધ લોકોની સીધી કે આાડકતરી રોજગારી પણ જોખમમાં
મુકાય તેવી આશંકા સર્જાઈ છે. જો કે, ગાંધીધામ ચેમ્બર દ્વારા આ મામલે સત્તાવાર અને રાજકીય સ્તરે રજૂઆતો કરવા તથા
જરૂર જણાયે એસઆરસીનાં પગલાંને સંકલિત રીતે અદાલતમાં પડકારવાની તૈયારી કરાઈ છે. 1948માં સ્થપાયેલા આ સંકુલે 77 વર્ષના તેના અસ્તિત્વમાં ઘણી બધી તડકી છાંયડી જોઈ છે, પણ મોટાભાગની સમસ્યામાં આ સંકુલના વહીવટ કે
માલિકીના હકના સંદર્ભમાં એક કરતાં વધુ એજન્સીની સત્તાઓ આવી નાની કે મોટી સમસ્યા માટે
કારણરૂપ હોવાનું અનુભવાતું રહ્યંy છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી,
એસઆરસી, ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી (જીડીએ) અને
સુધરાઈ જે હાલમાં મહાનગરપાલિકા બની છે આ તમામની જમીનો અને વિકાસના સંદર્ભની ગુંચવાડાભરી
સત્તાઓએ સંકુલની સામે નવી-નવી સમસ્યાઓ ઊભી કરી છે. આ વખતના મુદ્દામાં ફરી એક વખત કેન્દ્ર
સરકારનું વલણ ચાવીરૂપ બની રહ્યંy છે. એક તરફ જીડીએ 60 મીટરના પહોળા ગ્રામીણ માર્ગ પરની મિલકતોને કોમર્શિયલમાં હેતુફેર
કરી આપે છે, પણ જે મિલકતોને બાંધકામની
મંજૂરી આપતી વેળાએ જીડીએએ તે રહેણાકના હેતુની છેક વ્યાવસાયિક તેની ચકાસણી કરવાની તસ્દી
લીધી ન હોવાનું પ્રથમ નજરે જણાઈ રહ્યંy છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે, કેન્દ્ર સરકાર પોર્ટ સત્તાવાળાઓનાં માધ્યમથી
એનઓસી આપે તો જીડીએ એક સાથે હેતુફેરને બહાલી આપી શકે તેમ છે, પણ એસઆરસીની કેન્દ્રમાં ખરડાયેલી છાપને લીધે આવી કોઈ એનઓસી મળે એવી શક્યતા
ન હોવાનું પણ સંકુલમાં ચર્ચાઈ રહ્યંy છે. આવા સંજોગોમાં
આવનારા છ મહિના આખા પ્રકરણમાં ભારે મહત્ત્વના બની શકે તેમ છે. એસઆરસી આવી રીતે લીઝ
કરી શકે કે કેમ તેનો કાયદાકીય જવાબ શોધવાની કવાયત હાથ ધરાઈ રહી છે, તો ગાંધીધામ ચેમ્બરે આ તમામ લીઝધારકોનાં હિતોના
રક્ષણ માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે, તેની સાથોસાથ રજૂઆતો માટે
તૈયારી શરૂ કરી છે, પણ વેપારીહિતોના બચાવ માટેની આ કાર્યવાહીની
સાથોસાથ વેપારીઓ અને ચેમ્બર સંકુલમાં કિંમતી આર્કેડ સહિતનાં દબાણોને દૂર કરાવીને સામાન્ય
રાહદારીઓને રાહત આપવા માટે પણ વિચારે જેથી વેપારીહિતમાં લોકોની ભાવના જોડાઈ શકે.