- દીપક માંકડ : પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા...
પરિવાર સાથે સહેલગાહે ગયેલા પર્યટકોનો ધર્મ પૂછીને પુરુષોને અલગ તારવીને પોઇન્ટ બ્લેન્ક
રેન્જથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. હજુ તો લગ્નની મહેંદીની સુગંધે ન ગઇ હોય એ નવપરિણીતા
પતિને નજર સમક્ષ તરફડતો જુએ... બાળકો, પત્ની ઘરના આધારને લોહીલુહાણ-જમીનદોસ્ત થતાં જુએ એનાથી વધુ કંપાવનારી ક્ષણ
કઇ હોઇ ન શકે... એ 26 શહીદના પરિજનોની
આંખોમાંથી વહેતા આંસુ દેશવાસીઓમાં ખુન્નસ પ્રગટાવી રહ્યા છે. ભારત સરકારે પણ પરિસ્થિતિની
ગંભીરતા પારખીને નિર્ધાર કરી દીધો છે બસ હવે બહુ થયું, આંતકીઓને વીણીવીણીને સાફ કરવાનું અભિયાન શરૂ
થઇ ચૂકયું છે. ત્રાસવાદીઓનાં ઘર તોડી પાડવામાં આવી રહ્યાં છે, દેશભરમાં ગુસ્સો છે, આક્રોશ છે, એનો પડઘો કચ્છમાંય ઝીલાયો છે. અનેક સંસ્થાઓએ હણાયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ
અર્પણ કરી છે. કચ્છ અને કાશ્મીર દેશના ભિન્ન ખૂણે છે, બંને સીમાવર્તી
પ્રદેશ. કાશ્મીરના બર્ફીલા પહાડો, વૃક્ષાચ્છાદિત ખીણ વચ્ચેથી
વાસ્તવિક અંકુશ રેખા પસાર થાય છે, કચ્છ-ગુજરાત-રાજસ્થાનની ભૂમિસીમા
પર ઘણા વિસ્તારમાં કાંટાળી વાડ ઊભી કરવામાં આવી છે. સરહદી વિસ્તારમાં રહેનારા લોકોનું
ઝનૂન, દેશદાઝની ભાવના સર્વોચ્ચ હોવી જોઇએ. કાશ્મીરીઓ માટે આવું
છાતી ઠોકીને કહી શકાય નહીં... ભરોસો કરવો મુશ્કેલ, પણ કચ્છીઓ
ભારત માતા પર કોઇ આંખ ઉઠાવીને જુએ એટલે જુસ્સાભેર બહાર નીકળી આવે... ભૂતકાળમાં 1962, 1965 અને 1971નાં યુદ્ધ, કારગિલ યુદ્ધ ઇતિહાસના પાને નોંધાયેલી આ બધી
સંઘર્ષની ઘટનાઓ કચ્છી-ગુજરાતીઓના પ્રબળ દેશપ્રેમનું બેરોમીટર પૂરવાર થયું છે. કાશ્મીરમાં
આતંકી હુમલા સમયાંતરે થતા રહ્યા છે, પણ આ વખતે સ્થિતિ જુદી છે,
મોદી સરકારે તુરત જ સક્રિય બનીને પાકિસ્તાન સાથે પરોક્ષ રીતે સંબંધ વિચ્છેદ કરતાં કડક નિર્ણયો લીધા
છે, પાકિસ્તાની નાગરિકોને વિઝા ન આપવા, બંને દેશ વચ્ચે નાગરિકોની અવરજવર પ્રતિબંધિત કરવી, સિંધુ
જળ સંધિના અમલ રદ કરીને પાકિસ્તાનને તરસે મારવું... આ બધાં પગલાંઓ સાથે સીધી કે આડકતરી
રીતે કચ્છ સંકળાયેલું છે. રઘવાટ અને ભયના માર્યા પાકિસ્તાને પણ શિમલા કરાર રદ કર્યો...
એનું એ કચ્છ સાથે અનુસંધાન છે. વિશેષ કહીને સિંધુ જળ પર કચ્છના અધિકારની વાત વર્ષોથી
ઊઠતી રહી છે, પાકને સિંધુનાં જળ મળતાં તાત્કાલિક અસરથી રોકી દેવાનો
દૃઢનિર્ણય લેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002માં કચ્છને સિંધુજળ મળવાની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો. એ
સમયે મોદી નવાસવા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા,
કચ્છ ધરતીકંપની કારમી થપાટમાંથી
બેઠું થવા મથી રહ્યું હતું. નવી દિલ્હી ખાતે નેશનલ વોટર રિસોર્સિસ કાઉન્સિલની બેઠકમાં
નરેન્દ્રભાઇએ તેમના પ્રવચનમાં વડાપ્રધાનની હાજરીમાં સિંધુનાં પાણી ઉપર કચ્છના અધિકારની
વાત છેડીને કેન્દ્ર પાસેથી ન્યાય માગ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં ઇન્ડસ વોટર ટ્રીટી (સિંધુ
જળ કરાર) અમલમાં આવી એ પછી ગુજરાતના મુખ્યમંત્રીએ હિંમતથી રાષ્ટ્રીય ફોરમ પર કચ્છનો
અધિકાર માગ્યો હોય એવો એ પ્રથમ બનાવ હતો. ભારતમાંથી પાકિસ્તાન તરફ જતી નદીઓનાં પાણી
રોકવાની વાતો ભૂતકાળમાં ઘણીવાર થઇ છે, ભારતે ધમકી અગાઉએ આપી હતી, જાન્યુઆરી 2020માં એ સમયના કેન્દ્રીય જળશક્તિ
મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જાહેર કર્યું હતું કે,
પાકિસ્તાન જતું પાણી રોકવાની યોજના અંતિમ તબક્કામાં છે, પણ એ વાત કાગળ ઉપર જ રહી ગઇ હતી. ભારત અને પાકિસ્તાને 19મી સપ્ટેમ્બર, 1960માં સિંધુજળ
કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વિશ્વ બેન્કની મધ્યસ્થીથી અમલમાં આવેલા કરાર હેઠળ બંને
દેશને સ્પર્શતી નદીઓ પૈકી સતલુજ, બિયાસ
અને રાવી નદીનાં પાણી ભારતને મળ્યાં, જ્યારે ચિનાબ, જેલમ અને સિંધુનાં નીર પાકિસ્તાનના હિસ્સામાં છે. આ નદીઓના કુલ 16.8 કરોડ એકર ફૂટ પાણીમાંથી ભારતને
તેના હિસ્સે આવેલી ત્રણ નદીમાંથી 3.3 કરોડ એકર ફૂટ પાણી મળે છે,
જે કુલ જથ્થાના 20 ટકા છે. ભારત તેના ભાગનું 93-94 ટકા પાણી વાપરી શકે છે. બાકીનું પાકિસ્તાનમાં વહી જાય છે. જોવાની
વાત એ છે કે, એક તરફ ભારતમાં લોહીની
નદી વહેવડાવવાનો એજન્ડા ચલાવતું પાકિસ્તાન, ભારતે જ્યારે પણ પોતાના
હિસ્સાના પાણીનો ઉપયોગ કરવાની કોશિશ કરી છે, ત્યારે અવરોધ ઊભા
કર્યા છે. 2015માં પાકિસ્તાનને
ભારતના કિશનગંગા અને જળવિદ્યુત પરિયોજના સામે વિરોધ ઊભો કરીને આંતરરાષ્ટ્રીય અદાલતમાં
જવાની ચીમકી આપી હતી. કચ્છના અધિકારની વાત પર
પાછા આવીએ તો સિંધ અને કચ્છ સમાંતર આવેલા પ્રદેશ છે અને વચ્ચેની આંતરરાષ્ટ્રીય
સરહદ બંને પ્રદેશની રાષ્ટ્રીયતા બદલી નાખે છે, પરંતુ એક સમયે કચ્છમાં સિંધુનાં પાણી વહેતાં હતાં, તે
સિંધુ તટ પ્રદેશનો ભાગ હતો. 1819માં વિનાશક ભૂકંપ આવ્યો ને જમીનનો કેટલોક ભાગ ઉપસી આવતાં (અલ્લાબંધ)
સિંધુનો પ્રવાહ કચ્છમાં આવતા અટકી ગયો. આમ છતાં સિંધ અને કચ્છ, સિંધુ અને કચ્છની પાણીની જરૂરિયાત-અધિકારનો
મુદ્દો દાયકાઓથી ચર્ચાતો આવ્યો છે. કચ્છની તાસીરના જાણકાર પીઢ રાજકીય અગ્રણી મહેશ ઠક્કરે
સિંધુનાં પાણી અને કચ્છ વિશે બબ્બે પુસ્તક લખ્યાં છે, જેમાં તમામ
ઐતિહાસિક તથ્યો અને સંભાવનાની દસ્તાવેજી આધાર કે દલીલો સાથે છણાવટ કરી છે. સિંધુ નદીનાં
પાણી પર કચ્છના અધિકારની વાત વાસ્તવિક છે. આમ પણ સિંધુનું પાણી કરાચી નજીક અરબી સમુદ્રમાં
વહી જતું હોવાથી તે પાકિસ્તાનને ઉપયોગી નથી. એક જમાનામાં કચ્છ સિંધુનો તટપ્રદેશ હતો.
સંધિ વખતની મંત્રણા દરમ્યાન આંતરરાષ્ટ્રીય સિદ્ધાંત, કાનૂન અને
પ્રણાલી મુજબ રાજ્ય કે રાષ્ટ્રની સરહદોને ધ્યાને લીધા વિના જે-તે તટપ્રદેશના રહેવાસીઓને
પાણીનો લાભ આપવા પર ભાર મુકાયો હતો. એ મુજબ ભૌગોલિક રચના અને નદી પ્રવાહોની સ્થિતિ
અનુસાર કેટલાંક સ્થળે પાકિસ્તાનમાંથી કેનાલ મારફતે ભારતમાં અને અમુક જગ્યાએ અહીંથી
પાકિસ્તાનને પાણી પહોંચાડવાની દરખાસ્ત હતી. એ પૈકી એક દરખાસ્ત કચ્છને `કોટરી'થી નહેર દ્વારા સિંધુ જળ આપવાને લગતી હતી. મહેશભાઈ ઠક્કર અને શશિકાંત ઠક્કરે
લખેલા `સિંધુ વોટર્સ એન્ડ કચ્છ' પુસ્તકમાં આની વિગતવાર માહિતી છે. અફસોસ એ વાતનો
છે કે, ભારત-પાક વચ્ચે સહમતી ન સધાતાં આંતરરાષ્ટ્રીય નહેરોની
વાત પડતી મુકાઈ ગઈ. આમ ઇતિહાસમાં સર્જાયેલી એક તક ઇતિહાસમાં જ ધરબાઈ ગઈ. કચ્છને નર્મદાના
સિંચાઇનાં પાણી એક-દોઢ દાયકાના વિલંબ પછી મળ્યાં છે. સિંધુનાં જળ પર કચ્છનો રાઇપેરિયન
રાઇટ (નદીના તટપ્રદેશનો ભાગ)નો સ્વીકાર થવા છતાં લાભથી વંચિત રહેવું પડયું છે. સિંધુ
જળ કરાર અન્વયે સતલુજ-બિયાસના મિલન સ્થાને ભારતમાં હરિકે બેરેજનું નિર્માણ થયું,
તેમાથી રાજસ્થાન કેનાલ (હાલની ઇન્દિરા કેનાલ) નીકળી, જે સિંચાઈ અને વહાણવટાની રીતે કચ્છના કંડલા મહાબંદર સુધી લઈ આવવાનું નક્કી
થયું હતું, એટલું જ નહીં બે વૈકલ્પિક લાઇનનું સર્વેક્ષણે થયું.
રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટના વડા કંવરસેને તાંત્રિક શક્યતાનો સ્વીકાર કર્યો. કેનાલ ગુજરાતની
સરહદ નજીક આવેલા જેસલમેર, બાડમેર સુધી આવી, પણ ગુજરાત સુધી લંબાવાઈ નહીં. 1964માં રાજસ્થાન સરકારે બેરેજનું પાણી પોતાની જરૂરિયાત સંતોષવા
માટે પણ અપૂરતું હોવાની દલીલ સાથે પાણી આપવાનો ઈન્કાર કર્યો. કચ્છ માટે વધુ એક સંભાવના
પર ચોકડી લાગી ગઈ. વાચકોનાં મનમાં સવાલ ઊઠે
કે, હજુ સિંધુ જળ કચ્છને મળે એ સંભવ છે?
જવાબ છે હા, જો કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની
ભૂપેન્દ્ર પટેલ સરકાર મન પર લે તો. નરેન્દ્રભાઈએ 2002માં ઉઠાવેલો મુદ્દો ઉકેલી શકવાનું
આ ટાણું છે. સિંધુ ટ્રીટી સ્થગિત કર્યા પછી અત્યાર સુધી સિંધુ જળથી વંચિત રખાયેલા કચ્છ
ઉપરાંત સોરાષ્ટ્ર સુધી તેનાં નીર લાવી શકાય. કચ્છનું અદ્ભુત સફેદ રણ, ધોળાવીરા, ઐતિહાસિક ધામો,
પૂરબહારમાં ખીલેલું પ્રવાસન, ખુમારી, ખમીર જેવા ગુણોને બિરદાવતાં વડાપ્રધાન આ ચમત્કાર કરી શકે તેમ છે.