• બુધવાર, 30 એપ્રિલ, 2025

મુંબઇ-ભુજ વચ્ચે બપોરની વિમાની સેવાનો 10મીથી પ્રારંભ

ભુજ, તા. 29 : કચ્છમાં ઔદ્યોગિક વિકાસના પગલે કચ્છને મુંબઇ સાથે ઘરોબો હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિમાનનું આવન-જાવન રહે છે. જેને લઇ ભુજ-મુંબઇ વચ્ચે વધુ એક વિમાની સેવા શરૂ કરવાની લાંબા સમયની માંગ સંતોષાઇ છે અને 10મી મેથી દરરોજ આ વિમાની સેવા શરૂ થવાના વાવડ મળતાં સ્થાનિક તથા વિદેશ વસતા કચ્છી મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે, કચ્છને મુંબઇ સાથેની અપૂરતી વિમાન સેવાને લીધે મુંબઇગરાના પ્રવાસીઓ તેમજ એનઆરઆઇને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની લાગણી કચ્છમિત્ર દ્વારા યોજાતા વિવિધ મીટ અને કાર્યક્રમોમાં વ્યક્ત થતી રહી છે. ગાંધીધામ ખાતેના બિઝનેસ કોન્કલેવ અને  એનઆરઆઇ મીટ તથા અન્ય કાર્યક્રમોમાં આ મુદ્દો ચર્ચાતો રહ્યો છે, જેમાં ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ આ મુશ્કેલી નિવારવા રજૂઆતો કરી હતી. ગ્લોબલ સહિતની સંસ્થાઓ સક્રિય હતી, જેની ફળશ્રુતિ રૂપે ભુજ-મુંબઇ વચ્ચે આ ત્રીજી વિમાની સેવા શરૂ થવા જઇ રહી છે. મુંબઇ-ભુજ વચ્ચે સવારે બે વિમાની સેવા કાર્યરત છે. આ સેવાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે લાંબા સમયથી માગણી હતી કે, બપોરના ભાગે પણ આવી જ સેવા શરૂ કરાય. આમ, બીજા સ્લોટની મંજૂરી મળતાં એર ઇન્ડિયાની આ સેવાનો પ્રારંભ 10મી મેથી થશે, જેના સમયપત્રક મુજબ મુંબઇથી બપોરે 12.10 વાગ્યે ઉડાન ભરી ભુજ 1.35 વાગ્યે પહોંચશે અને પરત ભુજથી બપોરે 2.05 વાગ્યે આ વિમાન ઊડીને બપોરે 3.40 વાગ્યે મુંબઇ પહોંચી જશે. ભુજ-મુંબઇ વચ્ચે આવન જાવન કરતા યાત્રીકો, કચ્છી એન.આર.આઇ. માટે અત્યંત લાભકારી-સુલભ બની રહેશે. મુંબઇથી પણ વિદેશ જતા-આવતા લોકોને કનેક્ટિવિટીનો લાભ થશે. કચ્છથી દક્ષિણ ભારત ફરવા જતા પ્રવાસીઓને પણ સૂચારુ રહેશે. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ઉડ્ડયન મંત્રીને મળી લેખિત-મૌખિક રજૂઆત વિવિધ ફ્લાઇટ સર્વિસ ધરાવતી કંપનીઓ સાથે પત્ર વ્યવહાર થતાં 10મી મેથી ભુજ-મુંબઇ વચ્ચે એર ઈન્ડિયાની વિમાન સેવા શરૂ થશે. વિવિધ ચેમ્બરો, ધારાસભ્યોની સમયાંતરે રજૂઆતોને પણ વાચા મળી છે, તેમ સાંસદે જણાવતાં આનંદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ભારત સરકારના સહકાર બદલ કચ્છની જનતા વતી આભાર દર્શાવ્યો હતો. આ ઉપરાંત નવા-નવા ક્ષેત્રો માટેની વિમાની સેવાનો લાભ આગામી સમયમાં મળશે તેવો આશાવાદ અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે માન્યતા પ્રાપ્ત થાય માટે પ્રયત્નો ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્લોબલ કચ્છ ફેડરેશનના અનિલ ગોરે પણ આ સમાચાર મળતાં આનંદ દર્શાવી આ અંગે ફેડરેશને સમયાંતરે વિવિધ ઓથોરિટી સમક્ષ પત્રવ્યવહાર કરી ફ્લાઇટ મંજૂર કરવા રજૂઆત કરી હતી. આથી તેમણે અધિકારીઓનો આભાર વ્યક્ત કરી આ સેવા કચ્છીઓ માટે લાભકારી રહેશે તેવું જણાવ્યું હતું. દરમ્યાન, મસ્કત ગુજરાતી સમાજના કન્વીનર અને ગ્લોબલ ફેડરેશનના વાઇસ ચેરમેન ચંદ્રકાંતભાઇ ચોથાણીએ પણ આ સેવા બદલ હર્ષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ સેવાથી વિવિધ દેશોની ફ્લાઇટની કનેક્ટિવિટી મળશે. અમદાવાદ-મસ્કત-અમદાવાદ વિમાન બંધ છે, તે પણ જલ્દીથી શરૂ કરવા તેમણે માંગ કરી છે. એરપોર્ટ સલાહકાર સમિતિ મેમ્બર મહેન્દ્રભાઈ જોષી, સંજય ગઢવી, મયૂરાસિંહ જાડેજા મનસુખભાઇ નાગડા, મયંક રૂપારેલે પણ આનંદ વ્યક્ત કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd