પાકિસ્તાનને સિંધુનાં જળ સ્રોત બંધ કરવાની જાહેરાત ભારતે કર્યા
પછી ધ્રૂજી ઊઠેલાં પાકિસ્તાને યુદ્ધની ગર્ભિત ધમકી આપી, પણ આવી ધમકીઓ ઘોળીને પી જવાની ક્ષમતા ભારતમાં
છે. હવે ભારત સરકારે નિર્ણયનો અમલ પણ શરૂ કર્યો છે અને જરૂરી નોટિફિકેશન બહાર પાડીને
પાકિસ્તાન સરકારના સંબંધિત વિભાગને લેખિત જાણ કરી દેવામાં આવી છે. ભારત સરકારના વોટર
રિસોર્સીઝ વિભાગના સચિવ દેબાશ્રી મુખરજીએ પાકિસ્તાનના સંબંધિત સચિવ સૈયદ અલી મુર્તઝાને
પત્ર મોકલી દીધો છે. ભારત સરકારના ગૃહ, વિદેશ ખાતા, વિદ્યુતશક્તિ તથા જળશક્તિ વિભાગના સચિવોને બોલાવીને સિંધુ જળ વહેંચણીના કરારનો
અમલ રોકવા માટે ટૂંકા ગાળાના તથા કાયમી લાંબા ગાળાના પ્લાન તૈયાર કરવા જણાવાયું છે.
આગામી ગણતરીના દિવસોમાં ટેકનિકલી રિપોર્ટ તૈયાર થઈ જવાની ધારણા છે. પાકિસ્તાનને પાઠવાયેલા
પત્રમાં જણાવાયું છે કે, આ કરારની જોગવાઈ અનુસાર સંજોગો બદલાયા
છે અને તેથી તેની ફેરવિચારણા કરવી અનિવાર્ય છે. અત્યારે સલામતીની અનિશ્ચિત સ્થિતિ હોવાથી
ભારત કરાર હેઠળ અપાયેલા અધિકાર મુજબ પગલાં ભરી શકે છે. પાકિસ્તાને-કરારની જોગવાઈ મુજબ
સહકાર આપવાનો ઇનકાર કરીને કરારનો ભંગ કર્યો છે, તેથી ભારત સરકારે
વર્ષ 1960ના સમજૂતી કરારના અમલ ઉપર રોક
લગાવવાનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણયનો અમલ તાત્કાલિક શરૂ થાય છે. આ નિર્ણય પછી ભારત
તાત્કાલિક સિંધુના જળસંગ્રહ માટે ડેમ અને સરોવરો તૈયાર કરી શકે નહીં, પણ જળપ્રવાહને વાળી શકાય એમ છે અને તેની અસર
પાકિસ્તાનના કૃષિ તથા જળવિદ્યુત ઉત્પાદન ઉપર પડશે. લાંબા ગાળે તેનું અર્થતંત્ર ખોરવાઈ
જશે. પાકિસ્તાન ગમે તેટલી શેખી કરે અને ધમકીઓ આપે-તેના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસીફે
`ભારત અને અન્યત્ર' આતંકવાદની ટીકા કરી છે પણ આ `ટાંગ ઊંચી' બતાવવાનો પ્રયાસ છે. હવે જ્યારે જળસ્રોત બંધ
થાય ત્યારે પાકિસ્તાન શું કરે છે તે જોવાનું છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય તખતા ઉપર
પાકિસ્તાનને એકલું પાડયું છે, તેથી તેની પાસે વિકલ્પ મર્યાદિત
છે, જ્યારે ભારત આર્થિક અને આંતરરાષ્ટ્રીય તખતા ઉપર સક્રિય અને
આક્રમક છે. ભારતે સખત સંદેશ આપ્યો છે, જે સ્પષ્ટ છે-લોહી અને
પાણી એક સાથે વહી શકે નહીં. નોંધપાત્ર અને આવકારપાત્ર બાબત એ છે કે, આતંકી હુમલાનો વિરોધ કરવામાં કાશ્મીરના તમામ રાજકીય પક્ષો સહમત છે અને કેન્દ્રમાં
સર્વપક્ષી બેઠકમાં કોંગ્રેસે પણ સરકારને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીએ શ્રીનગર પહોંચીને
ઘાયલ લોકોના ખબરઅંતર પૂછયા છે. ભૂતકાળમાં કોંગ્રેસે હંમેશાં-કારગિલ હોય કે પુલવામા-સરકારના
નિવેદન ઉપર શંકા વ્યક્ત કરી હતી-આ વખતે હિન્દુઓ શિકાર બન્યા હોવાથી કોઈ શંકાની શક્યતા
નથી. અલબત્ત-આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સલામતી વ્યવસ્થા કાચી હોવાની ટીકા થઈ છે
અને સરકારે તે સ્વીકારી છે.