અમદાવાદ, તા. 29 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન
દ્વારા વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા રાજ્યના ખેલાડીઓની કદરરૂપે 3.75 લાખના પુરસ્કાર ઉપરાંત 76 ટ્રોફી એનાયત કર્યા હતા, જેમાં વર્તમાન નેશનલ ચેમ્પિયન માનુષ શાહ (વડોદરા)ને
2.5 લાખનો રોકડ પુરસ્કાર અપાયો
હતો, તો 86મી સિનિયર નેશનલ્સમાં કાંસ્ય જીતનારી મહિલા ટીમને 1.25 લાખનું ઈનામ અપાયું હતું. જીએસટીટીએના
પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વર્ગના મોખરાના ટીટી ખેલાડીઓને બિરદાવતાં આનંદ થાય છે. વર્ષ
2024-25નું પ્રદર્શન શાનદાર રહ્યું
હતું. તે ઉપરાંત એસો.એ રાજ્યમાં ઘણી ટૂર્નામેન્ટ અને કેમ્પનું પણ સફળ આયોજન કર્યું
હતું. હવે 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી
કામગીરી હાથ ધરાશે તેમ પણ જણાવ્યું હતું. આ તકે કિત્વિકા સિંહા રોય, આઈશિકી જોઆરદાર, ફ્રેનાઝ
છીપિયા, ફિલઝાહ ફાતીમા કાદરી અને રિયા જયસ્વાલની ટીમને 1.5 લાખનો રોકડ પુરસ્કાર અપાયો
હતો. આ પ્રસંગે રાજ્યની પેરા ટીટી ખેલાડીઓનું પણ સન્માન કરાયું હતું, જેમાં ટોક્યો ગેમ્સની રજત ચંદ્રક વિજેતા ભાવિના
પટેલ તથા અન્ય પાંચ ખેલાડીનો પણ સમાવેશ કરાયો હતો.