ભુજ, તા. 29 : સીસીટીવી કેમેરા કેટલા ઉપયોગી સાબિત થાય છે તેનો તાજો દાખલો
જોવા મળ્યો છે. ગઈકાલે ભુજના બસ પોર્ટમાં બસમાં ચડતી માંડવીની મહિલાના પર્સમાંથી રૂા.
2.50 લાખના દાગીના સેરવાયા હતા.
માંડવીના બહેને પોલીસનો સંપર્ક કરતાં સીસીટીવી કેમેરા ચકાસતાં એક મહિલા આ દાગીના સેરવતી
જોવા મળતાં પોલીસે તુરંત ઘોડા દોડાવી બનાસકાંઠાની યુવતીને ઝડપી લીધી હતી. આ ચોરાઉ દાગીના
તેણે તેના માસાને આપ્યાનું જણાવતાં પોલીસે બન્નેને ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.
આ ચોરી અંગે એ-ડિવિઝન પોલીસ મથકે માંડવીના સોનલબેન પ્રતીકભાઈ આહીરે નોંધાવેલી ફરિયાદ
મુજબ થોડા દિવસ પૂર્વે તેઓ માંડવીથી માધાપર તેમના માવતરે મળવા આવ્યા હતા અને તા. 28/4ના સાંજે બહેન તથા દીકરી સાથે
માંડવી પરત જવા ભુજના બસ પોર્ટ આવ્યા હતા અને સાડા છ વાગ્યાની માંડવીની બસમાં પ્રથમ
ફરિયાદીની બહેન ચડયા હતા. ફરિયાદી તેની દીકરીને તેડી બસમાં ચડયા હતા. ત્યારે ફરિયાદીના
ગળાના ભાગે બટકેલી પર્સની ચેન ખૂલી જોતાં જ ફરિયાદી સોનલબેને પર્સ તપાસતાં તેમાંના
સોનાની બંગડી-2, 6 વીંટી એમ આશરે રૂા. 2,50,000ના દાગીના જોવામાં ન આવતાં
ફરિયાદી અને તેની બહેને બસ મથકમાં તપાસ કરતાં ક્યાંય મળી આવ્યા ન હતા. બસમાં ચડતાં
પૂર્વે ફરિયાદીએ પર્સ ચેક કરતાં ત્યારે દાગીના પર્સમાં જ હતા. આ બસમાં ચડતી વેળાએ ગિર્દીનો
ગેરલાભ લઈ કોઈ અજાણ્યા ચોર ઈસમે દાગીના ચોરી લીધાની ફરિયાદ નોંધાવી હતી. એ-ડિવિઝન પોલીસે
તુરંત સીસીટીવીના ફૂટેજમાં એક શકમંદ મહિલા દેખાતાં અલગ-અલગ ટીમ બનાવી છઠ્ઠીબારી પાસેથી
આ શકમંદ મહિલાને ઝડપી તેની આગવી ઢબથી પૂછપરછ કરતાં પોતે દાગીના ચોરીને માસાને આપ્યાનું
કહેતાં માસાને પણ ટાઉનહોલ પાસેથી ચોરાઉ દાગીનાના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી આ ચોરીનો
ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો. પોલીસે
આરોપી અંજલિ લાલાભાઈ દંતાણી (રહે. પાલનપુર જિ. બનાસકાંઠા) તથા તેના માસા રાજુભાઈ મફાભાઈ
દંતાણી (રહે. હારીજ જિ. પાટણ)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં પી.આઈ.
એ. એસ. પટેલનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. આશિષભાઈ ઝાલા, હે.કો. ભરતજી ઠાકોર, રાજુભા
જાડેજા, કિરણભાઈ ચૌધરી, કોન્સ. દશરથભાઈ
ચૌધરી, કૈલાશભાઈ ચૌધરી, જયભાઈ ત્રિવેદી,
મહિલા કોન્સ. ઉર્વશીબેન રાજગોર જોડાયા હતા.