• બુધવાર, 30 એપ્રિલ, 2025

ભાનુશાલી મહાજનના ભાઈઓ સુખ-દુ:ખના હમદર્દ : મુખ્યમંત્રી

ગિરીશ જોશી દ્વારા : જખૌ (તા. અબડાસા), તા. 29 : અબડાસાનાં જખૌ ગામે યોજાયેલા ઓધવરામજી મહારાજના ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવના આજે બીજા દિવસે ભાગ લેવા પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ટાંચા સાધનો અને ખૂબ અગવડો હતી એવા સમયે પૂ. ઓધવરામજી મહારાજે સામાજિક સમરસતાનો સંદેશો આપી ધૂત-અધૂતનો ભેદ મિટાવ્યો હતો. ઓધવરામજીના માર્ગે ચાલવાની અપીલ કરી ભાનુશાલી મહાજનને સુખ-દુ:ખના હમદર્દ ગણાવ્યા હતા. મુખ્યમંત્રી સૌથી પહેલાં નૂતન મંદિરે જઈ ત્યાં ચાલતી ભાવ-પ્રાણપ્રતિષ્ઠાનાં દર્શન કરી સભા મંડપે આવ્યા હતા. કચ્છી સંત પૂ. હરિદાસજી મહારાજના હાથ પકડીને જ્યારે મંચ ઉપર પગથિયા ચડી રહ્યા હતા આ દૃશ્ય જોઈ ખીચોખીચ મેદનીએ ઊભા થઈને તાડીઓથી વધાવ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના ભાષણની શરૂઆત કચ્છીમાં કરીને કહ્યું કે, કિં અયો મુંજા ભા-ભેણું, આંકે મિણી કે રામરામ... આવા સંતનાં કાર્યના બીજા દિવસે હરિદાસજી મહારાજે 101 ગામમાં ગાયોને નીરણ કેન્દ્ર ચાલુ કર્યા હોવાનું જણાવીને તેમણે પરશુરામજી મહારાજની જન્મદિને સૌને શુભેચ્છા આપી હતી. જે સંતનો સુવર્ણ જયંતી મહોત્સવ યોજાઈ રહ્યો છે એ ઓધવરામજી મહારાજનું જીવન સમાજ માટે જીવંત ઉદાહરણ સમાન છે. કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, જખૌ ભાનુશાલી મહાજન અને અખિલ ભારતીય હરિઓમ પરિવાર દ્વારા યોજાયેલા સંયુક્ત આ મહોત્સવમાં આવીને ભાગ લઈ ગર્વ થાય છે, એમ શ્રી પટેલે જણાવ્યું હતું. પાણીના અભાવે અહીંથી હિજરત કરી ગયેલા ભાનુશાલી સમાજના લોકો હવે પાણી આવતાં પરત ફરી રહ્યા છે, તે જાણી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વરસાદી પાણીના સંગ્રહ માટે સૌને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ આજે પ્રોટોકોલ તોડી અંતમાં ભાષણ કરવાને બદલે છેલ્લે ભાષણ સંત હરિદાસજી મહારાજને કરવા કહ્યું ને હું તમારાથી પહેલાં બોલીશ આ નિર્ણયથી સૌએ મુખ્યમંત્રીનાં વિવેકી વલણને બિરદાવ્યું હતું. પૂ. હરિદાસજી મહારાજે આશીર્વચન આપતાં કહ્યું કે, મુખ્યમંત્રીનું પ્રવચન સાત્ત્વિક હતું. ત્રણ પ્રકારના ભાષણ હોય છે, સતોગુણી, રજોગુણી અને તમોગુણી, આમ આધ્યાત્મિકતાનો તાર મહારાજે છેડયો હતો. જેમ અમેરિકાના પ્રમુખને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ભિક પ્રમુખ ગણાવ્યા છે એમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇને હરિદાસજી મહારાજે પણ નિર્ભિક મુખ્યમંત્રી ગણાવ્યા હતા. હરિદ્વાર ખાતે કચ્છી આશ્રમનાં મૂળિયાંમાં પણ ઓધવરામજી મહારાજ છે એમ જણાવીને હરિદ્વાર આવવા આમંત્રણ આપ્યું હતું. એક સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અધિવેશન હરિદ્વાર-કચ્છી આશ્રમમાં યોજાયું હતું. એ સમયે અમારા ટ્રસ્ટી પઠાઇભાઇ ભાનુશાલીએ વ્યવસ્થા કરી  હોવાની યાદ અપાવી હતી. દિલ્હીમાં નરેન્દ્ર અને જખૌમાં આજે ભૂપેન્દ્ર બોલીને તાળીઓ મેળવી હતી. ઓધવરામજી માત્ર ગુરુ નથી, ભાગ્યને પલટાવનારા સંત ગણાવ્યા હતા. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ કચ્છમાં નર્મદાનાં વધારાનાં પાણી માટે પાંચ હજાર કરોડ ભૂપેન્દ્રભાઇએ ફાળવ્યા હોવાનું જણાવીને જન્મભૂમિ કચ્છ સાથે ભાનુશાલી મહાજનનો અનોખો નાતો હોવાનું જણાવ્યું હતું. તેમણે નવરાત્રિ દરમ્યાન ભાનુશાલી વસ્તીવાળા ગામો નવ દિવસ ગાજતા હોય છે, એમ મુખ્યમંત્રીને માહિતી આપી ભાનુશાલી સમાજે હંમેશાં કચ્છની ચિંતા કરી છે અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના વંશજ ગણાવ્યા હતા. મુંબઇ વસતા તમામ ભાઇઓને કચ્છમાં મતદાન નોંધણી કરાવવા અપીલ પણ કરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે, એક નાનકડા કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી પટેલ આવે છે અને આપણને કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ આપતા રહે છે. અબડાસામાં મેં જે-જે કામો માગ્યા છે તે તેમણે મંજૂર કર્યા હોવાનું કહ્યું હતું. દેશ મહાજનના પ્રમુખ દામજીભાઇ ભાનુશાલીએ અમે ભાનુશાલીઓ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના વંશજ છીએ, પાણી માટે વતન છોડી ગયા હતા, હવે પીવાથી માંડી સિંચાઇનાં પાણી છેક અબડાસા સુધી આવી રહ્યાં છે. પુન: ખેતીપ્રધાન બનવાની અને સરહદના સંત્રી બની રહેવાની ખાતરી આપી હતી. પ્રયાગરાજ ખાતે કુંભ મહોત્સવમાં ટેન્ટ સિટી બનાવી  ચૂકેલા નલિયાના  લહેરીભાઇ ભાનુશાલીએ પ્રવચનમાં જખૌની ભૂમિને  ધાર્મિકભૂમિ ગણાવી ગઇકાલે યોજાયેલી રાસલીલામાં જાણે ગોપીઓ જોડાઇ હોય એમ મહિલાઓએ ભાગ લીધો હોવાનું જણાવ્યું હતું. કચ્છના જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધ દવેત્રિકમભાઇ છાંગા, તા.પં. પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, નરેન્દ્ર પ્રજાપતિ, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, સંચાલન કરતા યુવા અગ્રણી પરેશભાઇ ભાનુશાલીએ  ભાનુશાલી સમાજની અસ્મિતા અને સામાજિક કામગીરી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તરફથી આવેલો શુભેચ્છા સંદેશો રજૂ કર્યો હતો. પાવરપટ્ટીના આગેવાન જયેશભાઇ વડોરે આભાર માન્યો હતો. તો આવતીકાલે 30મીએ આ જ સ્થળે યોજાનારા 55મા સમૂહલગ્ન માટે મુખ્યમંત્રીના હસ્તે કન્યાદાન અર્પણ કરવામાં આવ્યું હતું. દેશ મહાજનના ઉપપ્રમુખ દિનેશ ચાન્દ્રાઅગ્રણીઓ સુરેશ ભાનુશાલી, અનિલ ભાનુશાલી, પીયૂષ ભાનુશાલી, લહેરીભાઇ ભાનુશાલી, ગોવિંદ ભાનુશાલી વગેરે વ્યવસ્થામાં રહ્યા હતા. - મંચ પર દાતાઓ-આગેવાનો હાજર રહ્યા : જખૌ (તા. અબડાસા), તા. 29 : જખૌ ખાતેના આજના ઓધવરામજી મહારાજ મંદિર સુવર્ણ મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હોવાથી ભાનુશાલી જ્ઞાતિના આગેવાનો તથા દાતાઓ મંચ પર હાજર રહ્યા હતા. અગ્રણીઓ, સેવા સમાજ, દેશ મહાજન તથા વિવિધ સંસ્થાઓમાં જોડાયેલા જ્ઞાતિજનો વલ્લભભાઇ ભદ્રા, હરિભાઇ કટારમલ, લહેરીભાઇ ભાનુશાલી, મહોત્સવ સમિતિના પ્રમુખ લીલાધરભાઇ માવ, પઠાઇભાઇ ભાનુશાલી, તુલસીદાસ દામા, ખીમજીભાઇ ભાનુશાલી, જયેશ વડોર, દેવજીભાઇ નંદા, દિનેશભાઇ કરશનદાસ ચાન્દ્રા, શંકરભાઇ જોઇશર, મોહનભાઇ હેમાણી, કૈલાસ ગજરા, ડો. હર્ષદ મંગે, કિશોર જોઇશર, ભાવેશ મંગે, સુનીલ ચાન્દ્રા, નવીન ગજરા, રાજેશ કટારમલ, અશોક ભદ્રા, શંભુભાઇ નંદા, કનૈયાલાલ ભાનુશાલી, પ્રવીણ પટેલ, સતિષ ચાન્દ્રા, વિનોદ વડોર, પ્રવીણ દામા, કિશોર દામા, રણછોડ નંદા, શંકરલાલ માવ, બીનાબેન ભાનુશાલી, જિજ્ઞાબેન ભાનુશાલી, ભારતીબેન, રાજ દામા, ગોવિંદભાઇ ભાનુશાલી, વસંત ભાનુશાલી, જયેશ ભાનુશાલી, ભાવેશ નંદા, ગિરીશ ગોરી, પાટીદાર સમાજના કેતન પટેલ, હંસરાજ ધોળુ, દિનેશ ચાન્દ્રા, અરવિંદ માવ વગેરે હાજર રહ્યા હતા અને મહેમાનોનો સત્કાર કર્યો હતો. - જખૌમાં પ્રોટોકોલ તોડી મુખ્યમંત્રીએ વિવેક દાખવ્યો : જખૌ (તા. અબડાસા), તા. 29 : સામાન્ય રીતે અધ્યક્ષનું પ્રવચન છેલ્લે હોય છે, મુખ્યમંત્રી મુખ્ય મહેમાન અને સમારોહના અધ્યક્ષ હોવાને નાતે જખૌમાં પણ અંતમાં બોલશે, એવું સંચાલકે જ્યારે માઈક પર જણાવ્યું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જખૌના કાર્યક્રમમાં કહ્યું કે, મને મહારાજને સાંભળવાના છે. તેમણે પ્રોટોકોલ તોડી પોતાનું ભાષણ હરિદાસજી મહારાજથી પહેલાં કરવાનું જણાવ્યું ને બોલ્યા ત્યારબાદ હરિદાસજી મહારાજને સાંભળવા બેઠા રહીને અંત સુધી પ્રવચન સાંભળ્યું હતું, જ્યારે તેઓ મહારાજને મંચ પર હાથ પકડીને લઈ આવતા હતા ત્યારે તેમણે સુરક્ષા જવાનોને પણ દૂર રહેવાનું કહ્યું, સરળતાથી બન્ને જણ સાથે આવ્યા હતા.- 24 કલાક સંતવાણીનો પ્રારંભ : જખૌ (તા. અબડાસા), તા. 29 : જખૌ ખાતેના મહોત્સવમાં મંગળવાર બપોરથી 24 કલાક સંતવાણીનો પ્રારંભ થયો હતો. સંતવાણીની વ્યવસ્થા સંભાળતા ભજનિક વસંતભાઇ ભાનુશાલીના જણાવ્યા પ્રમાણે 39 કલાકારો સતત 24 કલાક સંતવાણી રજૂ કરશે. કચ્છ, સૌરાષ્ટ્રના જાણીતા કલાકારો કીર્તિદાન ગઢવી, નીલેશ ગઢવી સહિતનાએ લાભ લીધો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd