• બુધવાર, 30 એપ્રિલ, 2025

માધાપરમાં ગટરલાઈન પાછળ કરાયેલો લાખોનો ખર્ચ એળે

ભુજ, તા. 29 : ઝાંસી કી રાણી સર્કલથી ગાંધી સર્કલ થઈ છેક માધાપર નવાવાસ સુધી ભુજ નગરપાલિકા દ્વારા તાજેતરમાં નખાયેલી ગટરલાઇનની નબળી કામગીરીએ થોડા જ દિવસમાં પોત પ્રકાશ્યું હોય તેમ ગાંધી સર્કલ પાસે છેલ્લા અઠવાડિયાથી ગટરના પાણી સતત ઊભરાઈ રહ્યાં છે અને તેના પાછળ કરાયેલો લાખોનો ખર્ચ એળે ગયો હોય તેવો તાલ સર્જાયો છે. સ્મૃતિવન પાસે આવેલા ઝાંસી કી રાણી સર્કલથી ગાંધી સર્કલ વચ્ચેના માર્ગ પર લાંબા સમયથી ઊભરાતી ગટરોની સમસ્યા ઉકેલવા ભુજ નગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ અંદાજે 40થી 45 લાખના ખર્ચે ગટરના પાઇપ બદલાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં નાના અને હલકી ગુણવત્તાવાળા પાઇપ નખાતાં હોવાથી જે-તે વખતે માધાપર નવાવાસના પૂર્વ સરપંચ અરજણભાઈ ભુડિયાએ સુધરાઈ તેમજ કામગીરીનું સુપરવિઝન કરતા સુપરવાઈઝર તેમજ જવાબદારોનું ધ્યાન દોર્યું હોવા છતાં ધ્યાન અપાયું નહીં અને હજુ તો કામ થયું તેને મહિનોએ થયો નથી અને ગાંધી સર્કલ પાસે ગટરલાઇન ઊભરાવાનું ચાલુ થઈ ગયું છે, જે નબળી કામગીરી થઇ હોવાનું છતું થાય છે. આ કામની ગુણવત્તા એટલી નબળી છે કે, આગળ જતાં લોકલ બોર્ડ નજીક પણ થોડા સમય અગાઉ ગટરલાઇન લીકેજ થતાં રસ્તામાં ગાબડાં પડી ગયાં હતાં, જેથી આ નબળી કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 400 એમએમની લાઇનની જગ્યાએ કોન્ટ્રાકટર દ્વારા 300 એમએમના સિમેન્ટના પાઇપ નખાયા હોવાથી થોડા સમયમાં જ ફરી એજ સમસ્યા સર્જાવાની ભીતિ સાચી પડી છે. માધાપર ગાંધી સર્કલથી જૂની જીઈબી ઓફિસ સુધીની ચેમ્બરો આટલા દિવસમાં ચોકઅપ થઈ ગઈ હોવાથી ઊભરાતી ગટરોના પાણી રસ્તાઓ પર ફરી વળે છે. દરરોજની સમસ્યાથી ગામલોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ સમસ્યા કયારે ઉકેલાશે તેવા સવાલો કરી રહ્યા છે. બીજી તરફ ગાંધી સર્કલથી એમ.ઇ.એસ. તરફ આવતા માર્ગે બિપિન ભટ્ટ નગર આવેલું છે, જ્યાં ભુજ સુધરાઈ સંચાલિત ગટરના પાણી ઉલેચવા સંપ કાર્યરત છે, આ સંપ પર નિયમિત ગટરના પાણી ન ઉલેચાતાં આ ગટરના પાણી કચ્છમિત્ર સોસાયટીને અડીને આવેલા નાળામાં ભરાય છે, જેની દુર્ગંધથી રહેવાસીઓ તોબા પોકારી ગયા છે, આ બાબતે સોસાયટીના રહેવાસીઓની વારંવારની રજૂઆતો બાદ તંત્ર દ્વારા ખાતરી અપાઈ હતી કે, શિવમપાર્કથી માધાપર નવાવાસની નખાતી નવી ગટરલાઈનથી આ સમસ્યા ઉકેલાઈ જશે, પરંતુ અફસોસ કે સમસ્યા ઉકેલાવાના બદલે વધુ વિકરાળ બની છે, ખરેખર તો નિયમિત પમ્પિંગ ન કરનારા કોન્ટ્રાક્ટ અથવા તો કર્મચારીને બદલી નાખવો જોઈએ તેવી માંગ રહેવાસીઓ કરી રહ્યા છે, જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી અપાઈ છે. વળી આ નાળામાંથી ગટરનું પાણી સીધું યક્ષવાળા તળાવમાં જાય છે, જેથી તળાવનુંયે પાણી દૂષિત થાય છે. દરમ્યાન આ અંગે સુધરાઈના ઈજનેર મહિપાલસિંહ ઝાલાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, માધાપર નવાવાસની કેટલીક ચેમ્બરો ચોકઅપ થવાથી ગટર ઊભરાઈ રહી છે, આ જૂની ચેમ્બરો મળતી ન હોવાથી તેને શોધવાની કામગીરી ચાલી રહી છે. તો બિપિન ભટ્ટ નગર સંપની મોટર વારંવાર બગડી જતી હોવાથી નવી મોટર મગાવાઈ છે, જે બદલી જતાં તે સમસ્યા પણ ઉકેલાઈ જવાનું શ્રી ઝાલાએ જણાવ્યું હતું. બીજીતરફ ભુજના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળતા અનિલ જાદવનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, અગાઉ નગરપાલિકા અને પંચાયતનું પાણી ભેગું થતું હોવાથી સુધરાઈનું પાણી વાળવા નવી લાઈન નાખવામાં આવી છે તેમ છતાં જો હજુ ગટર ઊભરાતી હશે તો તેનું નિરાકરણ લવાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd