વાણી સ્વાતંત્ર્યનો ઘોર દુરુપયોગ મનોરંજનના નામે તો થાય છે, પણ રાજકીય નેતાઓ પણ બેફામ ભાષા વાપરીને સંવિધાને
બક્ષેલા અધિકારના નામે કોઈની પણ બદનામી, બદનક્ષી કરવા ટેવાયેલા
હોય છે. આવા એક કેસમાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ - જેઓ લોકસભામાં વિપક્ષી નેતા પણ
છે - વિનાયક દામોદર સાવરકર માટે અપમાનજનક શબ્દો વાપર્યા હોવાથી સુપ્રીમ કોર્ટે સખત
શબ્દોમાં ઠપકો અને ચેતવણી આપી છે કે, હવે જો આવો શબ્દપ્રયોગ થશે
તો સુપ્રીમ કોર્ટ આપમેળે (અર્થાત્ કોઈએ ફરિયાદ કરી નહીં હોય તો પણ) સજા કરશે. બે વર્ષ
પહેલાં રાહુલ ગાંધીએ સાવરકરને `િબ્રટિશરોનું પેન્શન મેળવનારા' અને `િબ્રટિશરોના નોકર' કહ્યા હતા. મહારાષ્ટ્રના આકોલામાં પત્રકાર પરિષદમાં આવી ભાષા વાપર્યા પછી લખનઉની
કોર્ટમાં એમની સામે ફરિયાદ અને કાર્યવાહી શરૂ થઈ હતી અને અલાહાબાદ હાઈ કોર્ટે `વચગાળાનો હુકમ' - સ્ટે ઓર્ડર આપવાનો ઇનકાર કર્યો હોવાથી રાહુલ
ગાંધીએ સુપ્રીમકોર્ટના દરવાજા ખખડાવ્યા. સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધીના વકીલને સ્પષ્ટ,
સખત શબ્દોમાં ચેતવણી અને ઠપકો આપ્યો છે. અન્ય રાજકીય નેતાઓએ પણ હવે વાણી
સ્વાતંત્ર્યના પ્રદર્શનમાં સંયમ જાળવવો પડશે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મનમોહનની
બેંચે રાહુલ ગાંધીને ઇતિહાસનો પાઠ ભણાવ્યો છે અને કહ્યું છે કે, તમારાં દાદીએ પણ વીર સાવરકરની પ્રશંસા કરી હતી તે જાણો છો? રાહુલ ગાંધીના વકીલ સિંઘવીને ઉદ્દેશીને કોર્ટે કહ્યું કે, તમારા અસીલને ખબર છે કે, મહાત્મા ગાંધીએ પણ વાઇસ રોયને
લખેલા પત્રમાં `આપનો વફાદાર
સર્વન્ટ' લખ્યું હતું? તમારા અસીલ
જાણે છે કે, એમનાં દાદી વડાપ્રધાન હતાં ત્યારે સાવરકરને `જેન્ટલમેન'ની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો? - તમારા અસીલને કહી દો કે, સ્વાતંત્ર્યસેનાનીઓ માટે આવા
બેજવાબદાર નિવેદન કરે નહીં. સ્વાતંત્ર્યસેનાનીઓ માટે આવી ભાષા વપરાય નહીં. તમને જ્યારે
ભારતના ઇતિહાસ અને ભૂગોળનું ભાન જ નથી. રાહુલ ગાંધીએ આવી ભાષા નહીં વાપરવી જોઈએ - જેનાથી
સમાજને આઘાત લાગે અને સમસ્યા થાય. તમારે આકોલા જઈને આવું ભાષણ કરવાની શી જરૂર હતી?
મહારાષ્ટ્રમાં સાવરકર પૂજનીય છે, પૂજાય છે તે જાણો
છો? હવે આવું કરતા નહીં. હવે પછી કોઈ કહેશે કે, મહાત્મા ગાંધી પણ બ્રિટિશરોના સર્વન્ટ હતા. તમે જાણીકરીને આવાં નિવેદનોથી ઉત્તેજન
આપો છો - હવે પછી બેજવાબદાર નિવેદનો નહીં કરવાની તાકીદ કરીએ છીએ. હવે આપણા સ્વાતંત્ર્યસેનાનીઓ
માટે આવા મનફાવે તેવા નિવેદન કરવાની છૂટ નથી. જેમણે આપણને વાણી સ્વાતંત્ર્ય આપ્યું
તેમના પ્રતિ આવો વરતાવ? હવે જો પુનરાવર્તન થશે તો પરિણામ ભોગવવા
પડશે. આશા રાખીએ સુપ્રીમની કડક ટીકા પછી રાહુલ ગાંધી બેજવાબદાર બયાનબાજી કરવાથી દૂર
રહેશે. તેમણે સમજવું જોઇએ કે દેશના વિપક્ષી નેતા હોવાના નાતે તેમની જવાબદારી છે. આવા
ઉધામાથી લોકોની નજરમાંથી ઊતરી જવાય છે.