અમદાવાદ, તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી) : જમ્મુ-કાશ્મીરમાં
થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્રના આદેશ પર સફાળી જાગેલી રાજ્ય સરકારે વર્ષોથી
ચંડોળા તળાવમાં અડીંગો જમાવીને બેઠેલા બાંગલાદેશીઓની વસ્તીમાં 45 ડિગ્રી તાપમાનમાં મેગા દબાણ
હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 60 ટકા દબાણ હટાવાયું છે. સાથે જ અહીં પોતાનું સામ્રાજ્ય ઊભું કરનારા
લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરાઇ છે. ગત 26 તારીખે 3 વાગ્યાથી ઝુંબેશ હાથ ધરાઇ હતી અને શકમંદ
બાંગલાદેશીઓને પકડી લેવામાં આવ્યા હતા. 150થી વધારે ગેરકાયદે બાંગલાદેશી હોવાનું સામે આવ્યું છે અને હાલમાં 250 લોકોની પૂછપરછ ચાલી રહી છે.
બાકીના પાસે દસ્તાવેજ હતા તો છોડી દીધા છે. જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, આ સ્થળેથી મની લોન્ડ્રિંગનો ધંધો પૂરજોશમાં
ચાલતો હતો, પૈસા બાંગલાદેશ મોકલાતા હતા. આ એટલો ગીચ વિસ્તાર હતો
કે પોલીસ કે એજન્સી જાય તો સ્થાનિક એલર્ટ કરી દેતા હતા, લલ્લુ
બિહારી બળજબરીથી દેહવ્યાપાર કરાવતો હતો. તેમણે જણાવ્યું હતું કે, બાંગલાદેશી આતંકી સંગઠન જમાત ઉલ બાંગલાદેશ અમદાવાદ સહિત અલગ-અલગ શહેરમાં સ્લીપરસેલ
એક્ટિવ કરવા માગે છે. આ માટે તેને ચંડોળાના લોકોનો સંપર્ક પણ કર્યો હતો. ચંડોળા તળાવમાં
2022માં એટીએસ દ્વારા એચક્યુઆઇએસ
(અલકાયદા)ના આતંકી હતા, તેને પકડવામાં
સફળતા મળી હતી. તેની તપાસ હાલમાં એનઆઇએ દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસ અને
ક્રાઈમ બ્રાન્ચને જમાતે-ઉલ-મુજાહિદ્દીન ત્યાંથી છૂટી ગયા છે અને અહીં ચંડોળા તળાવમાં
સંપર્ક બનાવવા પ્રયાસ થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજ સવારથી એએમસી કમિશનરની સૂચનાથી 49 જેટલા જેસીબી અને અલગ અલગ ટીમ બનાવી હતી અને કુલ 2000થી વધારે પોલીસ આ ઓપરેશનમાં
સામેલ હતા. અત્યાર સુધીમાં આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યાં સુધી દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી આ
કામગીરી ચાલુ રહેશે. આ જગ્યા શ્રીસરકાર જગ્યા છે અને એએમસીને આપવામાં આવી હતી. એસ્ટેટ
વિભાગની જવાબદારી હોય છે કે, દબાણ ન થાય અને પોલીસની જવાબદારી
છે કે, લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જળવાઈ રહે તે જવાબદારી પોલીસની
હોય છે, ત્યારે જો ખોટા દસ્તાવેજમાં જો કોઈ સરકારી કર્મચારી સંડોવાયેલા
હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. 2022માં અમે બે કેસ કર્યા હતા અને અનેક વિગત મેળવી હતી અને આ વિસ્તારમાં
ધ્યાન આપ્યું હતું અને ગેરકાયદે વીજ જોડાણ લીધા હોવાનું પણ સામે આવ્યું છે. નોંધનીય
છે કે, 27-28 એપ્રિલે અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ કલેકટર તેમજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વિસ્તારનો
સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે ઘણાબધા બાંગલાદેશીઓ તથા લલ્લુ
બિહારી જેવા માણસો દ્વારા ચંડોળા તળાવ અને આજુબાજુની સરકારી જગ્યાઓ ઉપર ગેરકાયદે કબજો
કર્યો છે. 29 એપ્રિલે સવારે તમામ એજન્સીઓ
(કોર્પોરેશનની 50 ટીમો અને અમદાવાદ પોલીસના 2,000થી વધારે અધિકારી અને પોલીસ
કર્મી) દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં, આ કામગીરી હજુ પણ ચાલુ જ છે. બેઘર થયેલા લોકો
માટે શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી બે દિવસ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં
આવશે. અત્યાર સુધીમાં 60 ટકા દબાણ
હટાવની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. પોલીસ તંત્ર સાથે સાત ઝોનની એસ્ટેટ વિભાગની ટીમો
ડિમોલિશનમાં જોડાઈ છે. વર્ષો જૂનાં બાંધકામ હતાં. તળાવોમાં ગેરકાયદે બાંધકામ થયાં હતાં, જેને તોડવાની કામગીરી થઇ રહી છે. નોંધનીય છે
કે, સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર
અને તર્કો ગોઠવી દેવામાં આવ્યા હતા. અહીં ગુજરાત પોલીસની સાથેસાથે ક્રાઇમ બ્રાન્ચ,
સાયબર ક્રાઇમ, એસઆરપી તથા એસઓજીની ટીમો પણ તૈનાત
કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા હતા. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો હતો.