• સોમવાર, 28 એપ્રિલ, 2025

શરદ પવાર આમ શા માટે બોલ્યા?

રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવાર કહે છે-`પહેલગામમાં આતંકવાદી હુમલામાં ધર્મનો ઉલ્લેખ કેમ આવે છે ? આતંકવાદમાં ધર્મનું નામ આવે નહીં એ જોવાની ફરજ સરકારની છે.' શરદ પવારે આ પ્રશ્ન કેમ ઉઠાવ્યો છે ? આતંકવાદીઓએ લોકોના નામ અને ધર્મ પૂછીને, વત્ર પણ ઉતારીને હિન્દુઓના જાન લીધા છે. સરકારે નથી કહ્યું કે, હિન્દુઓને વીણીવીણીને મારો-પાકિસ્તાનની સેનાના વડા-આસીમ મુનીરે મોહમ્મદ અલી ઝિણાને યાદ કરીને `ટૂ નેશન' ધર્મના આધારે રાષ્ટ્રનો ઉલ્લેખ કર્યો અને હિન્દુ-આપણાથી-મુસ્લિમોથી-અલગ છે એમ ગાઈબજાવીને આતંકવાદીઓને ઇશારો કર્યો-હિન્દુઓ જ દુશ્મન છે! શરદ પવાર કહે છે કે, આ પહેલાં જેટલા હુમલા થયા તેમાં ધર્મનો ઉલ્લેખ ન હતો-હવે શા માટે હિન્દુ-હિન્દુ થાય છે? આ સવાલના જવાબ હુમલામાં બચેલા લોકો અને નજર સામે પતિની હત્યા જોઈને કલ્પાંત કરતી મહિલાઓએ આપ્યા છે! પણ પવાર સાહેબ કહે છે : મહિલાઓને ઇજા પહોંચાડી નથી, માત્ર એમના પતિ ઠાર થયા છે! પવાર સાહેબને એટલી તો ખબર હોવી જોઈએ કે, નજર સામે પતિ ઠાર થાય તેનાથી મોટી `ઇજા' કઈ હોય? શરદ પવાર આ ઘટના રાજકીય આંખે-દૃષ્ટિએ જોઈ રહ્યા છે અને બતાવી રહ્યા છે! હિન્દુઓની હત્યાનો `રાજકીય લાભ' કોને મળશે?-એવી એમની ચિંતા એમના નિવેદનમાં ચાડી ખાય છે! પાકિસ્તાને શરૂઆતના પ્રત્યાઘાતમાં એમ જ કહ્યું હતું કે, આ તો ભારત સરકારનું નાટક છે! મુંબઈ ઉપરના આતંકી આક્રમણ વખતે પણ કોંગ્રેસના નેતાઓએ આવી જ શંકા વ્યક્ત કરી હતી. સુશીલકુમાર શિંદેએ તો હિન્દુ આતંકવાદનો પ્રચાર કર્યો હતો. પણ આજે જનમાનસ અલગ છે. વિપક્ષના નેતાઓ પણ નછૂટકે-કમને સરકારને સમર્થન આપી રહ્યા છે. મુસ્લિમો દેશભરમાં પાકિસ્તાન મુર્દાબાદનાં સૂત્રો પોકારે છે અને પાકિસ્તાનનાં પૂતળાં બાળે છે! ઓવૈસી હૈદરાબાદમાં પાકિસ્તાન વિરોધી જુલૂસની આગેવાની લઈ રહ્યા છે અને તેલંગાણાના કોંગ્રેસી મુખ્યપ્રધાન રેવંથ રેડ્ડી લાઉડ સ્પીકર હાથમાં લઈને વડાપ્રધાન મોદીને કહે છે : દુર્ગા માતા (ઇન્દિરાજી?)ને યાદ કરો. પાકિસ્તાનને ખતમ કરો-અખંડ કાશ્મીર બનાવો... દિલ્હીની જામા મસ્જિદના બુખારી સાહેબ કહે છે, ઇસ્લામમાં આતંકવાદને સ્થાન નથી. દેશમાં રાતોરાત હવા બદલાઈ ગઈ છે. સરકાર-વિશેષ કરીને મોદીને નિશાન બનાવીને ટીકાપ્રહારના સ્થાને હવે મોદી આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈં-કદાચ આ બદલાયેલી હવા કેટલાક વિરોધી નેતાઓને ગૂંગળાવી રહી છે! કેન્દ્ર સરકારે ઓલ પાર્ટીઝ મિટિંગ બોલાવી તેમાં પણ-આપણી સલામતી એજન્સીઓની ખામી-ગૃહપ્રધાને સ્વીકાર્યા પછી-સૌએ સરકાર જે જરૂરી નિર્ણય કરે તેને સર્વાનુમતે સમર્થન આપવાની જાહેરાત કરી છે છતાં નોંધપાત્ર છે કે, ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાએ હાજરી આપી નહીં, પણ પછી ટેકો જાહેર કર્યા વિના છૂટકો ન હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd