• બુધવાર, 30 એપ્રિલ, 2025

વરસામેડીમાં ઘરમાં ઘૂસી કિશોરીની છેડતી કરતા કિશોર સામે ગુનો દર્જ

ગાંધીધામ, તા. 29 : અંજાર તાલુકાના વરસામેડીની સોસાયટીમાં એક ઘરમાં ઘૂસી કિશોરીની છેડતી કરતાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સામે ગુનો દર્જ થયો હતો. બીજીબાજુ ભુજના માધાપરમાં બે કિશોરીને લાજ લેવાના ઇરાદે બાઇક પર બેસવાનું કહી છેડતી કરતાં બે શખ્સ સામે ફરિયાદ થઇ હતી. વરસામેડીની અંબાજી નગર-3 સોસાયટીમાં ગઇકાલે વહેલી પરોઢે આ બનાવ બન્યો હતો. અહીંની અંબાજી રેસિડેન્સી નામના વિસ્તારમાં રહેનાર કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર એક ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં સૂતેલી 15 વર્ષીય એક કિશોરીની લાજ લેવાના ઇરાદે આ શખ્સે કિશોરી સાથે છેડતી કરી હતી. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા આ કિશોર સામે ગુનો દર્જ કરી તેને પકડી પાડયો હતો. બીજીબાજુ છેડતીનો બીજો બનાવ માધાપર જૂનાવાસના ચોકમાં બન્યો હતો. અહીં બે કિશોરી હાજર હતી ત્યારે ઝબાર સમા અને અનાઉલ્લા સમા નામના શખ્સો ત્યાં આવી કિશોરીઓની લાજ લેવાના ઇરાદે બંનેને બાઇક પર બેસવાનું કહેતાં બંનેએ ના પાડતાં આ શખ્સોએ કિશોરીઓની છેડતી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બંને સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd