ગાંધીધામ / ભુજ, તા. 29 : અંજાર તાલુકાના
ધમડકા નજીક આવેલી મોનો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠીની વરાળ ત્રણ પડ ફાડીને રૂમમાં પહોંચી જતાં
રૂમમાં કામ કરી રહેલા મીઠુખાન મજુદ્દીનખાન (ઉ.વ. 34) દાઝી જતાં જીવ ખોયો હતો. જ્યારે નખત્રાણાના દેશલપર (ગું)નો આઠ
વર્ષનો બાળક દેવરાજ મનજી કોલી, વાડીમાં
ઝાડ ઉપર પીલુ તોડવા જતાં ઝાડ પરના જીવતા વીજતારના સંપર્કમાં આવી જતાં વીજશોક તેને ભરખી
ગયો હતો. ધમડકાની મોનો સ્ટીલ નામની કંપનીમાં ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરનારા શ્રમિક
મીઠુખાન નામનો યુવાન પેનલ રૂમમાં કામ કરી રહ્યો હતો દરમ્યાન 1200 ડિગ્રીએ સળગતી ભઠ્ઠીમાંથી વરાળ
ટેકનિકલ ખામીનાં કારણે બહાર નીકળી હતી. આ વરાળ એટલી તાકાતવાળી હતી કે, તેણે ત્રણ પડ તોડીને જ્યાં આ શ્રમિક રૂમમાં
બેઠો હતો ત્યાં પહોંચી હતી. જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. આસપાસ અન્ય કોઈ
ન હોવાથી બીજા કોઈને ઈજાઓ પહોંચી નહોતી. ઘવાયેલા યુવાનને પ્રથમ અંજાર અને બાદમાં વધુ
સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેણે છેલ્લા
શ્વાસ લીધા હતા. ખરેખર આ બનાવ કેવા કારણોસર બન્યો હશે તેની આગળની વધુ તપાસ દૂધઈ પી.આઈ.
આર. આર. વસાવાએ હાથ ધરી છે. આવા બનાવોનાં કારણે ફરીથી શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો સપાટી
ઉપર આવ્યો હતો. બીજી તરફ નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી)માં રહેતા મનજી વાલજી કોલીનો
આઠ વર્ષનો પુત્ર દેવરાજ ગઈકાલે તેનાં માતા-પિતા સાથે દેશલપર-મોરાય વચ્ચેની વાડીમાં
ગયો હતો અને બપોરે બેઠા હતા ત્યારે દેવરાજ બાજુમાં આવેલી દિલીપભાઈ પટેલની વાડીના શેઢા
ઉપર આવેલા પીલુનાં ઝાડ ઉપર પીલુ તોડવા ચડયો હતો. આ ઝાડ ઉપરથી વીજલાઈન પસાર થતી હોઈ
દેવરાજ તેના સંપર્કમાં આવતાં વીજળીનો જોરદાર કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
પિતા મનજીભાઈએ નખત્રાણા પોલીસ મથકે વિગતો જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ
કર્યો હતો.